કોઈ પણ રાજકીય પક્ષ પોતાના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલીને સત્તાનો ભૂખ્યો થઈ જાય છે, ત્યારે તેની હાલત શિવસેના (Shivsena) જેવી થઈ જાય છે. કોંગ્રેસ (Congress) પક્ષે દેશને આઝાદ (Freedom) કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પણ તેના નેતાઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયા તે પછી કોંગ્રેસનું પતન થયું હતું. તેવી રીતે શિવસેનાની સ્થાપના મહારાષ્ટ્રના (Maharashtra) મરાઠી લોકોમાં જ્વલંત હિન્દુત્વ જગાડવા માટે થઈ હતી. શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે ખરા અર્થમાં હિન્દુ હૃદયસમ્રાટ હતા.
હિન્દુત્વનાં મોજાં પર સવાર થઈને તેમણે શિવસેનાને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી હતી. તેનું ભાજપ સાથેનું ગઠબંધન પણ હિન્દુત્વના પાયા પર હતું. ૨૦૧૯ ની ચૂંટણી પછી સત્તાના મોહમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ જેવા મુસ્લિમતરફી પક્ષો સાથે ગઠબંધન કર્યું તેને કારણે જૂના શિવસૈનિકો સખત નારાજ હતા. તેમને પ્રતીતિ થઈ ગઈ હતી કે જો આ ગઠબંધન ચાલુ રહ્યું તો આગામી ચૂંટણીઓમાં શિવસેનાનું ધોવાણ થઈ જવાનું છે. આ કારણે બાળ ઠાકરેને પોતાના ભગવાન માનતા નેતા એકનાથ શિંદેના બળવાથી મહાવિકાસ અઘાડી સરકાર હચમચી ગઈ છે.
શિવસેનાની નેતાગીરી સામે બળવો કરીને ૪૦ વિધાનસભ્યોનો સાથ મેળવી લેનારા એકનાથ શિંદે થાણેના ગ્રાસરૂટ સ્તરના નેતા છે. એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ તેમણે ક્યારેય નેતાગીરી સામેનો પોતાનો અસંતોષ જાહેરમાં વ્યક્ત કર્યો નહોતો. ઓટો રીક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન તરીકેની કારકિર્દી વિકસાવનારા એકનાથ શિંદે થાણેના પ્રખર મરાઠી નેતા આનંદ દિઘેના વિશ્વાસુ હતા. તેમને રાજકારણમાં લાવનારા પણ આનંદ દિઘે જ હતા. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પણ વિશ્વાસુ હોવાથી તેમને કમાઉ દીકરા જેવું શહેરી વિકાસ ખાતું ફાળવવામાં આવ્યું હતું. તેઓ શિવસેનાના ખજાનચીની ભૂમિકા ભજવી રહ્યા હોવાથી ઘણા વિધાનસભ્યો તેમના સંપર્કમાં હતા, જેનો ઉપયોગ કરીને તેમણે બગાવતનું બ્યૂગલ ફૂંક્યું હતું.
એકનાથ શિંદે પ્રામાણિકતાથી માનતા હતા કે શિવસેનાએ શરદ પવારના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષ સાથે ગઠબંધન કર્યું ત્યારથી તેના ભાતીગળ મતદારો તેનાથી નારાજ છે. તેનો પડઘો તાજેતરમાં યોજાયેલી રાજ્ય સભાની અને વિધાનપરિષદની ચૂંટણીઓમાં જોવા મળ્યો હતો. આ બંને ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો હતો અને શિવસેનાની બાજી ઊંધી વળી ગઈ હતી. તેને પગલે મહાવિકાસ અઘાડીની સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી. એકનાથ શિંદેએ અનેક વાર ઉદ્ધવ ઠાકરેને મળીને પોતાની આ ચિંતા ખાનગીમાં વ્યક્ત કરી હતી.
ઉદ્ધવ ઠાકરેને સત્તાનો મોહ વળગ્યો હોવાથી તેઓ શિંદેની વાત સાંભળવા તૈયાર નહોતા. એકનાથ શિંદેને બીજો વાંધો એ વાતનો હતો કે પર્યટન ખાતાંના પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તેમના ખાતામાં વધુ પડતો હસ્તક્ષેપ કરતા હતા. તેમણે અધિકારીઓને કહી રાખ્યું હતું કે મોટા બજેટની ફાઈલો મને પૂછ્યા વિના સાઇન કરવી નહીં. ઘણો વહીવટ બારોબાર કરવામાં આવતો હતો. ઘણા વિધાનસભ્યો શિંદેના ઘરની બહાર ભંડોળની ફાળવણી માટે લાઇન લગાવતા, પણ તે સત્તા તેમને આપવામાં આવતી નહોતી. ભંડોળ તેઓ એકઠું કરતા, પણ ફાળવણી બીજા કોઈને જ સોંપવામાં આવી હતી.
રાજ્ય સભાની અને વિધાનપરિષદની ચૂંટણી માટે ઉમેદવારો ઊભા રાખવાની પ્રક્રિયાથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા હતા. એકનાથ શિંદે માનતા હતા કે આવનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીઓમાં સારો દેખાવ કરવો હશે તો ભાજપ સાથે ગઠબંધન કરવું પડશે. આ કારણે જ તેમણે પહેલી વખત નેતાગીરી સામેના બળવાની આગેવાની લીધી હતી.
એકનાથ શિંદેના રાજકીય ગુરુ અને મેન્ટર આનંદ દિઘે ઠાણેના બેતાજ બાદશાહ હતા. તેઓ બાળ ઠાકરે જેવું આક્રમક વ્યક્તિત્વ ધરાવતા હતા. ઠાણેમાં તેઓ સમાંતર સરકાર ચલાવતા હતા. તેમના ઘરમાં જનતા દરબાર ભરાતો હતો, જેમાં લોકોના પ્રશ્નો ચપટી વગાડતાં હલ કરવામાં આવતા હતા. આનંદ દિઘેની નજર યુવાન એકનાથ શિંદે પર પડી હતી. તેમણે શિંદેને ૧૯૯૭ માં થાણે મહાનગરપાલિકાની ચૂંટણી લડાવી હતી. તેઓ પહેલાં નગરસેવક બન્યા અને પછી ગૃહમાં શિવસેનાના નેતા બન્યા હતા. ૨૦૦૪ માં તેમને ઠાણેના પાંચપખાડી વિસ્તારમાંથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. તેમની નજર જનતાની રગ ઉપર હોય છે. તેઓ સતત ત્રણ સત્રથી વિધાનસભામાં ચૂંટાતા આવ્યા છે. મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકાર હતી ત્યારે પણ ઉદ્ધવ ઠાકરેના આદેશથી તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે બહુ આત્મીય સંબંધો ધરાવે છે. તેમને બરાબર ખબર હતી કે એકનાથ શિંદે શિવસેનાની નેતાગીરીથી નારાજ છે. તેઓ ખાનગીમાં શિંદેને મળતા રહ્યા હતા અને તેમની નારાજગી સપાટી પર લાવતા રહ્યા હતા. એકનાથ શિંદે દેવેન્દ્ર ફડનવિસની સરકારમાં મંત્રી તરીકે કામ કરી ચૂક્યા હોવાથી તેમના અંગત સંબંધો કાયમ માટે સારા રહ્યા હતા. ભાજપે વિરોધ પક્ષમાં રહીને સંજય રાઉત, અનિલ પરબ, અનિલ દેશમુખ વગેરે નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા, પણ તેણે એકનાથ શિંદે સામે ક્યારેય આક્ષેપો કર્યા નહોતા. એકનાથ શિંદે પર ક્યારેય સીબીઆઈ, આઈટી કે ઇડીના દરોડા નથી પડ્યા, જે સૂચવે છે કે તેઓ ભાજપની ગુડ બૂકમાં છે.
તાજેતરમાં એક નાનકડી ઘટના બની હતી, જેના કારણે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવિસ શિવસેનાના નેતા એકનાથ શિંદેની કેટલા નજીક છે, તેનો ખ્યાલ આવતો હતો. દેવેન્દ્ર ફડનવિસ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે જળગાંવ શહેરના પ્રોપર્ટી ટેક્સમાં તીવ્ર વધારો કર્યો હતો. પાછળથી તેમને તેમની ભૂલ સમજાઈ હતી, પણ ત્યારે રાજ્યમાં મહાવિકાસ અઘાડીની સરકાર સત્તા પર આવી ગઈ હતી. દેવેન્દ્ર ફડનવિસે આ વાત શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેને કરી હતી અને પ્રતિનિધિમંડળ લઈને તેમને મળ્યા હતા. એકનાથ શિંદેએ તેમની વાત ધ્યાનથી સાંભળી હતી અને યોગ્ય પગલાં પણ લીધાં હતાં. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સાપ-નોળિયા જેવી દુશ્મનાવટ પ્રવર્તતી હતી ત્યારે પણ ફડનવિસે શિંદે સાથેના મીઠા સંબંધો જાળવી રાખ્યા હતા. મોકો મળતાં જ તેમણે આ સંબંધોનો ઉપયોગ કરીને સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
૫૫ પૈકી ૩૩ વિધાનસભ્યોના બળવાને કારણે લઘુમતીમાં મૂકાઈ ગયેલી ઉદ્ધવ ઠાકરે સરકાર સમક્ષ હવે રાજીનામું આપવા સિવાય એક જ વિકલ્પ બચ્યો છે. આ વિકલ્પ છે, એકનાથ શિંદેની માગણી મુજબ ભાજપ સાથે ગઠબંધન કરવાનો. ઉદ્ધવ ઠાકરેનો સ્વભાવ જોતાં તેઓ કોઈ સંયોગોમાં ભાજપના શરણે જવાનું પસંદ કરશે નહીં. તેના બદલે તેઓ ગવર્નરને વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ આપશે. ગવર્નર જો કે તેમની સલાહ માનવાને બંધાયેલા નથી. હવે ભાજપ પોતાના ૧૦૬ ઉપરાંત શિવસેનાના બળવાખોર ૩૩ અને બીજા અપક્ષ સભ્યોનો ટેકો લઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે. જો તેમ થાય તો એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન પણ બની શકે છે. વિધાનસભાની ચૂંટણીને બે વર્ષ કરતાં વધુ સમય બાકી હોવાથી ભાજપ ચૂંટણી ચાહતો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.