ઓલપાડ: રામ રાખે તેને કોણ ચાખે, તે કહેવતને સાચી ઠેરવતી એક ઘટના ઓલપાડના કાછોલ ગામમાં બની છે. અહીં પાણીના કુંડીમાં એક સાપ શિકારની શોધમાં આવ્યો હતો અને માછલી પર ઝપટ મારી હતી, લાંબો સમય સુધી સાપે માછલીને પોતાના દાંતો વચ્ચે ફસાવી રાખી હતી, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે.
સાપ માછલીને લઈને કુંડીની બહાર નીકળી રહ્યો હતો ત્યારે માછલી તેના મોંઢામાંથી છટકીને ખેતરમાંથી વહેતા પાણીના નાળામાં સડસડાટ જતી રહી હતી. સ્થાનિક ખેડૂતે આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા કાછોલ ગામમાં વસંતભાઈ પટેલનું ખેતર આવેલું છે. જ્યાં તા.22 ને બુધવારના રોજ નહેરની કુંડીમાં એક સાપને માછલી નજરે પડતાં તેણે પલકવારમાં તરાપ મારી માછલીને મોંથી દબોચી દીધી હતી. દરમિયાન બીજો એક સાપ પણ આ શિકારની ઘટનાને જોઈ રહ્યો હતો.
માછલીને મોંમાં પકડીને સાપ પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના ખેડૂત વિજયભાઈએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. શિકારી સાપ પણ ખેડૂતને જોતાં શિકાર છોડવા મજબૂર થઈ ગયો હતો અને માછલી કૂદીને પાણીમાં પડતાં જીવ બચી ગયો હતો.