Charchapatra

આ બધું ક્યારે અટકશે?

આપણા દેશમાં જુદાં જુદાં  અસંખ્ય ધર્મસ્થાનો આવેલાં છે અને તે બધાએ અધધધ કહી શકાય એટલી લાખો એકર જમીન રોકી લીધી છે. આ સંજોગોમાં હવે કોઈ પણ  નવાં ધર્મસ્થાનો ઊભાં થવાં ન જોઈએ. આ લખવાનું કારણ એ છે કે એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરતનું રામકૃષ્ણ ટ્રસ્ટ શબરી માતાના સુબિર સહિત ડાંગમાં એક બે નહીં ૩૧૧ હનુમાનજી મંદિરો બાંધશે. તેમાંનાં ૪૬ જેટલાં મંદિરો તૈયાર કરી દેવાયાં. આ લખનારનું સ્પષ્ટ માનવું છે કે આ રીતે મંદિરો બાંધવાને બદલે એ જગ્યાનો ઉપયોગ શાળા – કોલેજો કે હોસ્પિટલો બાંધવા પાછળ થવો જોઈએ. ધર્મસ્થાનો બાંધીને ભક્તિ પાછળ અમૂલ્ય એવા લાખો કલાકોનો બગાડ શું કામ કરવો ? આ શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા છે. મતબેન્કના રાજકારણને લીધે શાસનકર્તાઓ અને અન્ય રાજકારણીઓ પણ આવી અંધશ્રદ્ધાને ટેકો આપવાનું કામ કરતા હોય છે પરિણામે દેશ ગમે તેટલી પ્રગતિ કરે તો પણ અધોગતિ તરફ જ ધકેલાય.

આ વાત જ્યાં સુધી દેશની પ્રજાના માનસમાં નહીં ઊતરે ત્યાં સુધી આપણા દેશની ગણતરી વિકાસશીલ દેશોમાં થવાની શક્યતા જ નથી અને હાલ જે પરિસ્થિતિ છે તે મુજબ આ બાબતમાં પરિવર્તન આવવાની શક્યતા એકદમ ધૂંધળી છે. તેનો અર્થ એવો થાય કે આવી મૂર્ખતાભરેલી અંધશ્રદ્ધાને કારણે આપણો દેશ હંમેશ માટે પછાત જ રહેશે. આખા વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને ૭૦ ટકા કરતાં વધુ અશિક્ષિત અને તેમાં આવી અંધશ્રદ્ધાનો જબરદસ્ત માહોલ, પછી ક્યાંથી દેશ ઊંચો આવે ? અન્ય દેશોમાં અનીતિ ને અપ્રમાણિકતા કે અશિષ્ટતાનું પ્રમાણ માંડ દશ ટકા હશે જ્યારે આપણા દેશમાં એ પ્રમાણ નેવું ટકા કરતાં વધારે છે અને તેનું પરિણામ આપણી સામે છે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top