Comments

ઈમરાન ટકે કે જાય, પાકિસ્તાન બદથી બદતર દશામાં જશે

ઈમરાન ખાનની સત્તા બચશે કે જશે? આ મુદ્દે સટ્ટો લગાડવાનો હોય તો લોકો ‘બચશે’ના પક્ષે રહે કે ‘જશે’ના પક્ષે?  પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા બહુ જાણીતી છે અને પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારથી લશ્કર જ નિર્ણયાત્મક રહ્યું છે. ઈમરાનખાન પણ લશ્કરને જ અપીલ કરી રહ્યો છે કે મારી સરકારને બચાવી લો. શું થશે તે તો ખબર નથી પણ પાકિસ્તાનમાં અત્યારે ઈમરાનના વિકલ્પે ક્યા નેતાને વિચારવા? વીત્યા દાયકાઓમાં રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરી શકે એવા નેતાઓનો ઉદય જ શક્ય નથી રહ્યો. પાકિસ્તાન જે અરાજકતાઓમાંથી પસાર થઈ રહ્યું છે તે જો ઈમરાન જશે તો ઓર વધશે. ઈમરાનની સરકારના સૂચના મંત્રી પરિસ્થિતિનું વાસ્તવદર્શી મૂલ્યાંકન કરવાને બદલે એવો આરોપ લગાડી રહ્યા છે કે ઈમરાનની સરકારને ઉથલાવવા માટે આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડાયું છે. આ આરોપમાં તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ નેપાળમાં છાનામાના ભારતીય નેતાઓને મળતા હતા એવો તર્ક રજૂ કર્યો છે. તેમણે તેમાં નરેન્દ્ર મોદીનું નામ ઉલ્લેખ્યું છે. આવા આરોપોનો કોઈ અર્થ નથી. ઈમરાન સરકારની નિષ્ફળતા છૂપાવવા માટે જો કે તેઓ આ સિવાય કરે પણ શું?

પાકિસ્તાનના રાજકીય ઘટનાક્રમની સીધી અસર ભારત પર પડતી હોય છે. ઈમરાનખાન કાંઈ બહુમતીથી તો વડા પ્રધાનપદ પામ્યા ન હતા એટલે ત્યારે પણ લશ્કરની જ મદદ લીધી હતી અને આજે પણ લશ્કરની જ મદદ માંગે છે. લશ્કરના વડા જનરલ બાજવાની લાલસા પણ જનરલ ઝીયા અને મુશર્રફ જેવી હશે તો ઈમરાનની મદદની આશા પર પાણી ફરી વળશે. ઈમરાન અને તેની તહેરી કે ઈન્સાફ પાર્ટી વર્ષોથી પાકિસ્તાનની સત્તા મેળવવા ઉત્સુક હતા અને એ ઈચ્છા લશ્કરે તેમને કાંખમાં લીધા પછી જ પૂરી થયેલી. આ તો સારું કે ઈમરાન સામે કોઈ મજબૂત વિપક્ષ જ નહોતો અને નવાઝ શરીફ પણ બાંયો ચડાવે એવા સંજોગોમાં નહોતા. નવાઝ અને તેના ભાઈ શાહબાજમાંથી એકેય શરીફ નથી અને તેમની પર ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તપાસ ચાલે છે. ખેર! ઈમરાન ખાન ઝાવાં મારી રહ્યા છે કે કેવી રીતે સત્તા ટકાવવી. ગયા રવિવારે તેમણે પ્રચંડ રેલી કાઢી હતી અને પૂરા  જોશથી, આક્રમકતાથી પોતે કરેલાં કાર્યો ગણાવ્યાં હતાં અને તાળીઓ મેળવી હતી. આ તાળીની ગુંજ લશ્કર સાંભળે તેવું ઈમરાન ઈચ્છતા હતા પણ સહુ જાણે છે કે ઈમરાનનો આ એક જાહેર તમાશો હતો. તેમણે તો પોતાની હત્યાની યોજના બની હોવાની ય વાત કરી છે.

પણ અત્યારની હકીકત એ છે કે પાકિસ્તાની સંસદમાં બહુમતીનો આંકડો તેમની તરફેણમાં નથી. પાકિસ્તાનનું સત્તાકારણ હંમેશા ડ્રામાથી ભરપૂર રહ્યું છે ને તે સસ્પેન્સ ડ્રામા હોય છે. ભુટ્ટો જેવાને ઝિયાએ મારી નખાવેલા અને ભુટ્ટોની દીકરી બેનઝીર ભુટ્ટોની પણ એવી જ ભયાનક રીતે હત્યા થયેલી. છતાં કહેવું જોઈએ જનરલ બાજવા પેલા જનરલ ઝીયા કે મુશર્રફ જેટલા આક્રમક નથી. જો ઈમરાન સત્તા ટકાવી શકે તો તેના કારણમાં હકીકત એ જ હશે કે પાકિસ્તાન પાસે સક્ષમ રાજકીય વિકલ્પ નથી. વિપક્ષ ગમે તેટલું જોર કરે તો પણ તે ટુકડાઓમાં જ છે. પાકિસ્તાનમાં ચૂંટણી જાહેર થાય તો ક્યો પક્ષ મજબૂતીથી બહાર આવે? પાકિસ્તાનની આ અવદશા કરુણ છે.

પાકિસ્તાનમાં કોઈ સરકાર તેની મુદત પૂરી નથી કરતી. ઈમરાન આ રસમ બદલવા માંગે છે જે પોતે બહુમતી વિના સત્તા પર બેઠા છે. તેમને સત્તા પર લાવવામાં આઈએસઆઈની પણ મદદ હતી. જે આટલા ને આવા ટેકાથી આવ્યા હોય તેમણે વધારે ખોંખારા ખાવા ન જોઈએ. આ કાંઈ ક્રિકેટનું મેદાન નથી, સત્તાકારણ છે. ઈમરાનખાને પાકિસ્તાનની બગડેલી આર્થિક સ્થિતિને બીજા દેશો પાસે માંગી ભીખીને ટકાવી છે. તેવું ન કરે તો નાગરિક યુદ્ધ ફાટી નીકળે એવી દશા હતી. ઈમરાને વિદેશી દેવું વધારી દીધું છે. 2013 માં જ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે 12 બિલિયન ડોલરના બેલઆઉટ પેકેજની માંગણી કરી હતી.

સતત આતંકવાદી પ્રવૃત્તિના કારણે પાકિસ્તાનમાં ઉદ્યોગ-ધંધાના હાલ બગડેલા છે તે કોઈ સરકાર હમણાં તો સુધારી શકે એમ નથી. અત્યારે તો તેલની કિંમત સતત વધે છે અને તેથી પાકિસ્તાનનું આયાત બિલ મોટું ને મોટું થઈ રહ્યું છે. ઈમરાને પોતાના કાર્યકાળમાં ચીન પાસે ઘણી મદદ માંગી પણ ચીનની શરત મોટી હોય છે ને પાકિસ્તાન ચીનની નાગચૂડમાં ફસાઈ ગયું છે. ઈમરાનની સરકાર જાય તો આ બધા સવાલોના જવાબ મળી જશે? કે પછી આ સંકટ વધુ ઘેરું બનશે?  ચીનની બેન્કોનું દોઢ અબજ ડોલર જેટલું દેવું પાકિસ્તાને કર્યું છે. ઈમરાન ખાન સત્તા પર ન હોય તો પણ આ બાબતના જવાબ તો આપવાના રહેશે જ તે કોણ આપશે? લશ્કરનું તેમાં કામ નથી.

આ બધા સંજોગો વચ્ચે પણ ઈમરાનની સત્તા પર ટકી રહેવાની લાલસા તો એટલી જ ઝનૂની છે. લશ્કર તેના સાવ વિરોધમાં ય નથી. પણ વિપક્ષો ઈમરાનની વિરુદ્ધ છે એટલે આજનો દિવસ ખાસ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પાસે 163 સાંસદોનું સમર્થન છે અને ઈમરાને સત્તા પર ટકી રહેવા 172 સાંસદોનું સમર્થન જોઈશે. શું થશે? અવિશ્વાસ પ્રસ્તાવે ઘણા નાટકીય સંજોગો ઊભા કર્યા છે. 342 સાંસદોવાળી પાકિસ્તાની સંસદ માટે જો કે આ બધું કાંઈ નવું નથી. ઈમરાન પાસે 155 જ સાંસદ હોય તો જરૂરી આંકડો કેવી રીતે પાર કરશે?  ભારત સરકારને પણ ઈંતેજારી છે. પરંતુ સહુ જાણે છે કે પાકિસ્તાન પોતાના હાથે જ ધ્વસ્ત થઈ રહ્યું છે. ઈસ્લામાબાદ પર શાસન કરવા ઈચ્છનારા કોઈ પાસે જાદુઈ જડીબુટ્ટી નથી. પાકિસ્તાન બદથી બદતર દશામાં આગળ વધી રહ્યું છે ને એ દશા ઈમરાનના વડા પ્રધાનપદે ટકી રહેવા યા ના ટકી રહેવાથી વધારે ચિંત્તાજનક છે.
  – બ.ટે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top