મૂળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારથી કેટલાંક લોકો પોરસાતાં થાકતાં નથી. કોઈક સુનક ભારાતીય હોવા માટે ગર્વ અનુભવે છે તો કોઈક તેના હિંદુ હોવા માટે ગર્વ અનુભવે છે. જો ગર્વ જ લેવો હોય તો બ્રિટીશ પ્રજા માટે લેવો જોઈએ, જેણે એક અશ્વેત, એક ગેરખ્રિસ્તી અને મૂળમાં વિદેશથી આવેલા એક ગેરબ્રિટીશ પરિવારમાં જન્મેલા પુત્રને પોતાનો માન્યો. ગર્વ લેવો હોય તો ઋષિ સુનક માટે લેવો જોઈએ જેણે પ્રજાનો સ્વીકાર રળ્યો. સ્વીકાર પામવો અને સ્વીકાર કરવો એ માણસાઈનાં અંતિમ અને ખરા માપદંડ છે. બાકી ધર્મ, ભાષા, જાતિ વગેરેનાં અભિમાન મિથ્યાભિમાન છે.
કેટલાક વળી ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવરની વાતો કરવા માંડ્યા છે. આ ચર્ચા પણ એક દાયકાથી ચાલી રહી છે અને કેટલાંક લોકો કારણ વિના પોરસાય છે. જુઓ જગતની મોખરાની કહી શકાય એવી પંદર કરતાં વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઈઓ ભારતીય છે, અમેરિકામાં દર ત્રીજો તબીબ ભારતીય છે વગેરે. આમાં પણ ગર્વ લેવો હોય તો એ લોકો માટે લેવો જોઈએ જેણે પોતાની કંપનીના સંચાલકની પસંદગી કરતી વખતે નાતજાત, દેશ કે ધર્મ નહોતા જોયા અને માત્ર આવડતની કદર કરી છે.
ગર્વ લેવો હોય તો એ ભારતીયો માટે ગર્વ લેવો જોઈએ જેણે મુસલમાનના ઘરમાં ડોકિયાં કરવામાં કે કોઈ નેતા કે બાપુના ભક્ત બનીને માંડવામાં આળોટવામાં આયખું નથી વિતાવ્યું, પણ પોતાની અંદર રહેલી શક્તિને પારખવામાં અને તેનો રચનાત્મક ઉપયોગ કરવામાં જિંદગીની સાર્થકતા જોઈ છે. તેમણે જગતના ચૌટે પોતાની જગ્યા બનાવી. ગર્વ લેવો હોય તો એ માણસ માટે ગર્વ લેવો જોઈએ જેણે મંદિરો બાંધવાની જગ્યાએ આઈઆઈટી, ઈસરો, આઈઆઈએમ, એઈમ્સ, બીએઆરસી જેવી સંસ્થાઓ સ્થાપવાને પ્રાથમિકતા આપી. ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવર જો ગૌરવ લેવા જેવી ઘટના લાગતી હોય તો એ જશના અધિકારી જવાહરલાલ નેહરુ પણ છે. ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ જવાહરલાલ નેહરુએ સ્થાપેલા આધુનિક યુગનાં આધુનિક મંદિરોની પેદાશ છે.
જો ગર્વ લેવો જ હોય તો વિશ્વમાં ચાલેલા અને ચાલી રહેલા માનવકેન્દ્રી બૌદ્ધિક વિમર્શને પણ આપવો જોઈએ જેણે બીજી બધી ઓળખોને ગૌણ ઠરાવીને કેવળ માનવીને કેન્દ્રમાં રાખ્યો અને તેના સ્વીકાર માટે મનના પરિઘને વિસ્તાર્યો. આ મનના પરિઘને વિસ્તરવાની જહેમત છે એ કોઈ નાનીસૂની ઘટના નથી. સોક્રેટીસ અને ગાંધી જેવાએ પ્રાણ આપવા પડ્યા છે. પરિઘ-વિસ્તારની પ્રક્રિયા સામે પડકારો પેદા થતા જ રહે છે. આજે પણ થઈ રહ્યા છે. માટે જગત આખામાં માનવસમાજની યાત્રા એક દિશાની ધોરીમાર્ગે ચાલનારી નથી હોતી. એમાં અવરોધો આવે છે, દિશાંતરો થાય છે અને પીછેહઠ પણ થાય છે. ટૂંકો સ્વાર્થ ધરાવનારાં લોકો પ્રજાને અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને તેમાં તેઓ ફિલસુફીને જોડે છે. બ્રિટન અને યુરોપના કેટલાક દેશો જ્યારે સંસ્થાનોનું શોષણ કરતા હતા ત્યારે તેમણે તેમાં ‘વ્હાઈટમેન્સ બર્ડન’ નામની ફિલસુફી જોડી હતી. અમે અશ્વેત પ્રજાનું શોષણ કરવા માટે દેશો કબજે નથી કરતા, પણ ત્યાંની પ્રજાનો ઉદ્ધાર કરવા માટે કર્તવ્ય (વ્હાઈટમેન્સ બર્ડન) સમજીને ફરજ બજાવીએ છીએ.
જ્યારે પણ કોઈ પ્રજાના ઈતિહાસ અને વર્તમાન ઉપર નજર કરો ત્યારે સમગ્રતામાં નજર કરતાં શીખવું જોઈએ. આ એ બ્રિટીશ પ્રજા છે જેણે ભારતનું અને બીજા દેશોનું બર્બરતાપૂર્વક શોષણ કર્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટીશ પ્રજા છે જેણે દાદાભાઈ નવરોજીને મત આપીને આમની સભામાં ચૂંટ્યા હતા અને એ પણ ૧૮૯૨ની સાલમાં. આપણી લોકસભાની જેમ આમની સભા માટે નાગરિકો મત આપે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ૧૮૯૫ની સાલમાં ઇશાન લંડનના મજૂર વિસ્તારમાંથી આમની સભા માટે મંચેરજી ભાવનગરીએ ઉમેદવારી કરી હતી અને તેઓ ચૂંટાયા હતા. યાદ રહે, એ વિસ્તારમાં એક પણ ભારતીય મતદાતા નહોતો.
આ એ બ્રિટીશ પ્રજા છે જેના વિરોધ પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે ૧૯૨૦ની સાલમાં ગાંધીજીને નગ્ન ફકીર તરીકે ઓળખાવ્યા હતા અને બ્રિટીશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે ગાંધીજી એક આસને બેસે અને આંખમાં આંખ પરોવીને વાત કરે એને બ્રિટીશ સામ્રાજ્યનું અપમાન ગણાવ્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટીશ પ્રજા પણ છે જેણે એની બેસન્ટ જેવા અનેક લોકો આપ્યા જેણે ભારતની પ્રજાનાં આઝાદીનાં સપનાને અને તેના અધિકારને ટેકો આપ્યો. તેના માટે કામ કર્યું. આ એ બ્રિટીશ પ્રજા છે જેના એક પ્રતિનિધિ લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે પૂર્વના દેશોની બધી જ વિદ્યાશાખાઓનું બધું જ સંગ્રહિત જ્ઞાન જો એક જગ્યાએ એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ ન ભરાય અને આ વળી એ જ બ્રિટીશ પ્રજા છે જેણે બનારસમાં અને કલકત્તામાં સંસ્કૃત કૉલેજો સ્થાપી, એશિયાટિક સોસાઈટી સ્થાપી અને એક લાખ કરતાં વધુ સંસ્કૃત-પ્રાકૃત-પાલી પાંડુલિપિ એકઠી કરી. એની વાચનાઓ તૈયાર કરાવી અને પ્રકાશનની વ્યવસ્થા કરી. આ એ બ્રિટીશ પ્રજા છે જેણે ભારતના અર્થતંત્રને જાણીબૂઝીને ખતમ કરી નાખ્યું અને આ એ જ બ્રિટીશ પ્રજા છે જે પોતાના અર્થતંત્રને બચાવવા માટે એક એવા માણસની પસંદગી કરી છે જે નથી ખ્રિસ્તી, નથી શ્વેત કે નથી મૂળ બ્રિટીશ. ઉલટું ઋષિ સુનક ધાર્મિક હિંદુ છે અને પોતાની ધાર્મિકતા છૂપાવતા પણ નથી.
આનો અર્થ એ થયો કે પ્રજાકીય યાત્રા ક્યારેય એક સરખી અને એક દિશાની હોતી નથી, પણ આપણી પોતાની યાત્રા એક સરખી અને એક દિશાની હોઈ શકે છે. નિર્ણય આપણે લેવાનો છે. ધારો તો ભૂંડણાં બનીને બીજાનાં કુકર્મોના ઉકરડા ખૂંદવામાં કે પછી પોપટ બનીને બીજાએ શીખવાડેલા આત્મપ્રશસ્તિના ગુણગાન ગાવામાં આયખું વિતાવી શકો છો અને ધારો તો પરિઘવિસ્તારનો પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે જે એમ શીખવે છે કે ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પણ પ્રજાની બાબતે નહીં બનવું. મેં કહ્યું ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પ્રજાની બાબતે નહીં. ક્યારેય કોઈ પ્રજા અને ઓળખોના આધારે રચાયેલા પ્રજાસમૂહો નિર્દોષ હોતા નથી. એમાં સારા-નરસાપણું એમ બન્ને હોય છે.
એવું નથી કે હિંદુઓમાં કોઈ નરસાપણું નથી અને મુસલમાનોમાં કોઈ સારાપણું નથી. બન્નેમાં બન્ને છે. નિર્ણય આપણે લેવાનો છે કે ઘટનાને આધારે નિંદા કે સ્તુતિનો નિર્ણય લેવો કે પ્રજા કોણ છે એ જોઇને? જે પહેલો માર્ગ અપનાવે છે એના પરિઘનો વિસ્તાર થાય છે અને તે ઉપર ચડે છે. સત્ય નાંદેલા, કમલા હેરીસ કે ઋષિ સુનક અને આવા બીજા અનેક ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ આ પહેલા માર્ગના પ્રવાસીઓ છે. ઋષિ સુનક માટે ગર્વ લેનારાઓ પાછા કમલા હેરીસ માટે લેતા નથી કારણ કે તે મૂળ ભારતીય હોવા છતાં ખ્રિસ્તી છે. જે બીજો માર્ગ અપનાવે છે એ લોકો ભૂંડાવતાર ધારણ કરીને ઉકરડે પહોંચે છે.
તો ભાઈ, ગદગદ થવું જ હોય તો જ્યાં માણસાઈનો મહિમા થતો જોવા મળે ત્યાં ગદગદ થાવ અને જો રોષ કાઢવો જ હોય તો જ્યાં માણસાઈનો લોપ થતો હોય એવી ઘટના જોઇને રોષ ઠાલવો.
ઋષિ સુનકના વડા પ્રધાનપદની ઘટનામાં ગદગદ થવા જેવું એ છે કે બ્રિટીશ પ્રજાએ ઋષિનું કુળ જોયા વિના તેમનો સ્વીકાર કર્યો અને ઋષિ સુનકે તેમનો સ્વીકાર રળ્યો. માટે પરિઘ વિસ્તારો. એમાં લાભ જ લાભ છે. જો કે, એક નુકસાન છે. મનગમતી અને તેને મમળાવવામાં આનંદ આપતી પૂર્વગ્રહોની ગાંઠો છૂટી જશે. આ પણ જલદી છૂટે નહીં અને છોડવું ગમે નહીં એવું એક વ્યસન છે. કલ્પના કરો કે, તમારે તમારાં સંતાનને આ બેમાંથી કોઈ એક માર્ગ અપનાવવાની સલાહ આપવી હોય તો શી સલાહ આપો? પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ નહીં કરતા, અહીં તમારા અંતરાત્મા સિવાય કોઈ સાંભળનાર નથી, માટે મનોમન કહો કે કયો માર્ગ તમારાં સંતાને અપનાવવો જોઈએ? કયો માર્ગ તેના માટે હિતકારી હોઈ શકે? તમારો ઉત્તર તમારાં સંતાનને ઊંચે ચડાવશે અથવા ઉકરડે પહોંચાડશે. તમે તમારાં સંતાનને ક્યાં જોવા ઈચ્છો છો?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.