ખાલિસ્તાની આતંકી જૂથના કહેવાતા નેતા ગુરુવતસિંહ પન્નુની અમેરિકામાં હત્યા કરવાનું કાવતરું પકડાયું તે કાવતરું ભારત સરકારના રો ના એજન્ટોનું હોઈ શકે તેવું અમેરિકાનું માનવું છે અને તે માટે તેઓએ ભારત પાસે તેની તપાસની તેમજ તેનો ખુલાસો પણ માંગ્યો છે. ભારત સરકારે ખુલાસો શા માટે કરવો જોઈએ? પન્નુ એ ભારતનો ગુનેગાર છે નહીં કે અમેરિકાનો. અમેરિકા આવાં ગુનાહિત કૃત્યો કરનારાઓને આશરો આપે છે તે એક મહાસત્તાને શોભતું નથી.
અમેરિકા પોતે જ આતંકવાદનો શિકાર છે અને તે લાદેનને મારવા માટે પાકિસ્તાનની પરવાનગી વગર પાકિસ્તાનમા ઘુસીને લાદેનને મારી શકે છે, જ્યારે કોઇ ભારતમાં હુમલો કરનારા આતંકવાદીઓને પાકિસ્તાન અમેરિકા કે કેનેડામાં હુમલો કરી મારે છે તો તે દેશો તે માટે ભારતને જવાબદાર ઠેરવે છે. આવી ડબલ નીતિ કેમ? ભારતની હાલની પ્રગતિ જોઈ અમેરિકાને પેટમાં દુખે છે, પરંતુ તે સીધી રીતે ભારતને નારાજ કરવાની હિંમત નથી કરતું અને ભારતની પ્રગતિ અટકાવી શકવાની ક્ષમતા હવે અમેરિકામાં નથી.
પન્નુ જેવા આતંકીનો પક્ષ લઈ અમેરિકા કેનેડા ભારતને જવાબદાર સમજે છે તેનો ભારતે કોઈ પણ જવાબ આપવાની જરૂર જ નથી. ભારત પોતાની રીતે કામ કરવા માટે સ્વતંત્ર અને સક્ષમ છે. ભારત પર હુમલો કરનારા આતંકવાદીઓને આશરો આપનારા દેશમાં જઇને ગુનેગારોને મારવા માટે પૂરેપૂરું હકદાર છે. તેને અમેરિકા જ નહીં, દુનિયાનો કોઈ પણ દેશ અટકાવી શકે નહીં. આવા ખુંખાર ગુનેગારને આશરો આપનાર દેશની સાન ઠેકાણે લાવવા તેઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માણસના મગજના સ્થાને કોમ્પ્યુટર?
જીવવને વ્યવહારુ, સરળ બનાવવા કમ્પ્યુટરની સફર આજે ડિજિટલ ઈન્ફોર્મેશનના યુગ સુધી પહોંચી છે. સૂક્ષ્મ માહિતીની આપ-લે સેકન્ડમાં સૂક્ષ્મતમ ગણતરી અને લાખો ડેટાઓનો સંગ્રહ એ માણસ નામનું પ્રાણી કમ્પ્યુટર નામના રમકડા પાસે કરાવે છે. જેમ જેમ દસકાઓ વિતતા ગયા તેમ તેમ કમ્પ્યુટરનાં વર્ઝન વધુ ને વધુ નાનાં થતાં ગયાં ને વધુ ને વધુ કેપેસિટી વધતી ગઈ. આજનો યુગ કમ્પ્યુટર સંચાલિત થયો. માણસ માણસ પર વિશ્વાસ ના મૂકે પણ કમ્પ્યુટર પર વિશ્વાસ મૂકે છે. કમ્પ્યુટર માત્ર આધુનિક જ નહીં, અતિ આધુનિક અને સુપર પાવર બન્યાં છે. એથી જ તો કેટલાક દેશ અને કેટલાય માણસો સુપર પાવર બન્યા છે. માણસના કેટલાય મગજનું સ્થાન કમ્પ્યુટરે લીધું છે.
બામણિયા- મૂકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.