હાલના તબક્કે જેટલી પણ સરકારી બેંકો ચાલે છે, એ તમામનું વ્યવસ્થા તંત્ર તદ્દન ખાડે ગયેલું છે. સરકારી બેંકોનાં કર્મચારીઓ તથા અધિકારીઓ ગ્રાહકો સાથે મનસ્વી રીતે વર્તે છે અને ઉધ્ધત વર્તન કરે છે. બીજું, સરકારી બેંકોનું એટલું જડ વલણ છે કે જે તે પ્રાંતની પ્રાદેશિક ભાષામાં સ્લિપ બુક, ચેક બુક તથા અન્ય પ્રકારના ફોર્મ્સ પ્રાદેશિક ભાષામાં છપાવાને બદલે અંગ્રેજી ભાષામાં જ છપાયેલાં હોય છે. આ કારણસર ગામડાની અબુધ અને નિરક્ષર પ્રજાને ઘણી આપદા પડે છે, પરંતુ એમની મદદે કોઈ કર્મચારી આવતો નથી.
સરકારી બેંકોનાં કર્મચારીઓ પોતાની જગ્યાએ મોડાં આવે છે, વાતોના તડાકા મારે છે, પાન ગુટખા ઉપરાંત અન્ય બાબતોમાં ધ્યાન આપે છે, પરંતુ સામે ઊભેલા ગ્રાહક સામે જોવાની તસ્દી પણ લેતાં નથી. જો ખાતેદાર કોઈ કારણસર મોડાં પડે તો સમય પૂરો થઈ ગયો એવું જણાવી ફરજમાંથી બેદરકારી દાખવે છે. ખાતેદારોની લાગણીઓની આવા સરકારી બેંકોનાં કર્મચારીઓને કોઈ કદર હોતી નથી. બીજું સરકારી બેંકોમાં અન્ય પ્રાંતમાંથી આવેલાં કર્મચારીઓ પ્રાદેશિક ભાષા સમજતાં નથી તેથી ઘણી ગેરસમજો ઊભી થાય છે અને ક્યારેક લડાઈ ઝઘડામાં પરિવર્તિત થાય છે. ખાતેદારોને પૂરું માર્ગદર્શન કે સહકાર આપવામાં આવતો નથી.
ખાતેદારોની જાણ બહાર ખાતું અચાનક બંધ કરી દેવું, ખાતેદારોને જાણ કર્યા વગર બારોબાર ટેક્સ કાપી લેવો. એવાં તો કેટલાંય કામો છે જેની જાણ ખાતેદારોને કરવામાં આવતી નથી. અધિકારીઓ પણ હાથ નીચેના કર્મચારીઓને કાંઈ કહીં શકતાં નથી અને આવાં કર્મચારીઓ યુનિયનના સથવારે કામના પ્રમાણમાં ઘણો બધો પગાર લેતાં હોય છે, પરંતુ ખાતેદારો પ્રત્યે દુર્લક્ષ સેવે છે. જ્યારે બીજી તરફ પ્રાઈવેટ તથા સહકારી બેંકોનાં કર્મચારીઓ ખાતેદારો સાથે માનવીય અભિગમ રાખે છે, નમ્રતાથી વાતચીત કરે છે, ખાતેદારોને સંતોષ થાય એવું માર્ગદર્શન પૂરું પાડે છે. ખાતેદાર બેંકમાં પ્રવેશ કરે ત્યારે સ્માઈલ આપી એનું સ્વાગત કરે છે, બેસવા માટે ખુરશી આપે છે, ઠંડુ પાણી પીવડાવવામાં આવે છે.
ખાતેદારને જે માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય તે તાત્કાલિક પૂરી પાડે છે. ખાતેદારો/ગ્રાહકોની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે છે. પ્રાઈવેટ તથા સહકારી બેંકોના કર્મચારીઓ પોતાની જગ્યા ઉપરથી ઊઠીને ખાતેદારોના નાનાં મોટાં કામ કરી આપે છે. ખાતેદારોની લોન બાકી હોય, કેવાયસી અપડેટ કરાવવાનું હોય, ટેકસ અંગેનાં ફોર્મ્સ ભરવાનાં હોય તો તેઓ વ્યક્તિગત રસ લઈને ખાતેદારોનો સંપર્ક કરે છે. આ ઉપરાંત અખબારમાં જાહેરાત આપીને, પત્રિકાઓ વ્હેંચીને ખાતેદારોને જાગૃત કરે છે. સરકારી બેંકોનાં કર્મચારીઓ ખાતેદારોની/ગ્રાહકો પ્રત્યેની સેવામાં ઘણાં ઉણા ઉતરે છે, જ્યારે ખાનગી તથા સહકારી બેંકોનાં કર્મચારીઓ ખાતેદારો સાથે આત્મીયતા કેળવે છે અને મિત્ર ભાવે વર્તે છે તેથી પ્રજાનો ઝોક ધીમે ધીમે પ્રાઈવેટ તથા સહકારી બેંકો તરફ વળવા લાગ્યો છે.
પંચમહાલ- યોગેશભાઈ આર. જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.