Columns

આસામી ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુથી તેનાં ચાહકો કેમ આટલાં દુ:ખી થઈ ગયાં છે?

આસામી સંગીત સુપરસ્ટાર ઝુબિન ગર્ગનું ગયા શુક્રવારે સિંગાપોરમાં ૫૨ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પૂર્વ ભારત મહોત્સવ માટે સિંગાપોર ગયેલા ઝુબિનનું સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ઝુબિનની પત્ની ગરિમાએ કહ્યું કે તેણે પોતાનું લાઇફ જેકેટ ઉતારી દીધું હતું અને તેને આંચકી આવી ગઈ હતી. ઝુબિનના મૃત્યુના સમાચાર ફેલાતાં જ રાજ્યભરમાંથી તેનાં ચાહકો ગુવાહાટીના કાહિલીપાડા સ્થિત ઝુબિનના ઘરની સામે ભેગાં થવા લાગ્યાં હતાં. થોડા કલાકોમાં જ ઝુબિનના ઘરની બહાર સેંકડો લોકોનું બેકાબૂ ટોળું એકઠું થઈ ગયું હતું.

ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે અનેક સ્તરે પોલીસ બળ તૈનાત કરવાં પડ્યાં હતાં. સાંજ સુધીમાં ગુવાહાટી સહિત રાજ્યભરનાં બજારોમાં દુકાનો બંધ થઈ ગઈ હતી. છેલ્લા પાંચ દિવસથી આસામનાં લોકો તેમના પ્રિય ગાયક ઝુબિન ગર્ગના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં હતાં. ઝુબિનના પાર્થિવ શરીરને રવિવારથી અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાહકો અને શુભેચ્છકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે રાખવામાં આવ્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ, સર્બાનંદ સોનોવાલ, પવિત્રા માર્ગેરીતા અને અનેક સંગઠનોના નેતાઓ સાથે ઝુબિનને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

આસામના મુખ્ય મંત્રી હિમંતાએ મિડિયા સમક્ષ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ઝુબિન ગર્ગના માનમાં બે વિશાળ સ્મારકો બનાવશે. ઝુબિન હંમેશા કહેતો હતો કે તેનો કોઈ ધર્મ કે જાતિ નથી. છેલ્લા કેટલાક સમયથી, ઝુબિન તેના સંગીત કાર્યક્રમોમાં એક ખાસ આસામી ગીત માયાવિની રાતિર બુકુટ…દેખા પાલુ તોમર છબીનો ઉલ્લેખ કરતો હતો અને કહેતો હતો કે જ્યારે હું મરી જઈશ, ત્યારે આ ગીત આખા આસામમાં વગાડવું જોઈએ.

અંતિમ સંસ્કારમાં હાજર સેંકડો ચાહકો માયાબિની રાતિર બુકુટ ગીત ગાઈ રહ્યાં હતાં. આંખોમાં આંસુ સાથે ઝુબિનનાં ઘણાં ચાહકો બૂમ પાડી રહ્યાં હતાં, ઝુબિન દા, પાછા આવો, અમને ઝુબિન દા જોઈએ છે. ઝુબિનનો મૃતદેહ સિંગાપોરથી નવી દિલ્હી પહોંચ્યો ત્યારે પણ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિતા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સાથે મૃતદેહને પ્રાપ્ત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

૧૯૭૨માં મેઘાલયના તુરામાં જન્મેલા અને આસામમાં ઉછરેલા ઝુબિન ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં તેના પ્રથમ આલ્બમ અનામિકાથી ખ્યાતિ પામ્યો હતો. આગામી ત્રણ દાયકાઓમાં, તે યુવા પેઢીનો અવાજ બન્યો હતો. તેણે માત્ર આસામીમાં જ નહીં, પરંતુ હિન્દી, બંગાળી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ હિટ ગીતો આપ્યાં છે. ઝુબિન ઘણા પ્લેટફોર્મ પર દાવો કરી રહ્યો હતો કે તેણે આસામી સહિત વિવિધ ભાષાઓમાં ૩૦ હજારથી વધુ ગીતો ગાયાં છે. આસામી ભાષામાં ઝુબિનનાં આવાં ઘણાં ગીતો છે જે વિવિધ પેઢીઓનાં લોકોને તેમની સાથે સીધાં જોડાયેલાં હોવાનો અનુભવ કરાવે છે. ઝુબિનને એક કલાકાર તરીકે નજીકથી ઓળખતા વરિષ્ઠ પત્રકાર દિલીપ ચંદન આ ક્રેઝ પાછળનાં અનેક કારણો જણાવે છે.

ઝુબિન ૧૯૯૨માં તેમના પહેલા આલ્બમ ‘અનામિકા’ સાથે આસામી સંગીત જગતમાં પ્રવેશ્યો હતો. તે સમયે તેનાં ગીતો ખૂબ જ લોકપ્રિય હતાં. ૧૯૮૫માં સમાપ્ત થયેલા આસામ ચળવળનાં પરિણામો સાથે ઝઝૂમી રહેલી પેઢીને ઝુબિનનાં ગીતોમાં આનંદ અને આશા મળી હતી. ઝુબિનનાં ગીતોએ નબળાં પડી રહેલા પ્રાદેશિકવાદને એક નવો અવાજ આપ્યો હતો. તેનાં ગીતો પ્રેમ, માયા અને ગુસ્સાથી ભરેલાં હતાં તેમજ સામાજિક વ્યવસ્થા સામે બળવો પણ હતો. ઝુબિનના અવાજમાં લોકોને એકસાથે લાવવાની શક્તિ હતી. ઝુબિન પોતાના પ્લેટફોર્મ પરથી કોઈની પરવા કર્યા વિના આસામી લોકો દ્વારા સામનો કરવામાં આવતી દરેક સમસ્યા વિશે વાત કરતો હતો.

લોકોને એવી વ્યક્તિની જરૂર હતી જે તેમના વિરોધાભાસ, અસલામતી અને ગૌરવને પોતાની સાથે લઈ શકે અને ગીતના રૂપમાં તેમને પાછા આપી શકે. ઝુબિને એવું જ કર્યું. ઝુબિનનાં ગીતોએ તકલીફ અને અનિશ્ચિતતામાં જીવતાં લોકોનાં દુઃખને દૂર કરવાનું કામ કર્યું છે. આ જ કારણ છે કે લોકોમાં તેમનો ક્રેઝ વધતો રહ્યો હતો. ઝુબિન ગર્ગે ૧૯૯૦ના દાયકામાં પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. આસામી ગીતોમાં લોકપ્રિય બન્યા પછી તે બોલીવુડમાં તકો શોધવા માટે મુંબઈ ગયો હતો. તેણે ગેંગસ્ટરના યા અલી રહેમ અલી, નમસ્તે લંડનના દિલરુબા અને ક્રિશ ૩ ના દિલ તુ હી બાતા જેવાં ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. બોલિવુડમાં સફળતા મળવા છતાં ઝુબિન મુખ્ય પ્રવાહનો હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડીને આસામ પાછો ફર્યો હતો.

તેણે અનેક મુલાકાતોમાં મુંબઈ છોડવાના પોતાના નિર્ણય વિશે સમજાવતાં કહ્યું કે તે ખૂબ જ સરળ વ્યક્તિ હતો અને તેને લાગતું કે મુંબઈનાં લોકો વધુ પડતો ઘમંડ ધરાવતાં હતાં. તેથી તેણે પોતાના વતનમાં પોતાનાં લોકો સાથે રહેવાનું પસંદ કર્યું હતું. ઝુબિનનો ક્રેઝ એટલો હતો કે તે એક જ સૂરથી પોતાના કોન્સર્ટમાં આવેલાં લાખો લોકોની ભીડને શાંત કરી શકતો હતો અને બીજા સૂરથી હલચલ મચાવી શકતો હતો. લોકોએ તેને પોતાનો ગણીને સાંભળ્યો હતો. ઝુબિન જેવા આસામી આઇકોન ફરીથી જન્મતાં નથી. જ્યાં સુધી આસામી સંગીત દુનિયામાં અસ્તિત્વમાં છે, ત્યાં સુધી ઝુબિનનો અવાજ ગૂંજતો રહેશે.

ઝુબિન ગર્ગનું સાચું નામ ઝુબિન બોરઠાકુર હતું. તેણે ૪ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ આસામની પ્રખ્યાત ફેશન ડિઝાઇનર ગરિમા સૈકિયા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ તેમની પ્રેમકહાણી એક પ્રેમપત્રથી શરૂ થઈ હતી. ગરિમા તે સમયે મુંબઈમાં અભ્યાસ કરતી હતી. તે ઝુબિનના આલ્બમ અનામિકા અને માયાની ચાહક હતી. તેણીએ એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો અને ઝુબિન તરફથી તેનો જવાબ મળ્યો હતો.

ગરિમાને ઘરની યાદ આવી રહી હતી અને ઝુબિન તેના જીવનમાં પ્રકાશનાં કિરણ તરીકે આવ્યો હતો. ઝુબિન ગર્ગ અને તેની પત્ની ગરિમાને કોઈ જૈવિક બાળકો નહોતાં, તેમ છતાં ઝુબિન હૃદયથી ઉદાર વ્યક્તિ હતો. તે જ્યાં પણ જતો, હંમેશા રસ્તાઓ પર જરૂરિયાતમંદ બાળકોને જોઈને તેમના પ્રત્યે ઉદાર રહેતો હતો. આના કારણે તેણે એક પછી એક ૧૫ બાળકોને દત્તક લીધાં હતાં. આશ્ચર્યજનક રીતે, ગરિમાને ઘણી વાર આ બાળકો વિશે પછીથી ખબર પડી હતી. જો કે, તેનાં બાળકોના ફોટા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

ઝુબિનનું અકાળ મૃત્યુ અને તે જે રીતે થયું તેનાથી લોકોને ખૂબ દુઃખ થયું છે. ઝુબિન પોતાનાં ગીતોથી આસામી સમુદાયનું મુખ્ય પ્રતીક બની ગયો હતો. સામાન્ય લોકોના જીવનના સંઘર્ષો અને ખાસ કરીને યુવા પેઢીની લાગણીઓ તેનાં ગીતોમાં સાંભળવા મળે છે. તેના મૃત્યુમાં જે બેદરકારી પ્રગટ થઈ તેના કારણે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરમાંથી બહાર નીકળી ગયાં હતાં. ઝુબિનના ચાહકો માટે આ એક અન્યાયી મૃત્યુ હતું. આ ઝુબિનનો એક યુગ હતો, જેનો અંત આવી ગયો છે.

શું ઝુબિનના મૃત્યુ પછી લોકોના આ ગાંડપણ પાછળ કોઈ રાજકીય મુદ્દો છે? ઝુબિન હંમેશા રાજકારણથી અંતર રાખતો હતો. ભલે તે ભાજપ અને કોંગ્રેસ માટે ચૂંટણી ગીતો ગાતો હતો, પણ તે એક એવો કલાકાર હતો જે પોતાના મંચ પરથી સત્તામાં રહેલા પક્ષોની ટીકા કરતો હતો. લોકોને તેના વિશે આ જ વાત ગમતી હતી. ઝુબિન ઘણી વાર મંચ પરથી કહેતો હતો કે સામાન્ય લોકોએ રાજકારણથી દૂર રહેવું જોઈએ, કારણ કે રાજકારણમાંથી ક્યારેય કંઈ સારું થતું નથી. સોમવારે ઝુબિન ગર્ગને છેલ્લી વાર જોવા માટે આસામના ગુવાહાટીમાં ચાહકોની વિશાળ ભીડ એકઠી થઈ હતી. આટલી મોટી જનમેદની કદાચ પહેલી વાર કોઈ ગાયક માટે ભેગી થઈ હશે.

આંખોમાં આંસું અને તૂટેલા હૃદય સાથે, દરેક વ્યક્તિ પોતાના પ્રિય ગાયકને છેલ્લી વાર જોવા માટે સરુસાજાઈ સ્ટેડિયમ પહોંચ્યાં હતાં. દરેકની આંખોમાં એક એવી પીડા હતી જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા શર્માએ કામરકુચીમાં ૧૦ વીંઘાં જમીન પર ઝુબિન માટે એક સ્મારક અને સમાધિ બનાવવાની જાહેરાત કરી. તેનાં અસ્થિઓનું વિસર્જન જોરહાટમાં પણ કરવામાં આવશે અને ત્યાં બીજું સ્મારક બનાવવામાં આવશે. આસામે રવિવારથી મંગળવાર સુધી રાજ્યશોક મનાવ્યો હતો. શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને હજારો લોકોએ તેમના ઝુબે દાને વિદાય આપવા માટે ગુવાહાટીના રસ્તાઓ પર લાઇન લગાવી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top