તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ભલે પછી સવાર હોય, બપોર હોય કે પછી સાંજ હોય, જેટલી ઝડપથી વસ્તીમાં વધારો નોંધાય છે તેટલી જ ઝડપથી સડક ઉપર સડસડાટ દોડતાં વાહનોમાં પણ વધારો દેખાય છે અને એમાં જ્યારે તમે પાર્કિંગ તરફ નજર કરશો તો વાહનચાલકો પોતાનાં વાહનો આડેધડ પાર્ક કરતાં નજરે પડશે. પોતાને જ્યાં જવાનું હોય તે જગા આવે એટલે પોતાનું વાહન જયાં ઊભું રહે ત્યાં મૂકીને નીકળી જતા હોય છે. એટલો પણ વિચાર સુદ્ધાં તેઓ કરતાં નથી કે આપણે કરેલું ગમે તેમ પાર્કિંગ બીજાને કેટલું અગવડરૂપ બનશે?
આમાં કોઇ એક વ્યક્તિનો વાંક નથી હોતો. આમાં વૃદ્ધ, આધેડ અને યુવા વર્ગનો પણ સમાવેશ થાય છે. મેં મારી નજરે જોયું છે કે એક કારચાલક ભાઇ પોતાની કાર લઇને આવ્યા. એમણે કાર પાર્ક કરવી હતી, પણ તે જગાએ કોઇએ સ્કુટર સરખું મૂકીને જગા બનાવી પછી પોતાની કાર યોગ્ય રીતે પાર્ક કરી, જેવી રીતે લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળે છે તેવી જ રીતે મને તો પાર્કિંગ સેન્સનો પણ એટલો જ અભાવ જોવા મળે છે. આ જોતાં એમ નથી લાગતું કે આપણે પાર્કિંગ માટેના પણ કલાસ ચાલુ કરવા જોઇએ? જેથી પાર્કિંગના પ્રત્યે આટલી ઉદાસીનતા તો ન જન્મે.
સુરત- શ્રીમતી શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માત્ર કાજુ બદામ ખાવાથી બુધ્ધિ વધે?
મોટા ભાગના લોકોને ખાસ કરીને સુખી સંપન્ન પરિવારોની મહિલાઓને એવી ગલત ફહેમી છે કે બાળકોને હાજુ બદામ સુકો મેવો ખવડાવવાથી બુધ્ધિ વધે છે. મારા એક ગરીબ ઓળખીતાના સંતાનો એ આ વાત જુઠી સાબીત કરી બતાવી. આ ઓળખીતાના 14 પેઢીના પરિવારે કોઇ ભણ્યું ન હતું. ઘરમાં દારૂણ ગરીબી પતરાની રૂમ જેવા મકાનમાં આડશો કરી ત્રણ પરિવાર રહે. બધાય મજૂરી કરે. ઘરમાં લાઇટ નહીં, પગમાં સ્લીપર સિવાયના જૂતા ચપ્પલ નહીં. કોઇ તહેવાર જીંદગીમાં ઉજવ્યા નથી, સાદા શાક રોટલા સિવાય જીંદગીમાં ઘારી, જલેબી, કાજુ, બદામ કદી જોયા નથી એ મિત્રના સંતાનોએ જીંદગીમાં સુખકદી જોયું ન હોતું એના સંતાનોએ ગુજરાતી માધ્યમમાં ભણીને જીંદગીની બાજુ જીતી બતાવી! દીકરીએ અત્યંત ટફ કહેવાતી સીએની પરીક્ષા પાસ કરી અને દીકરો એલએલબીના છેલ્લા વર્ષમાં ભણે છે.
આ ગરીબ પરિવારના સંતાનોએ સાબિત કરી બતાવ્યું કે સિધ્ધિ કોઇ સુખ સગવડની મહોતાજ નથી. જે પરિવારના ઘરમા ન્હાવાનો બાથરૂમ પણ ન હોય એ પરિવારના સંતાનો અત્યંત અઘરી પરીક્ષાઓ પાસ કરી બતાવે એ સિધ્ધી નાનીસુની તો ન જ રહેવાય! આનાથી એક વાત સાબિત થાય છે કે દુ:ખથી જ માણસ ઘડાઇને હોંશીયાર બને છે અને વધુ પડતા સુખ સગવડથી સંતાનો વંઠે છે.અવળા ધંધે ચડે છે. પારાવાર અભાવો વચ્ચે મેળવેલ સિધ્ધિઓ બદલ આ પરિવારને સલામ કરવી જ પડે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.