Comments

ભૂપેન્દ્ર પટેલ સંભવિત કોવિડનો પડકાર યોગ્ય રીતે ઝીલી શકશે ખરા?

દેશ અને દુનિયામાં કોરોનાનો ભય ફરીથી ફેલાયો છે. કોવિડ વાયરસનો નવો વેરિયન્ટ ચીનમાં અનિયંત્રિત રૂપે ફેલાયો હોવાની વાતે દુનિયા ફરીથી ધ્રૂજી રહી છે. અમેરિકા, જાપાન, બેલ્જિયમ સહિતના અનેક દેશોમાં કોવિડ કેસો વધતા જઇ રહ્યા છે. ગુજરાત પણ એમાં બાકાત નથી. અમદાવાદ, રાજકોટ, જેતપુર તેમજ બનાસકાંઠામાં કોવિડના નવા કેસ મળતાં તંત્રમાં નવો ફફડાટ ફેલાયો છે. જો કે આ કેસોમાં નવા વેરિયન્ટનાં કોઇ લક્ષણો હજુ સુધી મળ્યાં નથી, છતાં સંશોધનો ચાલી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ ગયા પછી આ કોરોનાએ ઉપાડો લેવા માંડ્યો છે એ વાત સત્તાધારી જ નહીં, તમામ રાજકીય પક્ષો માટે આશ્વાસનરૂપ છે. જો કે રાજ્ય સરકાર બરાબર એક્શન મોડમાં આવી ગઇ છે.

તંત્ર સજાગ થઇ ગયું છે. ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ત્રિવેણી ફરીથી એક્ટિવેટ કરાઇ રહી છે. કોરોનાના મામલે રાજ્ય સરકારે કોઇ રીતે બેદરકાર રહેવું પોસાય એવું હવે નથી, કારણ કે ભૂતકાળની રૂપાણી સરકારને માથે કોરોનાના મામલે કેટલાં માછલાં ધોવાયાં હતાં એ સૌ કોઇ જાણે છે. ભાજપ મોવડીમંડળે જે કેટલાંક કારણોસર આખેઆખી રૂપાણી સરકારને બદલી નાખીને નવી સરકારની રચના કરી, તેમાં કોરોનાનો રોગચાળો એક મોટું કારણ મનાય છે. તત્કાલીન સરકારને માથે કોરોનાના મામલે કંઇક ઠીકરાં ફૂટ્યાં છે. જુની સરકારને બદલીને ભાજપે કોરોનાના કારભારામાંથી સિફતપૂર્વક પોતાને બચાવી લીધો છે. હોસ્પિટલ બેડ, ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શન વગેરે સહિત જ નહીં.

અંતિમવિધિ માટેની પણ પડતી વિટંબણાઓને ચૂંટણી ટાણે મતદારો યાદ ન કરે એવો બરાબરનો સિનારિયો ભાજપી નેતાગીરી દ્વારા સફળતાપૂર્વક ઊભો કરી દેવાયો ને પરિણામે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ખોબલે ખોબલે વોટ મળ્યા. એ જોતાં હવેની સ્થિતિએ કોરોના એના નવા વેરિયન્ટ રૂપે ફરીથી ન ફેલાય એ માટેની સઘળી તકેદારીઓ રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. મતદારોએ ભાજપને જે મબલખ વોટ આપ્યા છે, તે જોતાં સરકારે કોઇ બાબતે ગાફેલ રહેવું પોસાય એવું નથી. પહેલા દિવસથી જ રાજ્ય સરકાર સક્રિય બની ગઇ છે. પ્રજાલક્ષી નિર્ણયો લેવા માંડ્યા છે. ખુદ મુખ્યમંત્રીએ સૌ મંત્રીઓને સોમવારથી શુક્રવાર સુધી ગાંધીનગરમાં રહેવાની તાકીદ કરી છે.

ગેરકાયદે બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને કાયમી કરી દેવાનો તખ્તો ગોઠવીને આવાં બાંધકામ કરનારાઓને ખુશખુશાલ કરી દીધા છે. સરકારે ગેરકાયદે બાંધકામો મારફતે આવક ઊભી કરવાનો સારો નુસખો શરૂ કરી દીધો છે. ગામડાંઓમાં ખેડૂતોને ફાયદો થાય એ માટે ગઇ ખરીફ ઋતુમાં વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનું વળતર રાહત પેકેજ અનુસાર ચુકવવા પર ધ્યાન આપવા માંડ્યું છે. છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ ,સુરત,તાપી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, જુનાગઢ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અસરગ્રસ્ત 2,623 ગામોના 1.7 લાખથી વધુ ખેડૂતોને રૂ.113 કરોડથી વધુની રકમની સહાય ચૂકવવામાં આવી છે.

આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાકધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે. ઉપરાંત MSME ઉદ્યોગકારોને રાજ્યના અન્ય વિભાગોની મંજૂરીઓ વધુ ઝડપે મળે તે હેતુથી ફેસિલિટેશન ડેસ્ક શરૂ કરવામાં આવનાર છે. કોવિડ સામે લડવાનું આવે તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજારથી વધુ બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરી રાખી છે, જેમાં 15 હજાર થી વધુ આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાત સરકારે અત્યારથી જ કસરત શરૂ કરી દીધી છે.

 હવે કોવિડના સંભવિત પડકારને ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કઇ રીતે પહોંચી વળે છે તેના થકી પણ તેનું માપ નીકળવાનું છે. ગુજરાતમાં કોવિડ ટેસ્ટિંગ અને રસીકરણને વધુ વેગવાન બનાવવામાં આવનાર છે. કોવિડની સંભવિત ચોથી લહેર સરકાર માટે મોટા પડકારરૂપ બની રહેવાની છે. સરકારે પ્રજાલક્ષી નિણર્યો કરીને એકંદરે નવી શરૂઆત સારી કરી છે. ચૂંટણીમાં થયેલી હાર પચાવવી અઘરી છે, એમ પ્રચંડ જીતને પચાવવી પણ એટલી જ અઘરી છે. ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના કરિશ્માઇ વ્યક્તિત્વનો બરાબરનો જાદુ ચાલ્યો અને મોદી તેમજ અમિત શાહની ચાણક્ય ગોઠવણોને કારણે ભાજપના જ સિનિયર અને ટિકિટોની વહેંચણીમાં પડતા મૂકાયેલા નેતાઓને ઠેકાણે પાડવાની કપરી જવાબદારી પણ આવી પડેલી છે. રાજ્યનું મંત્રીમંડળ નાનું રાખીને ઓર વધુ પરેશાની વહોરી લેવાઇ છે.

ઓછા મંત્રીઓ અને વધુ અસંતુષ્ટો એવી સ્થિતિ ઊભી થઇ રહી છે. રૂપાણી સરકારના ઘણા ખરા જુના મંત્રીઓની તો બાદબાકી થઇ ચૂકેલી છે, પણ એ લોકો હવે નવી સરકાર સામે કેટલા સંયમિત અને શિસ્તબદ્ધ રહી શકશે તે એક સવાલ છે. આ પીઢ નેતાઓ ચૂંટણીમાં વધુ વોટ બગાડી શક્યા નથી, પરંતુ જે પીઢ, અનુભવી અને વગદાર નેતાઓ મંત્રીમંડળમાં લેવાયા નથી, તેઓ સાવ શાંત જ બેસી રહેશે એવું ન કહી શકાય આવા નેતાઓમાં  મોખરે નામ આવે છે, યુવાન પાટીદાર નેતા જયેશ રાદડિયાનું નામ મોખરે છે. તેઓ વગદાર લેઉવા પાટીદાર સમુદાયના છે. ઉપરાંત આદિવાસી નેતા ગણપત વસાવા, સુરતના પૂર્ણેશ મોદી, લીંબડીના કિરીટસિંહ રાણા વગેરે નામો આવા સક્ષમ નેતાઓની યાદીમાં મોખરે આવે છે, જેમને હાલની સરકારમાં યોગ્ય સ્થાન મળ્યું નથી.

ભાજપ અને સરકારની અગ્રતા યાદીમાં આવા નેતાઓને યોગ્ય સ્થાન આપવાની બાબત મોટે ભાગે હશે, પણ જો નહીં હોય તો ભવિષ્યમાં તેના પ્રત્યાઘાતો પડ્યા વિના રહેવાના નથી. એ જ રીતે રાજ્યના રાજકીય ફલક પર તાજેતરના ટૂંકા ગાળામાં ઉભરી આવેલા ત્રણેય યુવા નેતાઓ – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી નવી વિધાનસબામાં ચૂંટાઇ આવ્યા છે. તેમાં જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાંથી ચૂંટાયા છે ને બાકીના બંનેય નેતાઓ ભાજપમાંથી ચૂંટાયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ભાજપે બરાબરના નિયંત્રણમાં રાખેલા છે. પાર્ટી આગામી દિવસોમાં તેમની શકિતઓનો કેવો ઉપયોગ કરી શકે છે તે પણ જોવાનું રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top