હાલ પંજાબની ખાલીસ્તાન ચળવળ અંગે દેશભરમાં ચર્ચા અને ચિંતા છે. ‘ગુજરાતમિત્ર’ના તંત્રી લેખમાં અને લે. સમકિત શાહના ‘ટુ ધ પોઇન્ટ’ વિભાગમાં આ મુદ્દે સવિસ્તર માહિતી રજૂ થઇ છે. આ મુદ્દે કેટલીક વાતો પ્રજાએ વિચરવા જેવી છે. પંજાબમાં ફાટીને ધુમાડે ચડેલા ખાલીસ્તાનવાદીઓ સરેઆમ હિંદુઓની કત્લેઆમ કરતા હતા, એમને ઠેકાણે પાડવા પ્રધાનમંત્રી ઇંદિરાજીએ જબ્બર સાહસ કરીને તા. 1 થી 10 જૂન 1984 દરમ્યાન સુવર્ણ મંદિર સંકુલમાં ભરાયેલા 500થી વધુ આંતકીઓ વિરુધ્ધ ઓપરેશન બ્લ્યુસ્ટાર કરીને તમામ આતંકીઓને ઠાર માર્યા હતા. આના કારણે ખાલીસ્તાનવાદીઓની કમર તૂટી ગયેલી.
ત્યાર બાદ શીખ રક્ષકોએ 31/10/84ના રોજ ઇંદિરાજીની હત્યા કરતાં દેશભરમાં શીખો વિરૂદ્ધ રમખાણો થયેલાં, જેના કારણે દિલ્હીમાં 3000 જેટલા શીખોની કત્લેઆમ થયેલી. ત્યારબાદ સત્તામાં આવેલી તમામ કેન્દ્ર સરકારોએ સમયે સમયે જરૂરી પગલાં ભરીને ખાલીસ્તાનની આગને ઠારી દીધેલી અને તે લગભગ ભુલાઇ ગયેલી, પરંતુ ગુજરાતમાં મોદી સત્તામાં આવ્યા પછી ગુજરાતમાં અનેક દંગા થયા. મોદી સામે પસ્તાળ પડી જેથી પોતાની છબિ સુધારવા મોદીએ ત્યાર બાદની તમામ ચૂંટણીઓમાં દિલ્હીનાં શીખવિરોધી રમખાણોને વારંવાર ચગાવ્યા અને ખાલીસ્તાનની ઠરી રહેલી આગને હવા આપી ભડકાવી છે. મોદીએ ચૂંટણીઓ જીતવા દેશની એકતામાં ફાચર મારવાનો જ ધંધો કર્યો છે. અસલી ગુનેગાર કોણ? એ વિચારી લેજો.
સુરત – જીતેન્દ્ર પાનવાલા