ફળ જયોતિષ ભ્રમ અને ધૂર્ત વિદ્યા હોવાનું વૈજ્ઞાનિક સત્ય સામે આવ્યું તેથી તે આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું. પાકી પ્રતીતિ થઇ કે આ જગત ભ્રમ નથી પણ સત્ય છે. તેથી જ તે ફળ જયોતિષને સત્ય તરીકે પુરવાર કરવાની ચાનક ચડી ને? જો આ જગત ભ્રમ છે અને વિજ્ઞાન પણ ભ્રમ છે તો એ સંજોગોમાં ફળ જયોતિષ પણ એક ભ્રમ જ છે ને? તો પછી એ ભ્રમને સત્ય સાબિત કરવા માટે હવાતિયાં શા માટે મારવાં પડે છે? જયોતિષને સત્ય ઠેરવવા માટે જે ફાંફા મારવાં પડે છે, એ બાબત જ બતાવે છે કે આ જગત ભ્રમ નથી, પણ સત્ય છે અને જગતમાં સૌથી મોટો ભ્રમ જો કોઇ હોય તે બ્રહ્મ સિવાય બીજો કોઇ નથી. કારણ બ્રહ્મની કોઇને કોઇ અનુભૂતિ જ નથી.
બ્રહ્મ કોઇને કંઇ કામનું જ નથી તથા બ્રહ્મનું અસ્તિત્વ કોઇ પુરવાર કરી શકતું જ નથી. ફાવે ત્યારે જયોતિષને સત્ય તરીકે પુરવાર કરવા માટે મથવું અને ફાવે ત્યારે જયોતિષને વિજ્ઞાન કહેવું, તેથી ઉલ્ટું ફાવે ત્યારે જયોતિષને અને વિજ્ઞાનને જ ભ્રમ કહેવું. આ રીતે લોટ ફાકવો અને ભસવું એવી બંને ક્રિયાઓ સાથે કરતાં કરતાં આખી જિંદગી તો ભ્રમમાં જ પૂરી થઇ ગઇ. જગત જો ભ્રમ લાગે છે તો એને છોડીને જયાં સત્ય હોય ત્યાં જતાં કેમ નથી રહેતાં? જગત ભ્રમ છે તો વેદ પણ ભ્રમ જ હશે ને? તો પછી જયોતિષનો પાંચમો વેદ કહેવાની કઇ આવશ્યકતા વારંવાર ઊભી થાય છે? આખી જિંદગી દંભમાં સબડનાર વ્યકિત સચેતતાને મુખર કરી શકે ખરી?
કડોદ – એન.વી.ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.