વડોદરા: શહેરમાં ખોરાકી કચરામાંથી ખાતર બનાવવા માટે વિવિધ સ્થળોએ કમ્પોસ્ટ મશીન મંગાવાયા છે પરંતુ આ મશીનોનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થઇ રહ્યો નથી અને તે ધૂળ ખાઈ રહ્યા છે. જો કે લોકોમાં ખોરાકી કચરામાંથી ખાતર બની શકે તેવી જાગૃતતા પણ નથી. હાલમાં ઘરેલુ ખોરાકી કચરામાંથી અથવા તો હોટલના ખોરાકી કચરામાંથી ખાતર બનાવવાનો પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને સ્માર્ટ સિટીમાં આવા પ્રોજેક્ટ દ્વારા પાલિકા કમાણી પણ કરી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સ્માર્ટ સીટી તરફ પ્રયાણના ભાગરૂપે કમ્પોસ્ટ મશીન મંગાવી લેવાયા છે પરંતુ હજુ સુધી તે કામમાં લેવાયા નથી. શહેરના સમા વિસ્તારમાં આ મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે. લખો રૂપિયાના ખર્ચે મંગાવાયેલ આ મશીન ધૂળ ખાતા લોકોના પૈસાનો વેડફાટ થયો હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે જાગૃતિ પણ લાવવાનો પ્રયાસ કર્યો નથી. જેથી લોકોને પણ આ અંગે કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી. તો બીજી તરફ ડોર ટુ ડોર કચરાના સંચાલકો દ્વારા પણ ખોરાકી કચરો અલગ કરવામાં આવતો નથી જેના કારણે આ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે.
આગામી 10 દિવસમાં મશીન કાર્યરત થાય તેવા પ્રયાસ કરીશું
તમામ કમ્પોસ્ટ મહસીન શરુ કરાય તે દિશામાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત લોકોમાં પણ જાગૃતિ આવે તે માટેના પણ પ્રયાસો હાથ ધરાશે. આગામી 10 દિવસમાં તમામ મશીનો કામે લગાડાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. – ડો. હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી સમિતિ