Business

શા માટે ફરી શરૂ થઈ ગઈ છે ચંદ્ર પર ચઢાઈ..?

મહાનગર કોલકાતાની એ મોડી રાતે ઘરની બારી પાસે બેસી ઉપર અંધારિયા આકાશમાં ચંદ્ર સામે એકધારો તાકી રહ્યો છે એક કિશોર, …એની કૂતુહલભરી આંખ આકાશ તરફ અને સતર્ક કાન બાજુ પરના ટ્રાન્ઝિસ્ટર પર છે,જેમાંથી ‘વોઈસ ઑફ અમેરિકા’ ના રેડિયો કોમેન્ટેટરનો ઉત્તેજનાપૂર્ણ અવાજ ચોતરફ ગાજી ઊઠે છે : ’ સો મેન હેસ લૅન્ડેડ ઓન ધ મૂન…માનવીએ ચંદ્ર પર ઊતરાણ કર્યું છે !’ ચાંદની ધરતી પર માનવીએ જે સર્વપ્રથમ કદમ માંડયા એ ઐતિહાસિક દ્રશ્ય ટેલિવિઝન પર ૬૫૦ મિલિયનથી વધુ લોકોએ નજરોનજર જોયું…! ( ૧ મિલિયન = ૧૦ લાખ) ટેલિવિઝન પરનું એ વિરલ દ્રશ્ય તો એ વખતે મને જોવાં ન મળ્યું, પણ ચંદ્રની ધરતી પર સૌપ્રથમ ડગ માંડનારા સૌથી પહેલાં માનવના આ શબ્દો હજુ પણ કાનમાં પડઘાયા કરે છે. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગના એ શબ્દ હતા :‘એક માનવી તરીકે નાનું ડગ, પરંતુ માનવજાતના ઈતિહાસ માટે સૌથી મોટું પગલું..!’

આ ઘટનાને આજે ૫૩ વર્ષ થઈ ગયાં. માનવીએ સૌ પ્રથમ ચંદ્ર પર ચઢાઈ કરી-ઊતરાણ કર્યું ( ૨૦ જુલાઈ-૧૯૬૯) એ પછી તો અત્યાર સુધીમાં અમેરિકાના ૧૨ અવકાશયાત્રી  ચંદ્રની ધરતી પર પગ મૂકી -અલગ સપાટી પર ફરી ફરીને સંશોધન કરી – ત્યાંની માટી-પથ્થરના નમુના લઈ પૃથ્વી પર સલામત પરત થયા છે. હકીકતમાં તો ચંદ્ર પર ચઢાઈ તો અમેરિકા અને એ વખતના સોવિયત યુનિયન વચ્ચેની રાજકીય તેમજ અંતરિક્ષમાં સર્વોપરિતા સાબિત કરવાની હુંસાતુંસીમાંથી શરુ થઈ હતી. આ અવકાશી દોડમાં સોવિયત યુનિયન પહેલેથી જ આગળ રહ્યું હતું. ૧૯૫૭માં એણે સર્વપ્રથમ માનવસર્જિત ઉપગ્રહ ‘સ્પુટનિક-૧’ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂક્યું. ત્યાર પછી તો જગતના સર્વપ્રથમ અવકાશયાત્રી યુરી ગાગારીન આપણી ભ્રમણકક્ષામાં પ્રવાસ કરી આવ્યો એ બાદ તો સ્પેસ સ્ટેશન ‘સાલ્યુટ-૧‘ ,વગેરે જેવી અનેક સિદ્ધઓ સોવિયતે મેળવી હતી.

એ પછી તો સોવિયેત યુનિયન ભાંગીને રશિયામાં પલટાઈ ગયું.. ’એપોલો-૧૧’ પછી ચંદ્ર માટેની ૬ અવકાશીયાત્રા પછી અમેરિકાના ‘એપોલો’ના મૂન-મિશન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. જો કે, ૭ ડિસેમ્બર-૧૯૭૨ ના અમેરિકાની ‘એપોલો-૧૭‘ની ચાંદ-મુલાકાત સૌથી છેલ્લી રહી. એ મિશનની વિશેષતા એ હતી કે એમાં પ્રથમ વાર એક વૈજ્ઞાનિક અવકાશયાત્રી તરીકે ચંદ્ર-પ્રવાસ કરીને સંશોધન કર્યા હતા. એ પછી ચંદામામા સાવ ભૂલાઈ ગયા. આમેય ચંદ્ર પર ચઢાઈની રેસમાંથી સોવિયત યુનિયન ખસી ગયું હતું, ઉપરાંત ચંદ્રયાત્રાઓ દિવસે દિવસે વધુ ને વધુ ખર્ચાળ બનતા અમેરિકાએ શુક્ર-ગુરુ- મંગળ -શનિ ઈત્યાદિ ગ્રહો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં ય અત્યારે અમેરિકાનો વિશેષ ટાર્ગેટ માર્સ એટલે કે મંગલ ગ્રહ છે. અમેરિકાની જેમ ચીન તથા યુનાઈટેડ આરબ ઈમિરેટસ ( યુ.એ.ઈ) પણ આ લાલચોળ ગ્રહના અવકાશી સંશોધનમાં ખાસ રસ લઈ રહ્યું છે.

 આ બધા વચ્ચે, અંતરિક્ષ સંશોધનમાં રસ લેતા ભારત સહિત અન્ય દેશોને ફરી એક વાર, ચાંદામામા યાદ આવી ગયા છે. અમેરિકા-ચીન-જાપાન- ફ્રાન્સ- કેનેડા અને ભારત સહિત બીજા દેશોએ પણ ૨૦૨૦-૨૧માં કેટલાંક ગ્ર્હોની નજીક પહોંચવા સેટેલાઈટસ-રોકેટ્સ અને શક્ય બને તો પાડોશી ગ્રહોની ધરતી પર ઉતરી આસપાસના બને તેટલા વિસ્તારમાં હરીફરી યાંત્રિક મશીન દ્વારા પરીક્ષણ કરવાનાં પ્લાન ઘડ્યાં હતાં, પરંતુ કોવિડ મહામારીએ એ બધામાં અડચણ ઊભી કરી. પેસેન્જર્સ વિમાનો બનાવવામાં માહેર અમેરિકન ’બોઈંગ’ કંપનીએ પણ ‘નાસા’ના સહયોગથી અંતરિક્ષયાત્રા માટે પ્રવાસીઓને ’ફરવા’ લઈ જવા તત્પર છે. ૨૦૨૦માં આવા પ્રવાસ માટેનો પ્રયાસ યાંત્રિક ખામીને કારણે છેલ્લી મિનિટે પડતો મૂકવો પડ્યો હતો. આ બધા મિશન્સ ૨૦૨૨માં ફરી કાર્યરત થશે એવાં અત્યારે તો વાવડ છે અને એમાંય મંગળની સાથે ચંદ્ર પર વધુ ધ્યાન અપાશે… આ દરમિયાન, અંતરિક્ષ સંશોધનમાં નવો નવો રસ ધરાવતા કેટલાંક રાષ્ટ્રો ઉપરાંત અમેરિકાને ફરી કેમ ચંદ્રમાં રસ પડ્યો એ પણ બીજા માટે જિજ્ઞાસાનો વિષય છે.

અમેરિકાની વાત કરીએ તો ‘એપોલો‘ સિરીઝના સ-માનવયાત્રા દિન-પ્રતિ-દિન ખર્ચાળ થતી જતી હતી. એમાંય સોવિયત ઊર્ફે રશિયા આ સ્પર્ધામાંથી ખસી જતાં અમેરિકાની સરકારે ‘નાસા‘ને બીજાં ગ્રહો પર વધુ ધ્યાન આપવા કહ્યું હતું. જો કે ’ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર’ ની આગવી સફળતા પછી પૃથ્વી બહાર માનવવસાહત માટે પૃથ્વીવાસી માટે ચંદ્ર શ્રેષ્ઠ સરનામું ગણાય, કારણ કે એ પૃથ્વીનો એક માત્ર કુદરતી ઉપગ્રહ છે અને એ આપણાથી આશરે ૩ લાખ ૮૫ હજાર કિલોમીટરના અંતરે છે. જો કે એ માટે ચંદ્રનો ક્યો વિસ્તાર વધુ અનુકુળ રહેશે એની તલસ્પર્શી તપાસ જરુરી હતી. સદભાગ્યે, ચંદ્ર પર માનવવિજય બાદનાં વર્ષો દરમિયાન રોકેટ-ઉપગ્રહ- સ્પેસ શટલ ઉપરાંત રોવર જેવાં યાંત્રિક સાધનોનાં વિજ્ઞાનમાં એવી ખાસી પ્રગતિ થઈ છે કે દૂરના ગ્રહોમાં માનવરહિત સાધનો દ્વારા જોઈતું સંશોધન શક્ય બન્યું છે અને એ પણ ઓછું ખર્ચાળ.…એમાંય ચીને આ ક્ષેત્રમાં જે સિદ્ધિઓ મેળવી છે એનાંથી ‘નાસા‘ના અંતરિક્ષ-નિષ્ણાતો વિશેષ પ્રભાવિત થયા છે.

કારણ એ કે ચંદ્ર પર ત્રણેક વર્ષ પહેલાં ઉતરેલા ચીનના માનવરહિત સ્પેસક્રાફ્ટ ‘ચાંગઈ – 4’ને ચંદ્ર પર મળી રહેલી સફળતા.. આ સંપૂર્ણપણે રોબોટિક-યાંત્રિક ચીની યાને ચંદ્રના સાવ દૂરના આપણા દક્ષિણ ધ્રુવ જેવા વિસ્તારમાં લેન્ડિંગ કરીને મેળવેલી માહિતી વિજ્ઞાની જગતને અવાક કરી મૂકે તેવી છે. એટલું જ નહીં, ચંદ્રની રાતે માઈનસ ૧૮૦ ડિગ્રીના ટેમ્પરેચર-તાપમાનમાં પણ એણે અવિરત કામગીરી બજાવી છે. ‘ચાંગઈ- 4 ’ ની આવી સફળતા ધ્યાનમાં રાખીને અમેરિકાએ ચંદ્ર માટે કેટલાક પ્રોજેકટ્સ તૈયાર કર્યા છે, જેમાંથી એક સૌથી મહત્ત્વાકાંક્ષી છે : ‘લ્યુનર ગેટવે પ્રોજેકટ’. આશરે ૯૩ અબજ ડોલરના ખર્ચે પૂર્ણ કરવાની ધારણા સાથે આ મિશનનું અંતિમ ધ્યેય છે ચંદ્રની ભ્રમણકક્ષામાં એક મીની સ્પેસ સ્ટેશન ફરતું કરવું, જેમાં રહેલા અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર ઊતારેલા રોબો-યંત્રમાનવોને માર્ગદર્શન આપીને ભાવિ માનવવસાહત માટેનાં સંશોધન કરશે….અલબત્ત, આવાં બધાં મિશનને પૂર્ણ થતાં હજુ ખાસ્સો સમય લાગશે. આમ છતાં, જો બધું બરાબર પાર ઉતરે તો આ દિશામાં, ‘ નાસા’ ૨૦૨૨ના એપ્રિલથી ’આર્ટેમિસ-વન ’ના નામે મિશનનો શુભારંભ કરી દેશે. ..

ચીન -અમેરિકાની સાથે દક્ષિણ કોરિયા પણ સૌપ્રથમ વાર ચંદ્ર પર મીટ માંડીને બેઠું છે. એ પણ ’પાથફાઈન્ડર લ્યુનર’ના નામે એક ચપટો ઉપગ્રહ આ ઓગસ્ટ મહિનામાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતો મૂકશે, જ્યાં એ એક વર્ષ સુધી રહીને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરી એમાંથી રાસાયણિક તત્ત્વો- ધાતુ શોધી એનું પૃથ્થ્કરણ કરવાનો છે. દક્ષિણ કોરિયાની જેમ જાપાનની સત્તાવાર સ્પેસ એજન્સી ’જાક્ષા’ ઉપરાંત ત્યાંની એક ખાનગી સ્ટાર્ટઅપ એજન્સી પણ આ વર્ષે મૂન મિશનમાં જોડાવાનું છે. બધું ઠીકઠાક ગોઠવાઈ જશે તો ટોકિયોની ‘આઈસ્પેસ’ નામની સ્ટાર્ટઅપ કંપની ચંદ્ર પર ઉતરી જોઈતું સંશોધન કરી શકે તેવું મીની યાન તથા રોવર માટે પૂરેપૂરી તૈયારીમાં લાગી ગયા છે.

આ વર્ષે રશિયા પણ દાયકાઓ પછી મુન રેસમાં જોડાઈ રહ્યું છે. એનું ‘લુના-૨૫’ પણ આ મિશન માટે સુસજ્જ થઈ રહ્યું છે.

‘ચંદ્ર પર ચઢાઈ’ના આ દૌરમાં આપણું ’ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-’ઈસરો’ પણ છે. આપણા પાડોશીનો નજીકથી અભ્યાસ કરવા ‘ચંદ્રયાન -૧‘ ના આજથી ૧૪ વર્ષ પહેલાં ઓકટોબર્- ૨૦૦૮ લૉન્ચ કરી ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું, એણે ૨૦૦૯ ઓગસ્ટ સુધી બરાબર કાર્યરત રહીને ભારતના અંતરિક્ષ સંશોધનમાં મહત્ત્વની માહિતી પૂરી પાડી હતી. એની સફળતાથી પ્રેરાઈને ‘ઈસરો’ દ્વારા ‘ચંદ્રયાન -૨‘ ને પણ ઓગસ્ટ -૨૦૧૯ના ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યુ.આ સંપૂર્ણ સ્વદેશી યાન પાસે આપણી બહુ ઊંચી અપેક્ષાઓ હતી. એ મુજબ, એ શરુઆતથી સારી કામગીરી પણ બજાવી રહ્યું હતું. એની મુખ્ય કામગીરીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવની માહિતી ઉપરાંત અમુક પ્રકારના વાયુ-ગેસની માહિતી પણ મેળવવાની હતી. આખા દેશની નજર આ યાન પર હતી, પણ કમનસીબે છેલ્લી મિનિટે ન ધારેલી કોઈ ત્રૂટિ સર્જાતાં ચંદ્ર પર ઊતરનારા યાન‘વિક્રમ’ તથા રોવરનું બરાબર ઊતરાણ ન થતાં એ ચંદ્રની સપાટીથી માત્ર ૭૫૨ મીટર દૂર હતું ત્યાં તૂટી પડ્યું ….! ખેર, મામાનું ઘર કેટલે એવાં ચાંદામામાના સાવ ઢુકળા લાગતાં ઘર સુધી આપણે એ વખતે તો ન પહોંચી શકયા,પણ આવતા વર્ષે ૨૦૨૩ના ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં આપણે ‘ચંદ્રયાન-૩’ સાથે ફરી ચંદ્ર પર ચઢાઈ કરીશું….  નવી ગિલ્લી… નવો દાવ !

Most Popular

To Top