એક યુવાને જાત મહેનતે પોતાનું સ્ટાર્ટ અપ શરુ કર્યું ..રાત દિવસ જોયા વિના મહેનત કરી અને ધીમે ધીમે સફળતા મળવા લાગી …થોડા સમયમાં ધર્યા કરતા ઘણી વધુ સફળતા મળી ગઈ.યુવાનનું નામ બધે ગાજવા લાગ્યું…તેને બેસ્ટ સ્ટાર્ટ અપ નો એવોર્ડ પણ મળ્યો.થોડા વર્ષ બધું સારું ચાલ્યું અને પછી જાણે સફળતાનો ફુગ્ગો ફૂટ્યો હોય તેમ અચાનક તેને એક પછી એક નિષ્ફળતાઓ મળવા લાગી.ચારે બાજુથી તે ઘેરાઈ ગયો …કામ ઘટ્યું …પ્રોફિટ સાવ નહીંવત થઈ ગયો…ઇન્વેસ્ટરોનો વિશ્વાસ પણ ડગમગી ગયો.યુવાન સાવ નાસીપાસ થઇ ગયો.
એક રાત્રે હતાશ યુવાન ગેલેરીમાં જાગતો આંટા મારી રહ્યો હતો.તેની મમ્મી તેની પાસે આવી.મમ્મીને જોઇને ..તેમની આંખોમાં ચિંતા જોઇને..યુવાન પડી ભાંગ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.તે બોલ્યો, ‘મમ્મી, હું સાવ હારી ગયો છું, મારી બધી મહેનત પાણીમાં ગઈ હવે આગળ શું થશે ખબર નથી.’મમ્મીએ કહ્યું, ‘દીકરા, જે થયું તે ખરાબ થયું છે હું જાણું છું પણ તું આમ હિંમત ન હાર ભગવાનને શાંત મનથી પ્રાર્થના કર.જો પ્રાર્થના કરવાથી તને ચોક્કસ માર્ગ મળશે.’
મમ્મીની વાત સાંભળી હતાશ યુવાન થોડો ગુસ્સે થઇ ગયો તે બોલ્યો, ‘મમ્મી, એમ પ્રાર્થના કરવાથી માર્ગ નીકળતા હોય અને ખરાબ પરિસ્થિતિ બદલાતી હોય તો કોઈ કામ ન કરે બધા પ્રાર્થના જ કરે.શું હું તારા કહેવાથી પ્રાર્થના કરું તો શું બધું બદલાઈ જશે?? કેવી વાત કરે છે તું..’ યુવાન ગુસ્સામાં હતો પણ મમ્મીએ બિલકુલ ઉશ્કેરાયા વિના શાંત રહી કહ્યું, ‘દીકરા, પ્રાર્થના કરવાથી ખરાબ સમય અને સંજોગો તરત બદલાઈ જતા નથી.પ્રાર્થના ખરાબ પરિસ્થિતિ બદલી શકતી નથી પણ એક નાનકડી પ્રાર્થના તમણે હિંમત આપી શકે છે …એક પ્રાર્થના તમારા વિચારો બદલી શકે છે …એક નાની પ્રાર્થના તમારી પરિસ્થિતિને જોવાની અને સમજવાની દ્રષ્ટિ બદલી શકે છે કારણ કે એક પ્રાર્થના તમને હિંમત આપે છે જેનાતી તમારું તૂટેલું કે ખોવાયેલું મનોબળ મજબુત બને છે…
ફરી એક આત્મવિશ્વાસ પ્રગટે છે કે ગમે તે સંજોગો હોય કોઈક માર્ગ નક્કી મળશે.અને દીકરા યાદ રાખજે જીવનમાં કોઇપણ સફળતા મેળવવા માટે કે નિષ્ફળતામાંથી બહાર આવવા માટે સૌથી વધારે જરૂરી છે પ્રબળ આત્મ વિશ્વાસ…જો તું વિશ્વાસ રાખીશ કે તું આ વિપરીત સંજોગોમાંથી બહાર આવી શકીશ તો તું ચોક્કસ બહાર આવીશ…જરૂર છે સૌથી પહેલા હતાશા ખંખેરી એક પ્રાર્થના કરવાની અને આત્મવિશ્વાસને એકત્રિત કરવાની.’માતાના શબ્દોએ યુવાનને પ્રેરણા આપી …બીજે દિવસે વહેલી સવારે પ્રભુ સમક્ષ દીવો કરી પ્રાર્થના કરી, ખોવાયેલી હિંમત અને આત્મવિશ્વાસ એકઠો કરી તે નિષ્ફળતામાંથી માર્ગ કાઢવા સજ્જ બન્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.