ઇઝરાયેલ એક વર્ષ કરતા વધુ સમયથી વિવિધ મોરચે લડાઇઓમાં સંડોવાયેલું છે ત્યારે મંગળવારે એક નવી ઘટના ઇઝરાયેલમાં બની. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ તેમની સામેના ભ્રષ્ટાચારના કેસમાં અદાલતમાં હાજર થવું પડ્યું. અદાલતમાં હાજર થતા સમયે જો કે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ વચન આપ્યું હતું કે તે પોતાની સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોને ચોક્કસપણે તોડી પાડશે. જો કે તેઓ આ આરોપોનો સામનો કેવી રીતે કરી શકે છે તે હવે જોવાનું રસપ્રદ રહેશે. તેમની સામે લાંબા સમયથી ચાલતી કાર્યવાહીમાં ઉલટતપાસની શરૂઆત મંગળવારે થઇ હતી, અને તેઓ ઇઝરાયેલના એવા પ્રથમ વડાપ્રધાન બન્યા હતા કે જેણે એક ગુનેગાર પ્રતિવાદી તરીકે અદાલતમાં હાજરી આપી હોય. ઇઝરાયેલમાં સૌથી લાંબો સમય નેતૃત્વ કરનાર નેતા એવા નેતાન્યાહુ માટે આ ઉલટતપાસ એ વધુ એક નીચો પોઇન્ટ છે જ્યારે તેઓ ગાઝામાં ઇઝરાયેલના યુદ્ધ અંગે કથિત યુદ્ધ ગુનાઓ બાબતે ઇન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટનો પણ સામનો કરી રહ્યા છે.
તેલ અવીવની કોર્ટના ભરચક ખંડમાં નેતાન્યાહુની ઉલટતપાસનો અદાલતે આરંભ કર્યો હતો. એક દેશના વડાપ્રધાને આ રીતે અદાલતમાં આરોપી તરીકે હાજર થવું પડે તે શરમજનક બાબત જ છે. નેતાન્યાહુની સામે એક અબજપતિ હોલીવુડ પ્રોડ્યુસર પાસેથી તેને તેના અંગત અને ધંધાકીય હિતોમાં મદદ કરવાના બદલામાં તેની પાસેથી હજારો ડોલરની સિગારો અને શેમ્પેઇન દારૂ પ્રાપ્ત કરવાનો આરોપ છે, ઉપરાંત કેટલાક મીડિયા જૂથો માટે પોતાના અને પોતાના કુટુંબના સારા કવરેજના બદલમાં તેમને લાભદાયી હોય તેવા નિયમોને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
ઉલટ તપાસની શરૂઆતમાં નેતાન્યાહુએ દલીલ કરી હતી કે તેઓ એક પ્રતિબધ્ધ નેતા અને ઇઝરાયેલના હિતોના સંરક્ષક છે. પોતાની સામેના આરોપોને તુચ્છકારી કાઢતા નેતાન્યાહુએ કહ્યું હતું કે દેશનું રક્ષણ કરતા પોતે જે પડકારોનો સામનો કર્યો છે તેની સામે તો આ આરોપો દરિયામાં ટીપા જેવા છે. સત્ય કહેવા માટે મેં આઠ વર્ષથી આ ક્ષણની પ્રતિક્ષા કરી છે એમ નેતાન્યાહુએ પોડિયમમાં ઉભા રહીને કહ્યું હતું. જ્યારે તેમનો પુત્ર એવનર અને તેમના લિકુડ પક્ષના ઘણા સભ્યો કોર્ટરૂમની બેન્ચીસ પર બેઠા હતા. નેતાન્યાહુ સામેની આ કોર્ટ કાર્યવાહી હવે ચાલુ થઇ છે ત્યારે તેમણે હવે ઇઝરાયેલનું વડાપ્રધાનપદ સંભાળવાની સાથે દેશના સંઘર્ષના સમયે પોતાની સામેની અદાલતી કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.
આમ પણ નેતાન્યાહુ સામે ઈઝરાયેલમાં લાંબા સમયથી અસંતોષ હતો. પ્રજાનો એક મોટો વર્ગ તેમનાથી નારાજ હતો અને છે. તેમણે જ્યારે અદાલતી સુધારાઓ માટેના કાયદાઓ રજૂ કર્યા ત્યારે તેમની સામે પ્રચંડ લોકરોષ ફાટી નિકળ્યો હતો અને દેશભરમાં તેમની સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. હજારો લોકો જોડાયા હોય તેવા અનેક વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજાયા હતા. વિપક્ષનો એવો આક્ષેપ હતો અને લોકોમાં પણ એવી લાગણી હતી કે આ કથિત અદાલતી સુધારાઓ કરીને નેતાન્યાહુ દેશના ન્યાયતંત્રને નબળુ પાડવા માગે છે, તેની સ્વાયત્તતામાં કાપ મૂકવા માગે છે.
આ વિવાદ હજી તો ચાલુ જ હતો અને ૨૦૨૩ના ઓકટોબરમાં અચાનક હમાસે દક્ષિણ ઈઝરાયેલમાં હુમલાઓ કર્યા, અનેક લોકો અને સૈનિકોને મારી નાખ્યા અને બીજા અનેકના અપહરણ કર્યા, જેમાંના કેટલાક તો હજી પણ હમાસના કબજામાં જ છે. હમાસના આ હુમલાનો ઇઝરાયેલે તરત જવાબ આપ્યો અને એક ભયંકર લડાઇ ફાટી નિકળી. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ લડાઇ નેતાન્યાહુને ફળશે અને તેમની સામેનો લોકરોષ શમી જશે. પણ એવું બહુ થયું નહીં. એક તો હમાસનો હુમલો અણધાર્યો હતો અને તેમાં એક હજારથી વધુના મોત ઇઝરાયેલમાં થયા હતા, ઘણા તેને નેતાન્યાહુ સરકારની નિષ્ફળતા માને છે.
ઇઝરાયેલે વળતા હુમલા કરીને ગાઝામાં થોડા જ મહિનાઓમાં હજારો લોકોને મારી નાખ્યા, પણ તેથી ઈઝરાયેલની પ્રજાનો એક મોટો વર્ગ ખુશ થયો નહીં. અપહ્યતોને છોડાવવામાં નેતાન્યાહુને સફળતા મળી નહીં તેથી તેમના કુટુંબીજનો અને સ્વજનો તથા પ્રજાના વર્ગની નેતાન્યાહુ સામેની નારાજગી વધી રહી હતી. છેવટે નેતાન્યાહુએ નાકલીટી તાણીને હમાસ સાથે કેટલાક કરાર કરીને અનેક પેલેસ્ટાઇની કેદીઓને છોડવા પડ્યા અને તેના બદલમાં કેટલાક બંધકોને છોડાવ્યા, છતાં હજી કેટલાક ઇઝરાયેલીઓ હમાસના કબજામાં છે. પશ્ચિમી દેશોમાં પણ ઇઝરાયેલના વિરુદ્ધમાં વ્યાપક દેખાવો થયા અને તેમાં ખ્રિસ્તીઓ પણ જોડાયા. આ બધી નાલેશી તો હતી જ ત્યાં ઇનટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું વૉરન્ટ નેતાન્યાહુ સામે નિકળ્યું. અને હવે ભ્રષ્ટાચારના મામલે નેતાન્યાહુએ અદાલતમાં હાજર થવું પડ્યું છે. ત્યારે હવે તેમની સામે કેવા સંજોગો ઉભા થાય છે તે જોવાનું રહે છે.