પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા વિધાનસભ્યોની અને મંત્રીઓની લાઈન લાગી હતી. ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ભવ્ય વિજય થતાં મોટા ભાગના નેતાઓ ભાજપ છોડીને સ્વગૃહે પાછા ફર્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચડાણ છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ કિસાનો ભાજપથી નારાજ હોવાથી ભાજપની મોટી મતબેન્ક તૂટી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની રેલીઓમાં ભીડ ઉમટે છે તેમ સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવની રેલીમાં પણ ભીડ ઉમટે છે. મતદાતોનું મન કળી શકાતું નથી. ભાજપમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે ઠંડો વિગ્રહ ચાલી રહ્યો છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીની જવાબદારી નરેન્દ્ર મોદીના અને રાજનાથ સિંહના હાથમાં હતી. હવે આ જવાબદારી મોદી અને યોગી વચ્ચે વહેંચાઈ ગઈ છે. બંને નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે જોર મારી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય વડા પ્રધાનના પ્રતિનિધિ મનાય છે. તેમને તેમની મરજી મુજબ ટિકિટો ફાળવવામાં ન આવતી હોય તેવું જણાય છે. આ કારણે તેમના ટેકેદાર ગણાતા સ્વામી પ્રસાદ મૌર્યે યોગી પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું છે, પણ તેમણે હજુ ભાજપમાંથી રાજીનામું આપ્યું નથી. તેમની સાથે ભાજપના બીજા ચાર વિધાનસભ્યોએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ જશે, તેમ માનવામાં આવે છે. જો તેવું બનશે તો ભાજપમાંથી મોટા પાયે હિજરત શરૂ થઈ જશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે જાહેર કર્યું છે કે તેમનો પક્ષ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરશે. તેમણે વધુમાં જાહેરાત કરી છે કે ભાજપના વધુ ૧૩ વિધાનસભ્યો રાજીનામાં આપવાની તૈયારીમાં છે. શું તેમને ભાજપના પરાજયના ભણકારા વાગી રહ્યા હોવાથી તેઓ ભાજપ છોડવા તૈયાર થયા છે?
કિસાનોની વિટંબણા સમજવાને બદલે કેન્દ્રના પ્રધાનો તેમને દેશદ્રોહી કે ખાલિસ્તાનવાદી ઠરાવીને તેમનો જુસ્સો તોડી પાડવાનો પુરૂષાર્થ કરી રહ્યા છે. આ પુરૂષાર્થના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી અજય મિશ્રા દ્વારા કિસાનોને બેફામ ગાળો ભાંડવામાં આવી હતી. તેનો વિરોધ કરવા લખીમપુર ખેરીમાં ભેગા થયેલા કિસાનો પર મંત્રીપુત્ર આશિષ મિશ્રાએ પોતાની મોટર કાર ચડાવી દીધી હતી અને ચાર કિસાનોને કચડી નાખ્યા હતા. પાંચમા કિસાનને મંત્રીપુત્રે પોતાની બંદૂકથી ઠાર માર્યો હતો. આ હુમલાથી ઉશ્કેરાયેલા કિસાનોએ તેની કારને આગ ચાંપી હતી અને ત્રણને રહેંસી નાખ્યા હતા.
કિસાનો દ્વારા પોલિસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ રવિવારે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રના પ્રધાન અજય મિશ્રા લખીમપુર ખેરીની મુલાકાતે આવવાના હોવાથી કિસાનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંત્રીપુત્ર આશિષ મિશ્રા પોતાના ૨૦-૨૫ સાગરીતો સાથે ત્રણ વાહનોમાં આવ્યો હતો. આશિષ પોતાની થાર મહિન્દ્રા જીપમાં ડાબી તરફ બેઠો હતો. તેણે બનવારીપુર મીટિંગના સ્થળે જઈ રહેલા કિસાનો પર આડેધડ ગોળીબાર કરવાનું ચાલુ કરી દીધું હતું. તેના ડ્રાઇવરે કિસાનોનાં ટોળાં પર કાર ચલાવી દીધી હતી. કિસાનોમાં નાસભાગ મચી જતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં જઈને પડી હતી. મંત્રીપુત્ર કારમાંથી ઊતરીને ભાગી ગયો હતો. આ હુમલામાં ચાર કિસાનો અને તેમનો હેવાલ લેવા આવેલો એક પત્રકાર પણ કચડાઈને મરી ગયા હતા.
મંત્રીપુત્ર દ્વારા બંદૂક વડે કિસાનની હત્યા કરવામાં આવી તેના તમામ પુરાવાઓ ઉપલબ્ધ હોવા છતાં ઉત્તર પ્રદેશની પોલિસ હવે પોતાની તમામ તાકાતથી મંત્રીપુત્રને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. ગોળીબારનો ભોગ બનેલા કિસાનનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું તેના રિપોર્ટમાં પણ ઘાલમેલ કરીને તેને આંતરિક ઇજાથી મરેલો જાહેર કર્યો હતો. કિસાનના પરિવારે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને ફરીથી પોસ્ટ મોર્ટમ કરવાની માગણી કરી છે. દરમિયાન અદાલતના દબાણને કારણે મંત્રીપુત્રની ધરપકડ કરાઈ છે. દરમિયાનમાં પ્રિયંકા ગાંધી સહિત જેટલા વિપક્ષી નેતાઓએ લખીમપુર ખેરી જઈને જાતતપાસ કરવાની કોશિષ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના આરોપીની ધરપકડ કરવામાં સંકોચ અનુભવતી ઉત્તર પ્રદેશની પોલિસ રાજકીય આગેવાનોની ધરપકડ કરીને પોતાની શૂરવીરતા સાબિત કરી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે કિસાન આગેવાનો સાથે સોદાબાજી કરી છે. તેણે કિસાન આગેવાનોને ન્યાયાલીન તપાસનું વચન આપ્યું છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં લખીમપુર ખેરીની ઘટના અને તેની આજુબાજુ ચાલી રહેલી રાજનીતિ પણ મહત્ત્વનો ભાગ ભજવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈ સંયોગોમાં તેમના પ્રધાનમંડળના સાથી અજય મિશ્રા રાજીનામું આપે તેવું ચાહતા નથી. યોગી આદિત્યનાથ તેમને રાજીનામું આપવાની ફરજ પાડીને મોદીનું નાક કાપવા માગે છે. આ કારણે જ ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી તેમાં અજય મિશ્રાનું નામ પણ જોડવામાં આવ્યું છે. અજય મિશ્રા કહે છે કે આ કેસમાં હું ગુનેગાર પુરવાર થઈશ તો જ રાજીનામું આપીશ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધારે તો અજય મિશ્રાને રાજીનામું આપવાનો આદેશ કરી શકે છે, પણ તેમ કરવાથી યોગીનો દાવ સફળ થાય, માટે તેઓ તેમ કરતા નથી. દરમિયાન યુપીમાં ભાજપની છાપ ખરડાઈ રહી છે.
ભાજપે જ્યારે ગુજરાતમાં અને ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાનો બદલ્યા ત્યારે મોવડીમંડળની ઇચ્છા ઉત્તર પ્રદેશમાં પણ મુખ્ય પ્રધાન બદલવાની હતી. યોગીને તે વાતનો અણસાર આવી જતાં તેમણે દિલ્હી સંદેશો કહેવડાવી દીધો હતો કે જો તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર પણ તૂટી જશે. યોગીની ધમકીથી તેમને ગડગડિયું આપવાની યોજના પડી ભાંગી હતી. ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવાની જવાબદારી સંપૂર્ણપણે યોગીના શિરે નાખી દેવી. જો ભાજપ હારી જાય તો ટાઢે પાણીએ ખસ જાય અને ભાજપ જીતી જાય તો મોદીને યશ મળે. યોગીએ તે જવાબદારી પણ સ્વીકારી લીધી હતી. તેને કારણે ટિકિટોની વહેંચણી કરવાની સત્તા પણ તેમના હાથમાં આવી ગઈ હતી. તેમાં સ્વાભાવિક રીતે જ મોદીસમર્થકોનાં પત્તાં કપાઈ જશે. આ કારણે ભાજપમાંથી હિજરત ચાલુ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી ભાજપની નેતાગીરી માટે અગ્નિપરીક્ષા છે. જો ભાજપ તમામ બાધાઓ છતાં આ ચૂંટણી જીતી જાય તો તે યોગીનો વિજય ગણાશે અને યોગી મોદીના વિકલ્પ તરીકે ઊભરી આવશે. જો ભાજપ આ ચૂંટણી હારી જાય તો પણ મોદી માટે મુશ્કેલી છે. ભાજપ જો ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ ન જીતી શકે તો ૨૦૨૪માં દિલ્હી જીતવાનો તેનો દાવો નબળો પડી જશે. ઉત્તર પ્રદેશમાં ભાજપનું વિકાસનું કાર્ડ ચાલ્યું ન હોવાથી યોગી હવે મથુરાનું કાર્ડ રમી રહ્યા છે. તેને કારણે ભાજપથી દૂર થઈ ગયેલા દલિતો તેમ જ જાટો પાછા આવશે તેવી તેને આશા છે. બીજી બાજુ અખિલેશ યાદવ યોગી સરકારની નિષ્ફળતાના આધારે ચૂંટણી જીતવા માગે છે. આ ચૂંટણીમાં નાતજાતનું ગણિત ભાજપની તરફેણમાં નથી. મોદી-શાહ માટે આ મોટો પડકાર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે