થોડા સમય પહેલાં પેપરમાં વાંચ્યું કે પત્ની પાસે પતિએ દારુના પૈસા ન આપ્યા તેથી પતિએ લોખંડના પાઇપથી પત્નીની હત્યા કરી નાખી. એક પરિણીત પુરુષે વિધવા સ્ત્રી સાથે લીવ-ઇન-રીલેશનશીપમાં રહી શારીરિક સંબંધ બાંધવાથી દીકરીનો જન્મ થયો.આ દીકરીને માત્ર 7000 રૂ.માં વેચીને માણસ ફરાર થઇ ગયો. આમ સ્ત્રીને થતા અન્યાય અને સ્ત્રી પર થતા અત્યાચારના સમાચાર અવારનવાર ન્યુઝ પેપરમાં વાંચવા મળે છે.આજે એક તરફ મહિલાઓ સફળતાનાં નવાં સોપાનો સર્જી રહી છે તો બીજી તરફ અનેક મહિલાઓ જઘન્ય હિંસા અને અત્યાચારનો શિકાર બની રહી છે. સ્ત્રીઓની વગર કારણે હત્યા કરવામાં આવે છે. તેઓનું અપહરણ થાય છે.
તેઓ પર બળાત્કાર થાય છે, તેમને સળગાવી દેવામાં આવે છે. આવા સમાચારો જયારે સાંભળીએ છીએ, વાંચીએ છીએ ત્યારે તે હિંસા સામે અવાજ ઉઠાવવાને બદલે આપણે આપણા ઘરની સ્ત્રીઓ-બહેનો-દીકરીઓ પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદીએ છીએ. (આ પણ એક પ્રકારની હિંસા જ છે.) ઘરેલું હિંસા સંસ્કારી સમાજનું કડવું સત્ય છે.શું આ કયારેય અટકશે જ નહિ? સરકાર દ્વારા કડક કાયદાઓ બનાવી તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો કદાચ સ્ત્રીઓ પર થતા અત્યાચાર/ બળાત્કાર પર થોડું નિયંત્રણ આવી શકે. એક સ્ત્રી પતિ-પિતા-પુત્ર કે ભાઈ માટે શું નથી કરતી? એના બદલામાં સ્ત્રીને શું જોઇએ છે? સ્ત્રીને તમારો પ્રેમ જોઇએ છે. તમારું સન્માન જોઇએ છે, તમારો સમય જોઈએ છે, તમારું સમર્પણ જોઇએ છે. તમારા જીવનમાં એક માનભરેલું સ્થાન જોઈએ છે. સ્ત્રી તો મીઠા બોલની ભૂખી હોય છે. સ્ત્રી પરિવારનો ભાર વહેતી રહે છે. બસ લાગણીના બે શબ્દોની એને ભૂખ હોય છે. તમારા હસતા ચહેરામાં એ ખુદને સમાવી લે છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા.’
સુરત – ડૉ. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.