Gujarat Main

અમદાવાદમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે મસ્જિદની બાજુના મકાનની બાલ્કની પડી, 10ને ઈજા, એકનું મોત

અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર દિવસે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે. સવારથી જ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન માટે ભક્તોની ભીડ ભેગી થઈ છે. જગન્નાથ રથયાત્રાના આખાય રૂટ પર રસ્તાની બંને તરફ ભક્તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના સ્વાગત માટે આતુર છે, ત્યારે આ રથયાત્રામાં એક અકસ્માતના લીધે અફરાતફરી સર્જાઈ હતી.

ખરેખર બન્યું એવું કે ભગવાનની રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે કડિયા નાકા વિસ્તારમાં મસ્જિદની બાજુમાં આવેલા એક મકાનની ગેલેરી પડી ગઈ હતી. જર્જરિત ગેલેરી આપમેળે જ નીચે પડી હતી. રસ્તા પર ઉભેલા પ્રભુના ભક્તોના માથે આ છત પડતા દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 3 બાળક સહિત 10થી વધુ લોકોને ઈજા થઈ હતી જ્યારે એક યુવકનું મોત થયું હતું.

અકસ્માતને પગલે રથયાત્રાના સ્વયંસેવકો, આસપાસ ઉભેલા ભક્તો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક ઈજા ગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ભક્તો પણ પોલીસની મદદે દોડી ગયા હતા. આ અકસ્માતમાં વસ્ત્રાલના રહેવાસી મેહુલ પંચાલ નામના યુવકનું મોત થયું હોવાની વિગતો સાંપડી છે.

દરમિયાન એવી વિગતો સાંપડી છે કે રથયાત્રા સાથે ચાલતા ટ્રકમાંથી લોકોને પ્રસાદ આપવામાં આવી રહ્યો હતો. સેવકો પ્રસાદ ભક્તો તરફ ફેંકી રહ્યાં હતાં. આ પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હતી.

ડીસીપી ઝોન 4 કાનન દેસાઈએ આ ઘટના અંગે વિગતો આપતા કહ્યું કે, રથયાત્રાના રૂટ પર કડિયાનાકા પાસે એક જૂના મકાનની ગેલેરી તૂટી પડવાની ઘટના બની છે. આ ગેલેરી પર મકાનના માલિક સાથે અન્ય ત્રણ લોકો ઉભા હતા. તેઓ રથયાત્રાના દર્શન કરી રહ્યાં હતાં ત્યારે અચાનક સ્લેબ તૂટ્યો હતો અને તેઓ ગેલેરી સાથે નીચે પડ્યા હતા. આ અકસ્માતમાં 8 લોકોને ઈજા થઈ છે. તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થયું છે. કહેવાય છે કે જે મકાનની બાલ્કની તૂટી પડી તે જર્જરીત હતું. તેમ છતાં આ મકાનને ઉતારી પાડવાની કોઈ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નહોતી. હવે બાલ્કની તૂટી પડ્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓએ મકાન પર નોટીસ લગાવી છે. રથયાત્રાના રૂટ પર આવા અનેક જર્જરીત મકાન હોવાની ચર્ચા ઉઠી છે.

Most Popular

To Top