બીજિંગ: વુહાન (Wuhan)માં કોરોનાવાયરસ (Corona virus)ના ઉદભવ ખાસ કરીને લેબ (Lab)માંથી લીક થયાની થિયરી (Leak theory) ફરી તપાસવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા ‘હુ’ (WHO)ની યોજનાને ચીને આજે સાફ રીતે ફગાવી દીધી હતી. વુહાન લેબના કેટલાંક કર્મચારીઓ વાયરસ શહેરમાં ફેલાયો એ અગાઉ માંદા પડ્યા હતા એવા હેવાલોને ચીને ફગાવી દીધા હતા.
નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)ના નાયબ મંત્રી ઝેંગ યિક્સિને મીડિયાને કહ્યું કે કોવિડ-19ના મૂળને શોધવા બીજા તબક્કાના હુના પ્લાનને ચીન અનુસરશે નહીં. તેમણે કહ્યું કે મૂળ શોધવાના અભ્યાસ માટે બીજા તબક્કાની યોજના સૂચવવા માટે હુ દ્વારા દરખાસ્ત મૂકાઇ છછે એની ભાષા વિજ્ઞાનનો આદર કરતી નથી. અગાઉ હુના વડા ટેડ્રોસ એધાનોમે કોરોનાવાયરસને હૅન્ડલ કરવા બદલ ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રશંસા કરી હતી. હવે તેમણે ચીનને વધારે પારદર્શક બનવા અને કાચો ડેટા આપવા કહ્યું છે.
સરકારી ગ્લોબલ ટાઇમ્સે હેવાલ આપ્યો કે ‘હુ’એ શુક્રવારે બીજા તબક્કાની મુલાકાતની દરખાસ્ત મૂકી હતી અને જેમાં વુહાનની તમામ લૅબોરેટરીઝ અને માર્કેટનો સમાવેશ થાય છે. ઝેંગે કહ્યું કે હુની યોજનામાં એવી માની લીધેલી વાત છે કે ચીને લેબ કાયદાઓનો ભંગ કર્યો છે અને વાયરસ લીક કરી દીધો. દરખાસ્ત વાંચીને મને ઘણો આઘાત લાગ્યો હતો. એના બદલે મૂળ શોધવાનો આગામી તબક્કો વિવિધ પ્રદેશો અને દેશો પર હોવો જોઇએ. તેમણે ચીનનું એ વલણ દોહરાવ્યું હતું કે કોરોનાવાયરસ વિશ્વમાં ઘણાં સ્થળોએ ફાટી નીકળ્યો અને ચીન એને રિપોર્ટ કરનારું પહેલું હતું.
તેમણે કહ્યું કે ચીને હુની ટીમના નિષ્ણાતોને જ્યાં જવું હોય ત્યાં જવાની અને જેને મળવું હોય એમને મળવાની છૂટ આપી હતી. ચીને હૉસ્પિટલમાં દાખલ કરાયેલાની વિગતો આપવાનો પણ એમ કહીને ઇનકાર કર્યો કે એનાથી વ્યક્તિગત પ્રાઇવસીનો ભંગ થાય છે.