Columns

માતૃભાષા દિવસની ઉજવણીનો મૂળ મૂસદો કેમ ભૂલાઈ જાય છે?

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ ગઈ. આમ તો આ દિવસ વિશ્વ માતૃભાષા દિવસ છે એટલે વિશ્વની તમામ માતૃભાષાઓના સંદર્ભે તેની વાત થવી જોઈએ અને આપણે ગુજરાતમાં છીએ એટલે માતૃભાષા ગુજરાતીની વાત કરીએ પણ આપણા મોટા ભાગના સમારંભોમાં માત્ર ગુજરાતીની વાત થઈ. સાહિત્યના સંદર્ભે જ વાત થઈ અને મોટે ભાગે ખમ્મા, ઘણી ખમ્માના વાહ-વાહી સૂરમાં જ વાત થઈ! એક તો વૈશ્વિક સ્તરે વિશ્વ સંસ્થાઓ દ્વારા કોઈ પણ બાબત માટે ચોક્કસ દિવસ કે ઉજવણી થાય છે ત્યારે સૌ પ્રથમ તો એ બાબત જોખમમાં છે અને તે તરફ દુનિયાનું ધ્યાન જાય તે હેતુ મુખ્ય હોય છે. વધતા જતા વૈશ્વિક વેપાર અને ઝડપી ઔદ્યોગિકીકરણ આધુનિકીકરણે માનવ જીવનને યંત્રવત્ બનાવી દીધું છે.

પ્રગતિની દોડમાં ઘણું બધું ભૂંસાવા લાગ્યું છે. આર્થિક-ભૌતિક લક્ષ્યાંકો માટેની ભૂખને કારણે માનવમૂલ્યો, સામાજિક પરંપરાઓ, કુદરતી સંપત્તિઓને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે આ સતત દોડતી જિંદગીમાં થોડી વાર થોભો! અને આના વિશે પણ વિચારો એ આ દિવસ ઉજવણીનો હેતુ છે. નોકરી-ધંધાની દોડાદોડમાં આપણને જન્મ આપનાર-ઉછેરનાર મા-બાપ ડાબે હાથે મૂકાઈ જાય છે તે તરફ ધ્યાન દોરવા મધર ડે, ફાધર ડે ઉજવાય છે.

ઔદ્યોગિક- આર્થિક વિકાસની દોડમાં પર્યાવરણને નુકસાન થાય છે, માટે પાણી દિવસ, પૃથ્વી દિવસ જેવા વિવિધ દિવસ ઉજવાય છે. ટેલિ કોમ્યુનિકેશનનો વ્યાપ વધતાં ‘ચકલી’ના અસ્તિત્વને પડકાર ઊભો થયો, માટે ‘ચકલી દિવસ છે.’’ ટૂંકમાં કોઈ પણ બાબતને વૈશ્વિક સ્તરે ઉજવવાનો કે તેનો ‘ડે’નક્કી કરવાનો હેતુ તેના તરફ ધ્યાન આપવાનો છે. વૈશ્વિકીકરણ અને આર્થિક લક્ષકેન્દ્રી આ દુનિયામાં બજારભાષા અંગ્રેજીનું મહત્ત્વ વધવા લાગ્યું. રોજગારલક્ષી સ્થળાંતરે નાની-નાની અનેક ભાષાઓને વ્યવહારમાં સીમિત બનાવી દીધી. જો કે આ તો વર્ષોથી ચાલતું હતું.

એક તો અંગ્રજોએ અડધી દુનિયા પર રાજ કર્યું એટલે અંગ્રેજી સત્તાની ભાષા તરીકે અડધી દુનિયા પર લાદવામાં આવી અને હવે વેપાર દ્વારા આર્થિક શાસનમાં પણ તેણે પ્રભુત્વ ઊભું કર્યું એટલે દુનિયામાં હજારો ભાષાઓ સામે રોજિંદા વ્યવહારમાં ટકવું મુશ્કેલ બન્યું. સમસ્યા તો હતી જ. 1835માં ભારતમાં મેકોલેની શિક્ષણ પધ્ધતિ શરૂ થઈ અને 1858 પછી બ્રિટીશ સરકારમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ ત્યારથી ભારતીય ભાષાઓ સામે પ્રશ્ન શરૂ થયા જ! પણ દુનિયાનું ધ્યાન ક્યારે ગયું? માત્ર ભારત જ નહીં, દુનિયાભરમાં લખાતી-બોલાતી ભાષાઓના વૈવિધ્ય સામે ખતરો છે. તે વાત વિશ્વ કક્ષાએ ક્યારે ચર્ચાઈ?

1947માં ભારત-પાકિસ્તાન ભાગલા સાથે સ્વતંત્ર થયા. પાકિસ્તાનના ભૌગોલિક બે ભાગ હતા. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. વર્તમાન બાંગ્લા દેશ તે સમયે પાકિસ્તાન હતું, ત્યાં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 1952માં પોતાની ભાષા બાંગ્લા ભાષામાં શિક્ષણની માંગ કરી અને ઢાકા યુનિવર્સિટીમાં પાકિસ્તાની સરકારની ભાષાનીતિનો વિરોધ થયો! સરકાર હોય એટલે અત્યાચાર હોય જ, પછી ભલે ને મુદ્દો શિક્ષણનો કે ભાષાનો કેમ ન હોય? વિદ્યાર્થીઓના માતૃભાષામાં ભણવાના આગ્રહ અને આંદોલન સામે અત્યાચાર થયો. પોલીસ ગોળીબાર થયો અને પાંચ વિદ્યાર્થીનાં મરણ થયાં. જો કે લાંબા આંદોલનના અંતે સરકાર નમી, પછી તો બાંગ્લા દેશ સ્વતંત્ર અસ્તિત્વમાં આવ્યો! અને ત્યાંની સરકારે વૈશ્વિક સ્તરે માતૃભાષાના અસ્તિત્વ અને મહત્ત્વનો સ્વીકાર થાય તે માટે ‘‘વિશ્વમાતૃભાષા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલ્યો.

વર્ષ 1999માં યુનેસ્કોએ વિશ્વમાતૃભાષા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ સ્વિકાર્યો અને વર્ષ 2000થી તે ઉજવવાનું શરૂ થયું! એટલે આ પ્રવચનલક્ષી ઉજવણીને હજુ 24 વર્ષ થયાં! પણ આ ઉજવણીના મૂળમાં ક્યાંય ‘‘મને જે ભાષામાં સપના આવે….’’કે મા, માસી..ના સંબંધોવાળી વેવલી વેવલી વાતો નથી. વાત નક્કર છે. મૂળભૂત નાગરિક સ્વતંત્રતાની છે કે ‘મને મારી ભાષામાં શિક્ષણ મળવું જોઈએ!’ દુનિયાના કોઈ પણ લોકશાહી દેશમાં ન્યાયનો અધિકાર, શિક્ષણનો અધિકાર, ઉપાસનાનો અધિકાર જેવા મૂળભૂત અધિકારો સ્વીકારાયા છે. આમાંના ઘણા બધા અધિકારનો આધાર નાગરિકની પોતાની ભાષા છે. તેને તેની ભાષામાં ન્યાય મળવો જોઈએ! જો તેને શિક્ષણ મેળવવું છે પોતાની ભાષામાં તો તેને મળવું જોઈએ.

યુનિવર્સિટીના કેમ્પસમાં માતૃભાષામાં શિક્ષણના મૂળભૂત અધિકાર માટે બલિદાન આપનાર વિદ્યાર્થીઓ દુનિયાભરના યુવાનો માટે પ્રેરણારૂપ છે. સ્વતંત્રતાનો અર્થ વ્યાપકપણે આ પણ છે કે જ્ઞાન કોઈ એક ભાષામાં ન હોવું જોઈએ!
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં ઘણા વિદ્વાનો ચર્ચા કરે છે. મત રજૂ કરે છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો તેની માતૃભાષામાં જ આપો. અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે. બજારમાં આધિપત્ય ધરાવતી ભાષા છે માટે ઉચ્ચ શિક્ષણમાં ભલે અંગ્રેજી હોય! પણ મુદ્દો પ્રાથમિક કે ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં હોય કે નહીં તે છે જ નહીં! મુદ્દો જેને પોતાની ભાષામાં શિક્ષણ મેળવવું છે તેને તેની ભાષામાં શિક્ષણનો વિક્લ્પ પણ તેને મળવો જોઈએ કે નહીં! તકની સમાનતાનો વ્યાપ શિક્ષણ સુધી પહોંચાડી શકાય કે નહીં!

ગુજરાતમાં વિશ્વ માતૃભાષા દિવસે જો વિચારવાનું હોય તો આ જ કે રોજિંદા વ્યવહારમાં અંગ્રેજી ભલે હોય, પણ સાથે ગુજરાતી હોવું જોઈએ કે નહીં? નાગરિક પાસે બન્ને વિકલ્પ હોવા જોઈએ કે નહીં! સરકારે ગયા વર્ષે જાહેર જગ્યાઓ પર ગુજરાતી ભાષામાં પાટિયાં રાખવાનો કાયદો કરી વાહ-વાહ તો મેળવી, પણ આજે ખરેખર તપાસો કે સિનેમા ઘરથી માંડીને વિમાન સેવાકેન્દ્ર સુધી ક્યાં ક્યાં ગુજરાતી ભાષા લખેલી જોવા મળે છે? ગુજરાતનાં મહાનગરો બજારમાં દુકાનનાં પાટિયાં અંગ્રેજી લખાણોથી છલોછલ છે. બાળકને માતૃભાષા કાન દ્વારા શીખવા મળે છે. પણ નાગરિક જીવનમાં ભાષા આંખ દ્વારા સ્થાપિત થાય છે! માટે આપણાં રોજીંદા વ્યવહારમાં હવે ગુજરાતી ભાષા ઘસાતી જાય છે.

અધૂરામાં પૂરું વિકસિત ગુજરાતમાં બિન ગુજરાતીઓનું સહઅસ્તિત્વ વધવા લાગ્યું છે. હોટલથી માંડીને સુરક્ષાકર્મી સુધીના બધા જ હવે હિન્દી બોલે છે અને ગુજરાતીઓ તેમની સાથે હિન્દી બોલે છે. હિન્દી સાંભળે છે. એટલે લખવા-વાંચવામાં અંગ્રેજી બોલચાલમાં હિન્દીનું પ્રભુત્વ વધતાં ગુજરાતી તો માત્ર વેવલાં-વેવલાં પ્રવચનો અને સામાજિક ધાર્મિક ઉત્સવના ગીત-ગરબામાં ટકી છે. જો કે ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના મનોરંજનમાં ગુજરાતી ધબકે છે. પણ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જેમ ગુજરાતી યુવક ‘‘મારે મારી માતૃભાષામાં શિક્ષણ જોઈએ’’એવો મૂળભૂત અધિકારનો હુંકાર કરે તેવી અપેક્ષા રાખવી વધુ પડતી છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top