ગુજરાતીમાં એક કહેવત છે, ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!’ દુનિયામાં ઇશ્વર બધે નથી પહોંચી શકતો. એટલે જ માના સ્વરૂપનું સર્જન કર્યું છે, જે ‘માઁ’ બાળકને 9 મહિના કૂખમાં ઉછેરે છે, જન્મ આપી મોટા કરે છે. એ સંતાન જ્યારે માત્ર નાનકડા કારણસર ‘મા’ને મોતને ઘાટ ઉતારે છે. એટલું ઓછું હોય તેમ માની લાશને જ્યાં સુધી ગંધાઇ ન જાય ત્યાં સુધી રૂમમાં પૂરી રાખે છે અને મિત્રો સાથે મિજબાની માણે છે. આ સમાચાર વાંચતા જ જાણે પગ નીચેથી જમીન સરકી જતી હોય એવું અનુભવાય છે. શેના કારણે આ ઘટના બની એ આપણે સૌ જાણીએ છીએ. ‘PUBG ગેમ’. આ ટેકનોલોજીએ આપણને કયાં લાવી દીધા છે? જ્યારે ટેકનોલોજી આપણા જીવન વ્યવહારમાં પગરવ માંડી રહી હતી, ત્યારે એની જ્ઞાનના અભાવ આપણને હીનપતપણાની લાગણી તરફ લઇ જતો હતો.
ધીરે ધીરે આપણે તેને શીખ્યા. આપણા જીવન વ્યવસારમાં લાવતા થયા, ત્યારે હવે તેના અતિરેક તરફ વધી રહ્યા છીએ. ચોરે ને ચૌટે રસ્તે અને ઓફિસે, દુકાને અને મોલ તરીકે ગલ્લે દરેક જગ્યા પર બે વ્યકિતઓ, મિત્રો આડોશી – પાડોશી કે સગા – સંબંધીઓ આત્મીયતાથી વાતો નથી કરી રહ્યા, પરંતુ મોબાઇલમાં ગેમ રમી રહ્યા છે. એનું અનુકરણ બાળકો કરી રહ્યા છે. બાળકો ફુરસદના સમયમાં સતત ગેમો રમે છે. એનું એવું વળગણ લાગે છે કે તેઓ મોબાઇલ ફોનમાં ઘૂસેલા રહે છે. તેમની રમતોની જાણ માતાપિતાને થતી નથી. જો તેમને રોકવામાં આવે તો આવા ભયંકર પરિણામો ભોગવવા પડે છે. સંસ્કૃતમાં એક ઉકિત છે, ‘અતિ સર્વત્ર વર્જયેત્’ જ્યારે કોઇ બાબતમાં અતિરેક થાય, ત્યારે આપણે એના માટે ભોગવવું પડે છે. એ અહીં સાબિત થાય છે. જે આપણે જોઇ – અનુભવી રહ્યાં છીએ. હજી પણ આ ટેકનોલોજી આપણને કયાં લઇ જશે એ સમજાતું નથી!
સુરત – ભાવિશા પ્રેમશંકર ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.