Comments

આપણા ખોરાકમાં કેટલું ઝેર જવા દેવું એ કોણ નક્કી કરે?

સ્વાસ્થ્ય અંગેની સભાનતાના વર્તમાન યુગમાં હવે લોકો શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક આહાર પસંદ કરતાં થયાં છે. પણ પોતે લે છે એ ખોરાક એવો છે એની જાણ શી રીતે થાય? આપણા દેશમાં 2008થી ‘ફુડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્‍ડિયા’ (એફ.એસ.એસ.એ.આઈ.) નામની સરકારી સંસ્થા કાર્યરત છે, જેનું કાર્યક્ષેત્ર ખોરાકલક્ષી વિવિધ નીતિનિયમો, પ્રમાણમાપ નક્કી કરવાનું અને એ માટે જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવાનું છે. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.

ખાનપાનની લગભગ તમામ ચીજ અંગેનાં પ્રમાણમાપ તે નક્કી કરે છે. ખોરાકી મસાલા બનાવતી આપણા દેશની બે અગ્રણી કંપનીઓ ‘એવરેસ્ટ મસાલા’ અને ‘એમ.ડી.એચ.મસાલા’નાં કેટલાંક ઉત્પાદનોના નમૂનાની ચકાસણી  ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા કરવામાં આવશે એવા હમણા અહેવાલ છે. એનું ચોક્કસ કારણ છે. આપણા દેશની આ બન્ને અગ્રણી કંપનીઓનાં ચાર ઉત્પાદનોને હોંગકોંગ અને સીંગાપોરના સત્તાવાળાઓએ એપ્રિલ, 2024માં બજારમાંથી પાછાં ખેંચાવી લીધાં.

આ ચાર ઉત્પાદનોમાં ‘એમ.ડી.એચ.’ના ‘મદ્રાસ કરી પાઉડર’, ‘સંભાર મસાલા મિક્સ્ડ મસાલા પાઉડર, તેમજ ‘કરી પાઉડર મિક્સ્ડ મસાલા પાઉડર’ અને ‘એવરેસ્ટ’ના ‘ફીશ કરી મસાલા’નો સમાવેશ થાય છે.  બન્ને બ્રાન્‍ડનાં આ ચારે ઉત્પાદનોમાં ઈથિલીન ઓક્સાઈડનું અતિ ઊંચું પ્રમાણ મળી આવ્યું. આ રસાયણ જૂથ એકમાં વર્ગીકૃત કેન્‍સરકારક છે, જેનો મુખ્ય ઉપયોગ જંતુનાશક દવા બનાવવા માટે થાય છે. ‘જૂથ એક’ એટલે ‘ઈન્‍ટરનેશનલ એજન્‍સી ફોર રિસર્ચ ઑન કેન્‍સર’ (આઈ.એ.આર.સી.) દ્વારા વર્ગીકૃત થયેલાં ચાર જૂથ પૈકીનું એક, જે સૂચવે છે કે આ જૂથના દ્રવ્યથી નિશ્ચિતપણે કેન્‍સર થાય છે. ભારતમાં ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા આ રસાયણના ઉપયોગની પરવાનગી નથી, અને તેના એક અધિકારીના જણાવ્યા અનુસાર નિકાસ તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી. 

ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વભરમાં મસાલાનો સૌથી મોટો ઉત્પાદક, ગ્રાહક અને નિકાસકાર છે. આ ઘટનાથી વિશ્વભરનાં બજારોમાં તેની પ્રતિષ્ઠા જોખમાઈ છે. ભારતમાંથી નિકાસ કરાતા મસાલાનું નિયમન ‘સ્પાઈસીઝ બોર્ડ ઑફ ઈન્‍ડિયા’ દ્વારા કરવામાં આવે છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. નિકાસ માટેના મસાલાની ગુણવત્તા અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે આ બોર્ડ સુયોગ્ય પગલાં ભરતું રહે છે. હોંગકોંગ અને સીંગાપોરની ઘટનાને પગલે આ બોર્ડે જણાવ્યું છે કે આ બન્ને દેશોમાં મોકલાતા માલ માટે તે હવે પછી ઈથિલીન ઑક્સાઈડની ચકાસણીને ફરજિયાત બનાવશે. આ ઘટનાનું મૂળ શોધીને તેને માટે યોગ્ય પગલાં લેવા બાબતે બોર્ડ બન્ને નિકાસકારો સાથે વાત ચલાવી રહ્યું છે. હોંગકોંગ અને સીંગાપોરને પગલે હવે ‘એફ.ડી.એ.’ તરીકે ઓળખાતું અમેરિકાનું ‘ફુડ એન્‍ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ પણ આ બન્ને કંપનીઓનાં ઉત્પાદન અંગે ચકાસણી કરી રહ્યું છે.

‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા દસ દસ વખત મસાલા અને જડીબુટ્ટીઓમાં ‘મેક્સિમમ રેસિડ્યુ લિમિટ’ (મહત્તમ અવશેષ મર્યાદા-એમ.આર.એલ.)નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મસાલા અને જડીબુટ્ટીઓમાં જંતુનાશક દવાઓના કાનૂની રીતે માન્ય પ્રમાણમર્યાદામાં વધારો કરાતો રહ્યો છે. અગાઉ તે એક કિ.ગ્રા. દીઠ 0.01 મિ.ગ્રા. હતી, જે વધીને હવે 0.1 મિ.ગ્રા. કરવામાં આવી છે. આ પગલાનો અનેક કર્મશીલો અને વિજ્ઞાનીઓએ વિરોધ કર્યો છે.

નવી દિલ્લી સ્થિત સેન્‍ટર ફોર સાયન્‍સ એન્‍ડ એન્વાયર્નમેન્‍ટના સસ્ટેનેબલ ફુડ સિસ્ટમ્સના પ્રોગ્રામ ડિરેક્ટર અમિત ખુરાનાએ જણાવ્યું હતું કે ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા આ મર્યાદામાં છૂટ મૂકવામાં આવે એનો અર્થ એ થયો કે છેવટે માનવશરીરમાં તે વધુ પ્રમાણમાં જંતુનાશક દવાઓના પ્રવેશ માટે માન્યતા આપે છે. આવડો મોટો નિર્ણય લેવામાં આવે તો જેના આધારે એ લેવાયો એ વિગતો જાહેર કરાવી જોઈએ. પ્રમાણમર્યાદા બદલાવા અંગેની માહિતી પણ પૂરી પાડવી જોઈએ.

‘એમ.આર.એલ.’નું મૂલ્ય ‘સેન્ટ્રલ ઈન્સેક્ટિસાઈડ્સ બૉર્ડ એન્‍ડ રજિસ્ટ્રેશન કમિટી (સી.આઈ.બી.આર.સી.), કૃષિ અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયેલા ક્ષેત્રિય પ્રયોગો (ફિલ્ડ ટ્રાયલ)ના આંકડાના આધારે નક્કી કરાતું હોવાનું ‘એફ.એસ.એસ.એ.આઈ.’એ જણાવ્યું. જો કે, ‘પેસ્ટિસાઈડ એક્શન નેટવર્ક ઑફ ઈન્ડિયા’એ આના વિરોધમાં એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ‘સી.આઈ.બી.આર.સી.’ દ્વારા કદી જંતુનાશક દવાઓના ક્ષેત્રિય પ્રયોગો હાથ ધરાતા નથી. પ્રાપ્ત વિગતોના આધારે ‘એમ.આર.એલ.’ નિર્ધારિત કરવાની કોઈ ઘોષિત પ્રક્રિયા નથી.

સામાન્ય રીતે દવાઓની ઉત્પાદક કમ્પનીઓ વિગતો પૂરી પાડે છે અને તેના આધારે ‘સી.આઈ.બી.આર.સી.’ જંતુનાશક દવાઓને મંજૂરી આપે છે. ‘સી.આઈ.બી.આર.સી.’ દ્વારા કદી અવશેષની મર્યાદા નક્કી કરાતી નથી. અગાઉ 2022માં ‘એફ.એસ.એસ.એ.આઈ.’એ જણાવેલું કે ભારતની મોટા ભાગની જંતુનાશક દવાઓ બાબતે ક્ષેત્રિય પ્રયોગોની વિગતોનો અભાવ હોય છે. તેઓ આ વિગતો પેદા કરી શકે ત્યાં સુધી ‘કોડેક્સ એલિમેન્ટેરીઅસ’ દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ધોરણો લાગુ પાડવામાં આવે છે. 

આવી અટપટી વાતનો સાર એટલો જ કે આપણા દેશમાં અનેક પ્રકારની જંતુનાશક દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે, જેના પ્રમાણમાપ માટે કોઈ નિર્ધારિત ધોરણ હજી નક્કી થયું નથી અને એ નક્કી કરવામાં આવે તો તેની જાણકારી યોગ્ય રીતે જાહેર કરવામાં આવતી નથી. આ તો નિકાસ કરાયેલી સામગ્રીની ચકાસણી થઈ અને એમાં વાંધાજનક માત્રામાં કેન્‍સરકારક દ્રવ્યો મળી આવ્યાં, પણ દેશમાં જે ખાદ્યસામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે એમાં રહેલાં નુકસાનકારક દ્રવ્યોનું શું? એનાથી નાગરિકોને થતા નુકસાનની જવાબદારી કોની? નાગરિકો તેને અટકાવવામાં કશું પ્રદાન કરી શકે? નિકાસ થતી સામગ્રીમાં મળી આવતાં દ્રવ્યોના કારણે આવતા પ્રતિબંધથી આર્થિક નુકસાન તો થાય છે જ, સાથે દેશની પ્રતિષ્ઠા પણ જોખમાય છે. આત્મનિર્ભર હોવાના નારા લગાવવા અને એનું ઠાલું ગૌરવ લેવું એક વાત છે અને વ્યવહારથી લઈને વ્યાપારમાં શુદ્ધિ જાળવવી બીજી વાત છે. નાગરિક તરીકે બીજું કશું તો આપણા હાથમાં નથી, પણ એટલું વિચારી અવશ્ય શકીએ કે આપણે શામાં છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top