હમણાં બહાર આવેલી હકીકત પ્રમાણે સચિને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં રજીસ્ટર થયેલી કંપનીમાં તેના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્રમાણિકપણે દેશનો ટેકસ ભરવાને બદલે પત્ની તથા સસરાના નામે કરોડોનું રોકાણ કરી ટેકસ ચોરી કરી. સામાન્ય રીતે ભારત રત્નનો ખિતાબ વૃધ્ધાવસ્થાએ પહોંચેલ વ્યકિતને જ અપાય છે. કેમકે ઉંમરની આ અવસ્થાએ તેણે જીવનપર્યંત કરેલા સારા – નરસાં કામોનું સાચું સર્વગ્રાહી સર્વેક્ષણ કરી શકાય છે. અપવાદરૂપ સચીનને ફકત ચાળીસ વર્ષની યુવાન વયે આ ખિતાબ? સચિનની ક્રિકેટર તરીકેની લોકપ્રિયતાની આંચ પર રાજકીય રોટલો શેકી લેવામાં માહિર રાજકારણીઅોની એ દ્વારા મતબેંક અંકે કરી લેવાની ચાલ?
ભારતરત્ન મળ્યા પછી પણ સચીનની નાણાંભૂખનો અંત ન આવતા દેશી – િવદેશી કંપની પ્રોડકટ માટે મોડેલિંગ કરી જાહેરખબરોમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. આમાં તેણે સ્વ આર્થિક ઉપાર્જન જ કર્યું, નહિ કે દેશ સેવા? જેમણે કળા, સાહિત્ય કે વિજ્ઞાન – વિકાસમાં ઉદાહરણીય કામ કર્યું હોય અને શ્રેષ્ઠ કક્ષાની સમાજસેવા કરી હોય તેવા આ ખિતાબ માટેના માપદંડનો આ કિસ્સામાં છેદ ઉડી જાય છે એવું નથી લાગતું? યુપીએ સરકારમાં રાજયસભાનું સભ્યપદ શોભાવનાર સચિન તેંડુલકરે પાંચ વર્ષમાં ૨૩(ત્રેવીસ) દિવસ હાજરી આપી ૫૯ (ઓગણસાઠ) લાખ રૂપિયા વસૂલ્યા હતાં. જયારે કોરોના જેવા કાળમાં પણ એક દિવસની રજા પાડે તો તેનો પગાર કાપી લેવાય કે નોટિસ અપાય! કદાચ આ જ છે આપણા દેશની સેલિબ્રિટીઓની લોકપ્રિયતારૂપી તાકાત?!
સુરત- કલ્પના વિનોદ બામણીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.