Business

શું મોદી હવે CAA-NRC પણ પાછો ખેંચશે? ચૂંટણીનો ભય કે બીજું કાંઈ?

સીન – 1
ગયા વર્ષે 1 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની યોજાઈ રહેલી ચૂંટણી માટે એક રેલી દરમિયાન પ્રચાર કરવા આવેલા સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એવો દાવો કર્યો હતો કે, જે દેશ વિરોધીઓ કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે તેઓ શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

સીન – 2
આ વર્ષે 12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ મોદી સરકારના ત્રણેય કૃષિ કાયદાઓની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન મોદી સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ એવું કહ્યું હતું કે, દિલ્હીની સરહદો પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ‘ખાલિસ્તાનીઓ’ પણ સામેલ છે, જે દેશ સામે મોટું જોખમ છે! વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠ સમક્ષ આ વાત કહી હતી. વેણુગોપાલે એવું પણ કહ્યું હતું કે તેઓ IBના ઇનપુટ્સ સાથે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ ફાઇલ કરશે. એટર્ની જનરલે ખેડૂતોના આંદોલનમાં પ્રતિબંધિત સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ની સંડોવણીનો દાવો પણ કર્યો હતો.

ખેડૂતોનું આંદોલન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે અને CAA વિરુદ્ધ પણ મહિનાઓ સુધી દેશભરમાં અને ખાસ કરીને દિલ્હીમાં આંદોલન ચાલ્યું હતું. ખેડૂતોના આંદોલનમાં શીખ ખેડૂતોની ભાગીદારી મુખ્ય હતી અને CAA-NRCનો વિરોધ કરી રહેલા લોકોમાં મુસ્લિમોની મોટી સંખ્યા હતી. પહેલી વાત ખેડૂત આંદોલનની કરીએ તો, ખેડૂત શીખોને ડર હતો કે મોદી સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓને કારણે પાકને ફેંકી દેવાના ભાવે વેચવો પડશે! અને મુસ્લિમોને ડર છે કે CAA-NRCને કારણે ભારતમાં તેમની નાગરિકતા જોખમમાં મુકાઈ જશે.

હવે એ સમજો કે, જે ખેડૂતોના આંદોલનમાં મોદી સરકારે કોર્ટમાં ખાલિસ્તાનીઓની સંડોવણીની વાત કરી રહી હતી, એ જ આંદોલનને કારણે શુક્રવારે વડા પ્રધાન મોદીએ દેશને સંબોધનમાં ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી છે! મોદીએ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની જન્મજયંતીના દિવસને કૃષિ કાયદા પરત ખેંચવાના મોકા તરીકે પસંદ કર્યો હતો. ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરતાં વડા પ્રધાન મોદીએ ગત શુક્રવારે કહ્યું હતું – સરકારના વારંવારના પ્રયાસો છતાં અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાનું મહત્ત્વ સમજાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પણ અફસોસ કે અમે તેમાં સફળ થઈ શક્યા નથી.

નવાઈની વાત તો એ છે કે, આટ-આટલા વિરોધ વચ્ચે પણ ખેડૂતો સામે અડગ રહેલી મોદી સરકારનું આ વલણ તદ્દન નવું છે. અગાઉ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર એવું કહેતા નજરે પડ્યા હતા કે, મુઠ્ઠીભર ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો તેના સમર્થનમાં છે. જો કે, PM મોદીની આ જાહેરાત પરથી એવું લાગતું નથી કે મુઠ્ઠીભર ખેડૂતોની સમજના અભાવે ત્રણેય કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

બીજી તરફ CAA અને NRCની વાત કરીએ તો, CAA અને NRC વિરોધી આંદોલનને લઈને મોદી સરકાર કડક હતી. ગયા વર્ષે 3 જાન્યુઆરીએ, CAA આંદોલનને ફગાવી દેતી વખતે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, જો સમગ્ર વિપક્ષ એક સાથે આવે તો પણ સરકાર CAA પર એક ઇંચ પણ પાછળ નહીં હટે. હવે વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ સોશ્યલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે હવે શું? કોનો વારો છે? શું કલમ 370 પણ પાછી આવશે!? એક જાણીતા રાજકીય સમીક્ષકે તો ટ્વિટ કરીને પૂછ્યું છે, હાલ કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. CAA અને NRC કોલ્ડ સ્ટોરેજમાં છે. સમાન નાગરિક સંહિતા માટે કોઈ સંકેત નથી. હવે શું યોજનાઓ છે? અલબત્ત, માહોલ એવો બની રહ્યો છે કે, મોદીએ પારોઠનાં પગલાં ભરવાની શરૂઆત કરી છે!

તો અહીં સવાલ એ ઊઠી રહ્યો છે કે શું મોદી સરકાર CAA અને NRC વિશે પણ કાંઈક આવો નિર્ણય કરશે? ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ વિશે લખ્યું છે કે, દેશમાં આવી રહેલી એક પછી એક રાજ્યોની ચૂંટણીઓ અને વિરોધ પ્રદર્શનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિચારવા મજબૂર કર્યા છે. તેઓ જન આંદોલનને દબાવી શક્યા નહીં, ફક્ત આંદોલનકારીઓને પરેશાન કરી શક્યા છે. CAA સામેના વિરોધને કારણે NRCને એક થેલામાં ભરી દેવો પડ્યા છે.  CAAને પણ હજુ આખરી ઓપ આપવાના બાકી છે. ખેડૂતોનું આંદોલન તેમની જીદ અને પ્રતિબદ્ધતાને કારણે સફળ થયું છે.

 બીજી તરફ મનમોહન સિંહની સરકારમાં નાણાંપ્રધાન રહી ચૂકેલા પી.ચિદમ્બરમે તો સ્પષ્ટ લખ્યું છે કે, લોકશાહી દ્વારા વિરોધ કરી જે મેળવી શકાતું નથી તે હવે આવનારી ચૂંટણીના ડરથી આ દેશમાં પ્રાપ્ત કરી શકાય એવા સંજોગો ઊભા થયા છે. એવું કહી શકાય કે, 3 કૃષિ કાનૂનોને પાછા ખેંચવાની પ્રધાન મંત્રીની જાહેરાત હૃદય પરિવર્તનથી નહીં, પણ ચૂંટણીના ડરથી પ્રેરિત છે.

વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં હારના ડરથી વડા પ્રધાન એવું પણ સ્વીકારશે કે નોટબંધી પણ એક મોટી ભૂલ હતી. GST કાયદો ખૂબ જ ભયાનક રીતે બનાવવામાં આવ્યો હતો અને તેને બળજબરીથી લાગુ કરવામાં આવ્યો હતો. આટલેથી નહીં અટકતાં પી.ચિદમ્બરમે એવું પણ કહ્યું હતું કે, જો ચૂંટણીથી હારનો ડર હોય તો વડા પ્રધાને સ્વીકારવું પડશે કે ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને આપણી જમીન પર કબજો કર્યો છે. વડા પ્રધાન સ્વીકારશે કે CAA કાયદો સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ છે. એવું પણ સ્વીકારવું પડશે કે રાફેલ સોદામાં બેઈમાની થઈ છે અને તપાસ કરવામાં આવશે. પેગાસસનો ઉપયોગ ગેરકાયદેસર હતો.

એક રાજકીય સમીક્ષક કહે છે,  નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ પાસે હવે હિંદુત્વનો મુદ્દો ખતમ થઈ ગયો છે. દેશના સામાન્ય મતદારને સ્પર્શે એવું કોઈ કાર્ય ટાંકી શકે તેવું કાંઈ બચ્યું નથી. દર વખતે ખોટા વાયદાઓ કર્યા. બહુમતીના આધારે ખોટી નીતિઓ બનાવી, હવે કોઈ રસ્તો બચ્યો નથી. મોદી સરકારે શીખો સાથે ઘર્ષણ ઊભું કર્યું હતું. કદાચ, તેઓ શીખોનો સાચો ઈતિહાસ જાણતા હોત તો આવું ન કર્યું હોત. સરકાર એવું સમજતી હતી કે, CAA વિરોધી આંદોલનની જેમ ખેડૂત આંદોલનને પણ ખતમ કરી દઈશું પણ ખેડૂત આંદોલને આખરે મોદી સરકારને જમીન પર લાવી દીધી છે.

મોદી સરકારના હવે બે ચહેરા દેખાઈ રહ્યા છે! નવાઈની વાત તો એ છે કે, એક બાજુ સરકાર પ્રધાનમંડળમાં દલિતો અને પછાત જાતિઓનો સમાવેશ કરે છે. બીજી તરફ મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય વર્ગના ગજા બહાર નીકળી ગઈ છે. ભૂખ અને બેરોજગારી વધી રહી છે. હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન કરતાં પણ પાછળ રહી ગયા છીએ. આગામી સમયમાં સરકારે CAA અને NRCમાંથી પણ પારોઠનાં પગલાં ભરવા પડશે. નોટબંધી, GST અને ચીનનું સતત દબાણ. દરેક મોરચે નિષ્ફળ ગયા છે.

ઓવરઓલ જોઈએ તો,  એવું લાગી રહ્યું છે કે, ચૂંટણીથી ક્યારેય નહીં ડરતો પક્ષ હવે ડરવા લાગ્યો છે! ભાજપે આ વર્ષે છેલ્લા કેટલાક મહિનામાં ચાર-ચાર મુખ્ય મંત્રી બદલી નાખ્યા છે. મજાની વાત તો એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્ય એવા ગુજરાતના સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરવો પડ્યો હતો. આને ભલે ચાણક્ય નીતિ તરીકે દેશ સામે પ્રસ્તુત કરવામાં આવ્યું હોય, પણ અંદરખાને ફરી એક વખત ચૂંટણીમાં હારી જવાનો ભય દેખાયો હતો. ભાજપના આ નિર્ણયો પરથી લાગે છે કે પાર્ટી આગામી ચૂંટણીમાં જીતને લઈને કોન્ફિડન્ટ નથી! 

હવે PM મોદીએ અચાનક એ ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, જેને તેમની સરકાર ક્રાંતિકારી ગણાવી રહી હતી. PM મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવા પાછળ એવી દલીલ કરી છે કે, તેઓ કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. મજાની વાત તો એ છે કે, આ સરકાર દૂધે ધોયેલી હોત તો ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા  કે જેના પુત્ર પર લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડી નાખવાનો આરોપ છે, તેને હજુ પણ કેબિનેટમાંથી દૂર કરવામાં આવ્યા નથી.

Most Popular

To Top