Entertainment

વરૂણ ધ‘વન’ ક્યારે બનશે?

‘ઊંચાઇ’ ફિલ્મથી પ્રેક્ષકો થિયેટરમાં પાછા ફર્યા છે પણ તેનું ગૌરવ કોઇ અત્યારના કહેવાતા ટોપસ્ટાર લઇ શકે તેમ નથી. એક અર્થમાં તો તે ૬૦ થી ૮૦ વર્ષના અભિનેતાઓને કેન્દ્રમાં રાખતી ફિલ્મ છે. કોઇ સાદો માણસ દેશી રીતે એવી પ્રતિક્રિયા પણ પાઠવી શકે કે રણબીર, રણવીર, અક્ષય, અજય, ટાઇગર, શાહીદ વગેરેએ ઢાંકણીમાં પણ લઇ ડૂબી મરવું જોઇએ. જોકે ‘ઊંચાઇ’ની સફળતાનું કારણ સુરજ બડજાત્યા છે અને દરેક બીજી કે ત્રીજી ફિલ્મ તેમની બનાવેલી નથી હોતી. ખેર! પોતાને ટોપ સ્ટાર ગણાવનારા પર  અત્યારે હુમલો કરવાનો અર્થ નથી. બલ્કે આ નિમિત્તે બધાએ સમજવાની જરૂર છે કે દર વખતે નુસખાઓ ચાલી જતા નથી. આ અઠવાડિયે વરુણ ધવન, ક્રિતી સેનોન અભિનીતમ ‘ભેડિયા’ રજૂ થઇ રહી છે.

‘ઊંચાઇ’ થી થિયેટરમાં જતા થયેલા પ્રેક્ષકને તે જાળવી રાખશે તો સમજો કે વરુણ અને ક્રિતી હાશ કરશે. જોકે આ બધા અભિનેતા – અભિનેત્રીએ સમજી લેવાની જરૂર છે કે ફિલ્મો ચાલે તો તેમની તાકાત પર જ નથી ચાલતી. સારા નિર્માતા – દિગ્દર્શક વડે જ ચાલે છે. ‘ભેડિયા’ એક હોરર કોમેડી ફિલ્મ છે. આ એક વિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. હોરરને હોરર અને કોમેડીને કોમેડી રહેવા દેવી જોઇએ. હોરરમાં કોમેડી હોય તો હોરરની ગંભીરતા, હોરરનો ડર ઓછો થઇ જાય છે. હોરરમાં પ્રેમકથા ચાલી શકે છે, કોમેડી નહીં. અત્યારે પ્રયોગો ચાલી રહ્યા છે અને ઘણીવાર એ પ્રયોગ સફળ પણ જાય છે. જો પ્રેક્ષકોને અભિનેતા – અભિનેત્રી પ્રત્યે શ્રધ્ધા હોય.

શું વરુણ ધવન પર એવી શ્રદ્ધા છે. તે હજુ પણ અપકમિંગ સ્ટાર જ છે. તે વૈવિધ્ય પસંદ કરે છે પણ પ્રેક્ષકો તેને પૂરેપૂરો સ્વીકારી લે તો વૈવિધ્યનો લાભ થાય. હા, એ જરૂર બન્યું છે કે તેના પિતાની ઇમેજ કોમેડી ફિલ્મ બનાવનાર દિગ્દર્શકની હતી પણ વરુણ એ ટ્રેકમાં આગળ નથી વધ્યો. તે બિલકુલ પોતાના અભિગમથી આગળ વધી રહ્યો છે. જોકે એવું તો ઋતિક રોશન, રણબીર કપૂર પણ કરે છે. તેઓ તેમના પિતાને અનુસર્યા નથી. વરુણને ફિલ્મોમાં આવ્યાને ૧૦ વર્ષ થયા છે. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ની ત્વરા તેણે આજે પણ જાળવી રાખી છે.

ડાન્સ, કોમેડી, ગંભીરતાવાળી ભૂમિકાઓ કરી તેણે તેનું આઇડેન્ટીટી કાર્ડ સારું બનાવ્યું છે. આ વર્ષે તેની ‘જૂગ જૂગ જિયો’ ફિલ્મ આવી હતી પણ નિષ્ફળ ગયેલી, શું ભેડિયા એ નિષ્ફળતાને ભુલાવી દેશે? જો એમ કરી શકે તો તેના માટે અને ઇન્ડસ્ટ્રી માટે ય સારું થશે. ‘ભેડિયા’નો દિગ્દર્શક અમર કૌશિક આ પહેલાં ‘સ્ત્રી’ અને ‘બાલા‘ જેવી સફળ ફિલ્મો આપી ચૂકયો છે પણ તેણે દિગ્દર્શિત કરેલી સાત ફિલ્મમાંની આ બે જ ફિલ્મો છે હવે ‘ભેડિયો’ તેની ત્રીજી સફળ ફિલ્મ બને તો વાત જુદી બનશે. ‘ભેડિયા’ પછી વરુણ ધવનની ‘બવાલ’ રજૂ થવાની છે જેનો દિગ્દર્શક નિતીશ તિવારી છે અને વરુણની નાયિકા જાન્હવી કપૂર છે. આ ફિલ્મ જો કે ૭ એપ્રિલ ૨૦૨૩ માં રજૂ થવાની છે. •

Most Popular

To Top