Business

ગરીબ કોણ?

એક વૃધ્ધ ભિખારી એક શેઠના આંગણે લાકડી ઠપકારતો ઠપકારતો આવ્યો અને ભીખ માંગી.શેઠાણીએ તેમને દક્ષિણામાં સો રૂપિયા આપ્યા.વૃધ્ધ ભિખારી બોલ્યો, ‘માઈ મને પૈસા નહિ, માત્ર બે રોટી આપો. બે દિવસથી ભૂખ્યો છું. મને બીજું કંઈ જોઈતું નથી.’ શેઠાણીને નવાઈ લાગી કે સો રૂપિયા છોડીને આ ભિખારી બે રોટી માંગે છે. તેમણે નોકરને અંદર જઈને બે રોટી અને શાક લાવવાનું કહ્યું અને ભિખારીને બે ઘડી થોભવા માટે જણાવ્યું ત્યાં જ શેઠ બહારથી આવ્યા.આંગણે ભિખારીને ઊભેલો જોઇને એમણે તરત ખિસ્સામાં હાથ નાખી પૈસા આપ્યા.ભિખારીએ તે પૈસા પણ લેવાની ના પાડી અને રોટી માંગી.શેઠને નવાઈ લાગી.શેઠે દરવાજે ઊભેલાં શેઠાણી સામે જોયું.તેઓ કંઈ બોલે તે પહેલાં શેઠાણીએ કહ્યું, ‘રોટી મંગાવી છે ..આવે છે, મેં પણ પૈસા આપ્યા, પણ આ બાબા ભૂખ્યા છે. તેમને રોટી જ જોઈએ છે, પૈસા લેવાની ના પાડે છે.’

શેઠ બોલ્યા, ‘બાબા, અહીં બેસો. જમીને જજો અને આ રાખો પૈસા.’ વૃદ્ધ ભિખારીએ હાથ ઊંચા કરી આશિષ આપ્યા, પણ પૈસા લીધા નહિ.નોકર રોટલી શાક લઈને આવ્યો અને વળી શેઠના આદેશથી ફળ, છાશ,મીઠાઈ પણ ફરી લઇ આવ્યો.ભિખારીએ પ્રેમથી પોતાની ભૂખ સંતોષી અને શેઠાણી અને શેઠને ઘણા ઘણા આશિષ આપ્યા.શેઠે કહ્યું, ‘બાબા, હવે આ બાકીનાં ફળ,મીઠાઈ અને આ પૈસા પણ લઇ જાવ.’ વૃધ્ધ ભિખારીએ કહ્યું, ‘શેઠ, આપની સાત પેઢી સુખમાં રહે …વેપાર વધતો રહે…દુઃખ આ ઘરમાં ક્યારેય ન પ્રવેશે…

આપ અને શેઠાણી લાંબુ આયુષ્ય ભોગવો અને સારાં કામ કરતાં રહો…હવે મને કંઈ નથી જોઈતું…તમે મારા જેવા બીજા અનેક છે તેમને આપજો. તેઓ પણ મારી જેમ તમને અનેક દુઆ આપશે.’ આટલું કહીને અનેક દુઆ આપતો વૃધ્ધ ભિખારી આગળ વધી ગયો. શેઠ અને શેઠાણી વૃધ્ધ ભિખારીને લાકડીના ટેકે ચાલતો દૂર જતી જોઈ રહ્યા.પછી શેઠ બોલ્યા, ‘શેઠાણી, એક વાત સમજાઈ નહિ.’ શેઠાણીએ પૂછ્યું, ‘શું ના સમજાયું?’ શેઠ બોલ્યા, ‘મારાં રાણી એ ન સમજાયું કે ગરીબ આ વૃધ્ધ ભિખારી છે કે આપણે?’

શેઠાણીએ કહ્યું, ‘આ શું વાત કરો છો? કેમ આમ કહો છો કંઈ સમજાયું નહિ. શેઠ બોલ્યા, ‘આપણે જેટલું આપ્યું તે બધું તેને લઇ ન લીધું અને માત્ર પોતાની ભૂખ સંતોષવા બે રોટી માંગીને લીધી અને બદલામાં આપણને એક નહિ અનેક અગણિત અમૂલ્ય દુઆ આપી અને વળી કહેતો ગયો કે મને જરૂર નથી. હું બીજાને આપું તેના કરતાં તમે જ બીજાને આપજો, જેથી એની પણ દુઆ તમને મળે.એટલે મને સમજાતું નથી કે બે રોટીના બદલામાં કરોડોની દુઆ આપી જનાર ભિખારી ગરીબ હતો કે હું ગરીબ છું.’– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top