Columns

આ પ્રોબ્લેમ્સનું શું કરવું?

એક દિવસ પ્રોફેસરે પૂછ્યું, ‘આજે જીવનને લગતો સવાલ પૂછું છું.તમારા જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, કોઇ પણ પ્રકારનો તો શું કરશો? આ પ્રશ્નનો જવાબ લખો. બધા તરત જવાબ લખવા લાગ્યા.પાંચ મિનીટ પછી પ્રોફેસરે બધાના જવાબ લીધા અને વાંચ્યા. પ્રોફેસર જવાબ વાંચીને બોલ્યા, ‘તમારામાંથી ઘણાએ સરસ જવાબ લખ્યા છે તેમાંથી જે સૌથી સારા પોઈન્ટ છે તે કહું છું. લખ્યું છે કે પ્રોબ્લેમ આવે તો તેનાથી દૂર ભાગવું નહિ.પ્રોબ્લેમ આવે તો ડરવું નહિ.આ બે વાત સરસ છે.પછી એક જણે સરસ લખ્યું છે કે પ્રોબ્લેમ આવશે ત્યારે સૌથી પહેલાં પ્રોબ્લેમ કેમ આવ્યો તેના કારણને સમજીશું.કારણને શોધવું જરૂરી છે.પછી પ્રોબ્લેમને જાણીને અને સમજીને તેના ઉકેલ શોધીશું અને જ્યાં સુધી ઉકેલ ન મળે ત્યાં સુધી શાંતિથી બેસીશું નહિ અને પ્રોબ્લેમનો ઉપાય શોધીને પ્રોબ્લેમ દૂર કરીશું.’

પ્રોફેસર આગળ બોલ્યા, ‘જો જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તેને દૂર કરવા તૈયાર રહેવું અને દૂર કરવા માટે શું કરવું તેના જવાબ તમે જ આપી દીધા. આ બધા પોઈન્ટ યાદ રાખજો.હવે મારો આગળ પ્રશ્ન છે કે જીવનમાં પ્રોબ્લેમ આવે અને તેનો કોઇ પણ ઉકેલ તમારા હાથમાં ન હોય તો તમે શું કરશો? જલ્દી જવાબ લખો.’ બધાએ જવાબ લખ્યા.મોટા ભાગના વિદ્યાર્થીઓએ લખ્યું. ‘કોઇ પણ ઉકેલ આપણા હાથમાં ન હોય તો આપણે શું કરી શકીએ.એટલે અમે કંઈ નહિ કરીએ.કોઈકે લખ્યું જે આ પ્રોબ્લેમ દૂર કરી શકે તેવા વ્યક્તિને શોધી તેને પ્રોબ્લેમ દૂર કરવા વિનંતી કરીશું.કોઈકે લખ્યું જે થાય તે સમય પર છોડી પ્રોબ્લેમ દૂર થવાની રાહ જોઈશું.

પ્રોફેસરે આ બધા જવાબ વાંચ્યા અને મુખ્ય પોઈન્ટ કહ્યા પછી આગળ ઉમેર્યું, ‘અહીં મારે તમને ખાસ સમજ આપવી છે કે જયારે પ્રોબ્લેમનો ઉકેલ આપણાથી શક્ય ન હોય ત્યારે હાથ ઊંચા કરી દેવા કે અન્યને વિનંતી કરવી કે પ્રોબ્લેમ દૂર થવાની રાહ જોતાં બેસવા કરતાં જરૂરી છે પ્રોબ્લેમને પાછળ છોડી જીવનમાં આગળ વધી જવું.જીવનને આ પ્રોબ્લેમથી દૂર અલગ વળાંક આપી દેવો અને જુઓ વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમ્સ જીવનમાં દર ઘડીએ આવશે.

જેને ઉકેલી શકો અને દૂર કરી શકો. તેને દૂર કરી નાખવા અને જેને દૂર કરવા તમારા હાથમાં ન હોય તેને પાછળ છોડીને જીવનમાં આગળ વધી જવું પણ જીવન સતત પ્રોબ્લેમ સાથે ન જીવવું.પ્રોબ્લેમને મન અને મગજમાં સ્થાન ન આપવું, નહિ તો તમે બીજું કંઈ વિચારી જ નહિ શકો.જીવનના પ્રોબ્લેમ્સ નાના હોય કે મોટા તરત ઉકેલ લાવવો.ઉકેલ શક્ય ન હોય તો પાછળ છોડી દેવા, પણ સતત તેની સાથે સૂવું કે બેસવું -ઊઠવું નહિ, નહીં તો પ્રોબ્લેમ તમને બાંધી દેશે આગળ વધવા નહિ દે અને શાંતિ અને આનંદથી જીવવા પણ નહિ દે.’પ્રોફેસરે વિદ્યાર્થીઓને બરાબર સમજાવ્યું કે જીવનમાં આવતા પ્રોબ્લેમ્સનું શું કરવું?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top