SURAT

કિન્નરો સમાજનો એક ‘ભાગ’ કેમ રહે સમાજથી ‘બાકાત’?

સામાન્ય રીતે સમાજમાં પુરુષ અને સ્ત્રી એમ બે જેંડર સર્વ સ્વીકૃત છે. આ સિવાય થર્ડ જેંડર એટલે કે કિન્નરોની વાત આવે ત્યારે સૌ પ્રથમ તો દાપું માંગવા આવતાં કિન્નરોની જ છબી મનમાં ઉપસી આવે છે. ત્યારે આ કિન્નરોની આ છબી બદલાય એવો એક પ્રયાસ સુરતના કેટલાક સોશ્યલ વર્કર્ઝ દ્વારા કરવામાં આવ્યો હતો. કારણ કે કિન્નરો પણ સમાજનો જ એક હિસ્સો છે અને તેમને પણ સમાજમાં માન સન્માન મળે એવા હેતુ સાથે યોજાયેલા ફેશન શો માં કિન્નરોએ પ્રથમ વખત અલગ કોસ્ચ્યુમ પહેર્યા હતા, આ રીતે પ્રથમવાર લોકોની સામે આવવાનું હોવાથી ખાસ્સા નર્વસ હોવાં છતાં પોતે બીજાથી અલગ નથી એ સાબિત કરી બતાવવા માટે કિન્નર સમાજના 21 કિન્નરોએ સફળતા પૂર્વક આ ફેશન શો ને પાર પાડ્યો હતો અને એટલું જ નહીં આગળ પણ પૂરા કોન્ફિડન્સ સાથે કોઈપણ કાર્યમાં ભાગ લેવાની તૈયારી પણ બતાવી હતી. તો સમાજની માનસિકતા બદલાવાના પ્રયાસમાં સહભાગી થઈને સિટીપલ્સે કેટલાક કિન્નરો સાથે વાત કરીને તેમના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો…

કોન્ફિડન્સમાં વધારો થયો : અમ્રિતા કુંવર
ફેશન શો નો હિસ્સો બનનાર અમ્રિતા કુંવર કહે છે કે, ‘’આમ તો મેં ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ અમારાં સમાજ માટે પ્રથમવાર આ પ્રકારનું આયોજન થયું હોવાથી પહેલાં તો ભાગ લેવામાં ડર લાગ્યો, પણ પછી થયું કે, વારંવાર આવો ચાન્સ નથી મળતો, માટે ઘરે જ ફેશન શો ની તૈયારી શરૂ કરી દીધી અને મારી 34 વર્ષની જિંદગીમાં મેં પ્રથમવાર ઇન્ડોવેસ્ટર્ન સૂટ પહેર્યો. જો કે, સ્ટેજ પર ગયા બાદ મારો આત્મવિશ્વાસ વધ્યો, કારણ કે અમારાં સમાજ સિવાય જનરલ પબ્લિકનો પણ સારો સપોર્ટ મળ્યો હતો. અમારા સિવાય પણ સામાન્ય માણસો પણ સારા એવા પ્રમાણમાં હાજર રહ્યાં હતા. અમૃતા કુંવર વધુમાં કહે છે કે, આવા આયોજનો થાય એ સમાજની નજીક આવવા માટે જરૂરી છે, જો હવે અમારાં સમાજ માટે કોઈપણ કાર્યક્રમનું આયોજન થશે તો હું જરૂર ભાગ લઇશ.’’

લોકોની માનસિકતા બદલવા માટેના પ્રયાસો થવા જોઈએ : જીગુ કુંવર અમ્રિતા કુંવર
માસ્ટર્સ ડિગ્રી સુધીનો અભ્યાસ કરનાર જીગુ કુંવર અમ્રિતા કુંવર કહે છે કે, ‘’સમાજમાં એવી જ માનસિકતા છે કે, અમે માંગીને ખાઈએ છીએ અને એ સિવાય કઈ કરી શકતાં નથી. જો કે દાપું લેવું એ અમારી પરંપરાનો એક હિસ્સો છે એ તો ચાલું જ રહેશે પરંતુ આ જે ફેશન શો યોજાયો એનાથી લોકોને ખબર પડી કે અમે પણ કઈક કરી શકીએ છીએ અને લોકોની માનસિકતા બદલવા માટેના આવા પ્રયાસો થવા જ જોઈએ. અત્યાર સુધી યોજાતાં ફેશન શો માં સ્ત્રી કે પુરુષોને જ મોડલ તરીકે જોવા ટેવાયેલા સુરતીઓએ પણ અમને ઘણો જ સારો રિસ્પોન્સ આપ્યો હતો જે સારી બાબત છે. આ ફેશન શો માં મેં વ્હાઇટ સાડી સાથે ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યું હતું, મને પોતાને આવાં લુકમાં જોઈને ઘણું જ સારું લાગ્યું.’

પહેલાં તો જોકર જેવુ ફિલ થયું : માહેરા કુંવર અમ્રિતા કુંવર
માહેરા કુંવર અમ્રિતા કુંવર કહે છે કે, ‘જ્યારે અમારાં ગુરુએ ફેશન શો અંગે વાત કરી ત્યારે શરૂઆતમાં વિચારીને બહુ જ ઇઝી લાગતું હતું, કે આ તો હું કરી લઇશ પરંતુ જ્યારે કોરિયોગ્રાફરે તૈયારી શરૂ કરી ત્યારે બહુ જ ટેન્શન થયું કે, હું સ્ટેજ પર કેવી રીતે જઈશ! આ ઉપરાંત મેં ક્યારેય સાડી સિવાયના કપડાં પહેર્યા ન હતા અને ફેશન શો માં મને ફિશ કટ ડ્રેસ અને જેકેટ પહેરાવવામાં આવ્યા ત્યારે મારાં બીજા ફ્રેંડ્સ હસી પડ્યા અને કહ્યું કે, ‘’સાવ જોકર જેવી લાગે છે, ચેન્જ કર આ કપડાં, મને પોતાને પણ વિચિત્ર ફિલ થતું હતું પરંતુ જ્યારે સ્ટેજ પર ગઈ અને લોકોની તાળીઓ અને ચિચિયારીઓ સાંભળી ત્યારે ઘણું સારું લાગ્યું.’’ વધુમાં તેઓ કહે છે કે, ‘’હું અમારાં ગુરુ સાથે મળીને કુંડા અને ચંપલ વિતરણ જેવાં કાર્ય કરું છુ અને આગળ પણ મને સમાજ સેવા જ કરવાની ઈચ્છા છે.’

સમાજમાં સમાન દરજ્જો અપાવવાનો પ્રયાસ : મસુદ વોરાજી
કિન્નર સમાજ માટે ફેશન શો ના આયોજનનો હિસ્સો બનનાર મસુદ વોરાજી કહે છે કે, ‘’અમે ચાર મિત્રોએ ભેગા મળીને આ આયોજન કર્યું હતું. મને હંમેશાથી જ માંગીને ખાનારા પ્રત્યે ગુસ્સો આવતો હતો એટલે કિન્નરો પ્રત્યે પણ મારી માનસિકતા અન્ય લોકો જેવી જ હતી, પણ એકવાર ટોલ પ્લાઝા પર મારો ભેટો એક કિન્નર સાથે થઈ ગયો અને વાતવાતમાં મેં જ્યારે મને એમને સમાજમાં પડી રહેલી મુશ્કેલીઓ વિષે જાણ થઈ ત્યારે મેં વિચાર્યું કે, તેમને સમાજમાં માન મળે અને તેઓ પણ ઇજ્જતભેર રોજીરોટી મેળવી શકે એવા પ્રયાસ કરવા જોઈએ. આ દરમિયાન અમને ફેશન શો યોજવાનો વિચાર આવ્યો અને અમે કિન્નર સમાજ સાથે વાત કરીને એમને મનાવી લીધા. અમારો હેતુ નેક હતો એટલે સુરતી દાનવીરોએ અમને કોસ્ચ્યુમ, જગ્યા વગેરેની મદદ કરી અને ફેશન શો બાદ પણ એજ્યુકેટેડ કિન્નરોને કામ આપવા અને અન્ય કામ શીખવા માંગતા હોય એને મદદ માટે હાથ લંબાવ્યો. અમારો હેતુ એ જ છે કે, તેમને પણ સામાન્ય લોકોની જેમ જ જોવામાં આવે તો તેમની પણ ઘણી તકલીફોનો અંત આવી શકે છે અને આ માટે હવે અમે અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરતાં રહીશું.’’

Most Popular

To Top