દાઉદ ઇબ્રાહીમ વિશેના સમાચાર પાકિસ્તાન યા અન્ય કોઇ દેશથી વધુ ભારતમાં ચમકતા હોય છે. પાકિસ્તાનમાં રહેતી કોઇ વ્યકિત ભારતમાં સતત ચર્ચાતી હોય તો તે દાઉદ ઇબ્રાહીમ છે. હમણાં તેને ઝેર અપાયાના સમાચાર છપાયા અને બીજે દિવસે કહેવાયું કે ના એવું કશું નથી. પણ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ એવા 24 અપરાધીઓને મારી નંખાયા છે. આ સમાચાર પર વધારે ધ્યાનની જરૂર છે કે પાકિસ્તાન કેમ ભારતના મોસ્ટ વોન્ટેડને મારી રહ્યું છે? આમાં વડા પ્રધાન મોદીની કોઇ નીતિનો પ્રભાવ છે કે પાકિસ્તાન હવે ભારત સામેના આતંકવાદને રોકવા માંગે છે? જો તે તેવું કરે છે તો કેમ કરે છે? વિત્યાં વર્ષોમાં ભારત વિરુધ્ધની પાકિસ્તાનની વિરોધી પ્રવૃત્તિ ઓછી થઇ છે તે તો હકીકત છે. જો આમ બની રહ્યું હોય તો બંને દેશ માટે સારું છે.
બારડોલી – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિદેશ જવાની લાહ્યમાં લાખો ગુમાવતાં લોકોને બચાવો
વડા પ્રધાન મોદી આ દેશમાં ઘણાં પરિવર્તક કાર્યો કરી રહ્યા છે અને તેનો સ્વીકાર તો બધાએ જ કરવો પડે એમ છે. પરંતુ તેની સમાંતરે એ હકીકતનો પણ સ્વીકાર કરવો જોઇએ કે તેઓ યુવાનોને નોકરી આપવામાં કમાણી બાબતે આશ્વાસન આપવામાં નિષ્ફળ રહ્યા છે અને આ કારણે જ દેશભરમાંથી યુવાનો વિદેશ જઇ રહ્યા છે. હમણાં લંડનના વર્ક વિઝા અપાવવાના બહાને 1.58 કરોડ પડાવનારા વિનાયક ઉર્ફે યુસુફની દિલ્હીમાં ધરપકડ થઇ છે.
દેશભરમાં 2925 જેટલા નકલી ટ્રાવેલ એજન્ટો છે જેના કારણે વિદેશ જનારા ફસાય છે. સરકારે સમજવું જોઇએ કે તેઓ દેશમાં નોકરી ધંધા નથી આપી શકતા એટલે લોકો ફસાય છે. પોતાની બચતો ગુમાવે છે. વિદેશમાં ભણવા જવાનું બજાર પણ એટલે ધમધમે છે કે ભારતનું શિક્ષણ નિષ્ફળ જઇ રહ્યું છે. સરકારે આ બાબતે ગંભીર બનવું જોઇએ. તેઓ ઘણું કરે છે, પણ ઘણું નથી કરતી તે પણ હકીકત છે.
સુરત – જયશ્રી ભટ્ટ, નિર્મય ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.