ભાજપ એક શિસ્તબદ્ધ અને રાષ્ટ્રીય હિટ માટે કટ્ટર વિચારધારા ધરાવતો પક્ષ છે, પરંતુ છેલ્લા થોડા સમયથી જોવામાં આવ્યું છે કે ભાજપ પોતાના કાર્યકર્તાઓને અનદેખી કરી પક્ષપલટો કરીને આવનારા વિરોધ પક્ષના નેતાઓને આવકારે છે અને તેઓને પક્ષના કાર્યકર્તાઓને અવગણીને ચૂંટણીમાં તાબડતોબ ટિકિટો પણ આપે છે. આમ હવે જોવા જાઓ તો ઘણા કોંગ્રેસી દિગ્ગજ નેતાઓનું ભાજપમાં આગમન થઈ ચૂક્યું છે તેને કારણે હવે ભાજપના મૂળ ચૂંટણી ટીકીટના દાવેદાર કાર્યકર્તાઓમાં કચવાટ વધતો દેખાય છે. શિસ્ત માટે જાણીતો ભાજપ જ્યારે જ્યારે કોંગ્રેસને આડે હાથે લેતો હતો અને તેના નેતાઓના કૌંભાડ વિશે બોલતો હતો તેવા કોંગ્રેસી દાઞી નેતાઓ હવે ભાજપમાં આવકારો મળતા વિના વિલંબે ચૂંટણી લડવા ટિકિટ મેળવી રહ્યા છે. ભાજપની આ નીતિથી હવે પ્રજામાં આઘાતની લાગણી જોવા મળે છે. કોઈ પણ પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કરે તો તેવા પક્ષપલટુઓને બે વર્ષ પછી જ તેઓને લાયકાત જોઈને જ ટિકિટ આપવી જોઈએ. આમાં તો તકસાધુ કોણ તે જ સમજાતું નથી.
સુરત – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દોસ્ત એટલે
જેની સાથે લોહીનો સંબંધ નથી, છતાં વહાલું લાગે તે નામ છે દોસ્ત. જેની સાથે થાય અઢળક વાતો, છતાં થાક ના લાગે તે નામ છે દોસ્ત. જેની સાથે નાનકડી વાતમાં પણ હસી શકાય તે નામ છે દોસ્ત. જેના ખભે માથું ઢાળીને, રડી શકાય તે નામ છે દોસ્ત. જેની સાથે ઠંડી ચા પણ હુંફાળી લાગે તે નામ છે દોસ્ત. જેની સાથે વઘારેલી ખીચડી પણ દાવત લાગે તે નામ છે દોસ્ત. જેને અડધી રાત્રે ઉઠાડી હૈયું ઠાલવી શકાય તે નામ છે દોસ્ત.જેની સાથે વિતાવેલો સમય યાદ કરતાં ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે દોસ્ત.જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય છતાં પણ તે સ્વીકારે તે છે દોસ્ત.વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે દોસ્ત.દૂર હોવા છતાં ના તૂટે તે લાગણીનો તાર છે દોસ્ત. છે બસ અઢી અક્ષરનો શબ્દ પણ બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે દોસ્ત. વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ દોસ્ત કોને કહેવાય તે અંગે ઘણું બધું કહી જાય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.