નવી દિલ્હી: . દેશની બીજી સૌથી મોટી ખાનગી આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકે ચોંકાવનારો નિર્ણય લીધો છે. બેન્કે 17,000 ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. બેન્કે આવો નિર્ણય કેમ લીધો? શું છે સમગ્ર મામલો ચાલો જાણીએ..
આઈસીઆઈસીઆઈ બેન્કે આજે 17,000 ક્રેડિટ કાર્ડ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે ભૂલમાં બેન્ક દ્વારા ઈશ્યુ કરાયેલા ક્રેડિટ કાર્ડ ખોટા લોકોને ડિલિવર થઈ ગયા હતા. રાહતની વાત એ છે કે બેંકે તરત જ આ બાબત ધ્યાને લઈ અને તમામ કાર્ડ બ્લોક કરી દીધા છે. બેંકે એમ પણ કહ્યું છે કે તમામ યુઝર્સને નવું કાર્ડ આપવામાં આવશે.
ICICI બેંકના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈશ્યૂ કરાયેલા 17,000 ક્રેડિટ કાર્ડને બેંકની ડિજિટલ ચેનલમાં ભૂલથી ખોટા યુઝર્સ સાથે મેપ કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું, તાત્કાલિક પગલા તરીકે અમે આ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે અને ગ્રાહકોને નવા કાર્ડ ઈશ્યૂ કરી રહ્યા છીએ. ગ્રાહકોને થયેલી આ અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
બેંકે એમ પણ કહ્યું કે અસરગ્રસ્ત ક્રેડિટ કાર્ડની સંખ્યા બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના આશરે 0.1% છે. પ્રવક્તાએ કહ્યું, આ સેટમાંના કોઈપણ કાર્ડના દુરુપયોગનો કોઈ મામલો અમારા ધ્યાન પર આવ્યો નથી. જો કે, અમે ખાતરી આપીએ છીએ કે બેંક કોઈપણ નાણાંકીય નુકસાનના કિસ્સામાં ગ્રાહકને યોગ્ય વળતર આપશે.
આ અગાઉ વિવિધ અહેવાલો વહેતા થયા હતા જેમાં ICICI બેંકના ગ્રાહકો સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા હતા કે તેઓ ક્રેડિટ કાર્ડની વિગતો જોઈ શકે છે. તેમનું પૂરું નામ અને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (CVV) પણ જોઈ શકે છે.
ટેક્નોફિનો ફોરમ પર, કેટલાક ગ્રાહકોએ એવો દાવો પણ કર્યો હતો કે તેઓ સંપૂર્ણ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને અજાણ્યા લોકોના CVV જોઈ શકશે. તેમણે દાવો કર્યો કે તે આ બધું ICICI બેંક iMobile Pay એપ દ્વારા જોઈ શક્યો હતો. અમે તમને જણાવી દઈએ કે નંબર, નામ, એક્સપાયરી ડેટ અને CVV એ સંવેદનશીલ ડેટા છે અને તેનો એકસાથે ઉપયોગ કરીને છેતરપિંડી પણ શક્ય છે.
એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે OTP વેરિફિકેશનને કારણે ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન્સ બ્લોક થઈ ગયા છે, પરંતુ તે કાર્ડ વડે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.આઈમોબાઈલ (iMobile) એપ પર સુરક્ષા ભંગને કારણે મેં અન્ય કોઈના એમોઝોન પે સીસી (Amazon Pay CC)ની ઍક્સેસ મેળવી. જો કે OTP સ્થાનિક વ્યવહારો પર પ્રતિબંધિત છે, હું iMobile એપ્લિકેશનમાંથી વિગતોનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરી શકું છું.