તાજેતરમાં જ કેનેડામાં હિન્દુ મંદિરો પર ખાલીસ્તાનીઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન, કેનેડા,ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં નિરંતર હિન્દુઓ અને હિન્દુ મંદિરોને પૂર્વ આયોજિત કાવતરા રૂપે ટાર્ગેટ બનાવવાની હિંસક ઘટનાઓ વારંવાર બની રહી છે! ઉપરોકત દેશોમાં બનતી ઘટનાઓ ભારત સરકાર માટે ચેતવણીરૂપી નોટીસ છે. આવી હિંસક ઘટનાઓને પરિણામે ભારતનાં કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીને દુ:ખ અને પીડા પહોંચાડે છે. આ અંગે સરકારે જાગૃત થઇને આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી ઘટનાઓ વિરુધ્ધ અવાજ બુલંદ કરવો જ જોઇએ અને ભવિષ્યમાં આવી હિન્દુ વિરોધી હિંસક ઘટનાઓ ફરી નહીં બને એ માટે સંબંધિત દેશો પર ડિપ્લોમેટીક દબાણ લાવવું જરૂરી છે! વિદેશોમાં બની રહેલી આવી હિન્દુ વિરોધી ઘટનાઓને સરકાર ગંભીરતાથી લઇને આંતરરાષ્ટ્રીય સ્તર પર જરૂરી અસરકારક એકશન લેશે એવી દેશમાં કરોડો હિન્દુઓ સરકાર પાસે અપેક્ષા રાખશે!
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભાડુઆત
દુનિયામાં કરોડો લોકો એવા છે કે જેમની પાસે પોતાનું કહી શકાય તેવું એક ઘર નથી. કહેવાય છે કે,પૃથ્વીનો છેડો એટલે પોતાનું ઘર.પરંતુ,પોતાનું ઘર ન ધરાવતા આવા કરોડો લોકો ભાડુઆત તરીકે ઓળખાય છે.જેમણે બીજાના મકાનમાં રહેવું પડે છે.આજના આ સંઘર્ષ ભર્યા જીવનમાં કોઈકને નોકરી માટે ધંધા-રોજગાર માટે તો કોઈકને વધુ સગવડોને કારણે એક શહેરમાંથી બીજા શહેરમાં અને એક સોસાયટીમાંથી બીજા સોસાયટીમાં ઘર બદલવા પડે છે.દરેક જગ્યાએ પોતાનું ઘર હોવું એ બધા માટે શક્ય હોતું નથી.
ત્યારે આવા મિત્રોને સોસાયટીમાં અમુક સમસ્યા જેવી કે પાર્કિંગ,વધુ મેન્ટેનન્સ આપવું, તેમજ માલિકોને પણ 11 મહિનાના કરાર તેમજ ભાડા વધારવાની અને આ ઉપરાંત મકાન વેચવાની આવી અનેક સમસ્યાઓ વચ્ચે પણ લોકો ભાડે મકાન બદલી બદલીને પણ ખુશીથી પોતાની જિંદગી જીવે છે.આપણે જ્યારે બીજાના મકાનની આટલી ચિંતા કરતા હોઈએ ત્યારે દરેક વ્યક્તિએ એ સમજવા જેવું છે કે ઈશ્વરે આપેલું આ શરીર એ પણ ભાડાનું મકાન છે. તો આપણે આ શરીરની આટલી ચિંતા કેમ નથી કરતા? આ શરીરને નુકસાન થાય તેવા પદાર્થોનું સેવન શરીરમાં કેમ કરીએ છીએ? જો દરેક વ્યક્તિ મકાનની જેમ જ શરીરની ચિંતા કરતી થાય તો વ્યસન મુક્ત સમાજ નિર્મિત કરી શકાય.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.