નવી દિલ્હી (NewDelhi): સંસદ (Parliament) પર હુમલાની (Attack) 22મી વરસીના દિવસે આજે ફરી એકવાર સંસદ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ વખતે સંસદની અંદર ઘુસી ઓડિયન્સ ગેલેરીમાંથી બે જણા સાંસદો બેસે ત્યાં પહોંચી ગયા હતા અને કલર સ્મોક (Color Smoke) ફેંકી સંસદની સુરક્ષાની (Sequrity) પોલ ઉઘાડી પાડી દીધી હતી.
બીજી તરફ સંસદની બહાર પણ બે જણાએ ફટાકડા ફોડી, સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવ્યો હતો. જેમાં એક મહિલા પણ હતી. આ હુમલો થયો ત્યાર બાદથી એક પ્રશ્ન ઉભો થયો છે કે સંસદમાં ઘુસી સાંસદોની વચ્ચે રંગીન ગેસ ફેંકવાની હિંમત કરનારા કોણ છે?
ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી કલર સ્મોક ફેંકનાર યુવકનું નામ સાગર શર્મા હોવાનું જાણવા મળ્યું છે. સાગર શર્મા ઉપરાંત લોકસભાની અંદર હંગામો મચાવનાર બીજા વ્યક્તિનું નામ મનોરંજન ડી છે. તે કર્ણાટકના મૈસુરનો રહેવાસી છે. તેની ઉંમર 35 વર્ષ છે. તેણે વિવેકાનંદ યુનિવર્સિટી બેંગ્લોરમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. બંને યુવાનો સાંસદ પ્રતાપ સિંહાના પાસના આધારે સંસદમાં પ્રવેશ્યા હતા.
બીજી તરફ સંસદની બહાર સૂત્રોચ્ચાર કરનારા બેની દિલ્હી પોલીસે (DelhiPolice) અટકાયત કરી છે. જેમાં એક મહિલા અને એક યુવક છે. મહિલાનું નામ નીલમ અને યુવકનું નામ અનમોલ ધનરાજ શિંદે હોવાનું જાણવા મળ્યું છે. 25 વર્ષીય યુવક અનમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. જ્યારે નીલમની ઉંમર 42 વર્ષ છે. તે હરિયાણાના હિસારની રહેવાસી છે.
દિલ્હી પોલીસે કહ્યું કે, સંસદ ભવનની બહાર ટ્રાન્સપોર્ટ ભવનની સામે પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. સંસદની બહાર ભારત માતા કી જય, જય ભીમના નારા લગાવ્યા હતા. બે જણાની અટકાયત કરી તેઓને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. ઈન્ટેલિજન્સ બ્યુરોની ટીમ પણ પૂછપરછ કરી રહી છે.
શું કામ હંગામો મચાવ્યો?
સંસદની બહાર સૂત્રોચ્ચાર કેમ કરાયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, પરંતુ હુમલાનો પ્રયાસ કરનારા ભારત માતા કી જય, જય ભીમના નારા લગાવતા હતા, તેથી એવું માનવામાં આવે છે કે તેઓ પ્રદર્શનકારી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે તેઓની વાત સાંભળવામાં આવી રહી નહી હોવાના લીધે તેઓએ આ પગલું ભર્યું છે
આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા
સંસદની બહાર અને અંદર હંગામો મચાવનારા ચારેય આરોપીઓ એકબીજાને ઓળખે છે. આ આરોપીઓનો એક જ ઉદ્દેશ્ય હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ચારેય એકબીજાને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. પછી તેઓએ સંસદ પર હુમલો કરવાની યોજના બનાવી હતી.