Entertainment

આયુષ્યમાન પેંડા વહેંચાવશે કે જલેબી?

અમોલ પાલેકર સામે કયારેય બોકસ ઓફિસ પર પોતાને સાબિત કરવાની જવાબદારી નહોતી આવી. શાકભાજીના બજારમાં કેળા પણ વેચાતા હોય છે ને તેણે હું શાકભાજી છે એવું પૂરવાર કરવાનું નથી હોતું. લોકો શાકભાજી સાથે કોઠમીર લે તેમ કેળા ય લે. આયુષ્યમાન ખુરાના વિશે એવું જ છે. તેણે મોટા સાબિત નથી થવાનું. તેની પર સલમાન કે શાહરૂખ કે ઋતિક થવાનું દબાણ નથી અને એ કારણે જ તે પોતાની સફળતા વધુ માણી શકે છે. હા, એ વાત જુદી કે તેની ‘ડોકટર જી’ રજૂ થઇ રહી છે ત્યારે જો તેને સફળતા મળે તો તે સલમાન, ઋતિક, અજય, અક્ષયથી મોટો સ્ટાર ગણાઇ જશે. એ સ્ટેટસ જો મળે તો તે કામચલાઉ જ રહેશે કારણકે તે મોટી કમર્શીઅલ સફળ – મનોરંજક ફિલ્મો માટેનો સ્ટાર નથી. આયુષ્યમાન પણ આ સમજે છે. તે પોતાના વિશે વધુ વાત થવા નથી દેતો અને ઇન્ટરવ્યુમાં મોટી મોટી વાત કરતો નથી. તે પોતે જાણે છે કે તે એવો સ્ટાર નથી કે જે બોકસ ઓફિસને ઉપરતળે કરી શકે આમ છતાં તેની વેલ્યુ જરૂર વધી છે.

‘ડોકટર જી’ ફરી એક જુદા વિષય સાથેની કોમેડી ફિલ્મ જ છે. આયુષ્યમાન લગભગ દરેક વખતે જુદા વિષય સાથે હસાવવાનો પ્રયત્ન કરે છે ને એ નિમિત્તે સોશ્યલ કોમેન્ટ પણ કરે છે. આ ફિલ્મમાં તે પુરુષ સ્ત્રીરોગ નિષ્ણાત બન્યો છે. ગાયનેકોલોજીસ્ટ સ્ત્રી જ હોવી જોઇએ, પુરુષ હોય તો તરત સ્વીકૃતિ ન મેળવે. બસ, આમાંથી જ કોમેડી સર્જાવાની વાત છે. આયુષ્યમાનની ફિલ્મો કયારેક જ એકદમ ઘેરા વિષયમાં જાય છે.

તેની ફિલ્મને વિદેશમાં શૂટિંગની જરૂર ન પડે યા સો-બસો ડાન્સર સાથે કોરિયોગ્રાફ કરેલા રોમેન્ટિક – ડાન્સ ગીતની જરૂર ન પડે. તેની ફિલ્મને મશીનગનની જરૂર ન પડે અને ધુઆંધાર ડાયલોગબાજીની પણ જરૂર ન પડે. ‘ડોકટર જી’નું શૂટિંગ ભોપાલ અને અલાહાબાદમાં થયું છે. ‘અંધાધૂન’ તેની એ સ્ટાઇલીશ ફિલ્મ હતી અને ‘ચંડીગઢ કરે આશિકી’ તેને જુદી રીતે દેખાડવામાં ગૂંચવાય ગયેલી ફિલ્મ હતી. આ વખતે એવું ન હોય તો પ્રેક્ષક જોશે. નવરાત્રી પુરી થઇ છે એટલે લોકો ફરી ખાલી પણ છે અને રજાઓનો મૂડ બની ગયો છે. લોકો દિવાળીએ ફરવા નીકળે તે પહેલાં આ બધું માણવા તૈયાર હશે જો ફિલ્મ સારી હશે.

બાકી તેની ‘ડ્રીમ ગર્લ-2’ તો ૨૦૨૩ ની ૨૯મી જુલાઇએ રજૂ થવાની છે. હા, ‘એન એકશન હીરો’ આ વર્ષના ડિસેમ્બરની બીજી તારીખે રજૂ થશે. આમાં તે ફરી જરા જુદો દેખાશે પણ તેમાંય એકશન વડે હાસ્ય જ પેદા કરાશે. શું તે પણ હવે હાસ્યથી બંધાય ગયો છે? તે પોતાની ઇમેજ સાથે પ્રયોગ કરે છે પણ સાવધાની રાખીને. એક અર્થમાં આ બરાબર જ છે. આયુષ્યમાન પોતાની ઇમેજ ડેવલપ કરી શકયો છે અને તેને જ આગળ વધારી રહ્યો છે.

બાકી ઘણા અભિનેતા બ્લાઇન્ડ રમતા હોય છે ને અટવાય જાય છે. આયુષ્યમાને પોતાની એક પ્રતિષ્ઠા જરૂર ઊભી કરે છે અને તેનાથી જ તેને ફિલ્મો મળી રહી છે. ‘ડોકટર જી’ પાસે બહુ બધી અપેક્ષા નથી પણ તેની સફળતા બોકસ ઓફિસને દિવાળી પહેલાં પ્રાણવંત બનાવશે. હમણાં ‘વિક્રમ વેધા’ પ્રમાણમાં સારી ચાલી છે. ‘બ્રહ્માસ્ત્ર’ને સારી પૂરવાર કરવાનો પ્રયત્ન થયો પણ નવી ફિલ્મો રજૂ થતા એ પ્રયત્નો ખુલ્લાી પડી ગયા છે. હવે બધું થઇ સારી દિવાળીની પ્રતિક્ષા બધાને છે. ‘ડોકટર જી’ કેવીક પ્રસુતિ કરાવે તે જોઇએ! •

Most Popular

To Top