યુનોએ દુનિયાના દેશો વચ્ચે કોઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ આપવો જોઈએ. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન પૂર્વ વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ યુનોમાં લઈ ગયા હતા. આજે વર્ષો થઈ ગયા છતાં ઉકેલ નથી. યુનોમાં પંચશીલના સૂત્રોમાં જણાવેલ છે કે કોઈ પણ દેશે અન્ય દેશની જમીન પચાવી પાડવી નહી. અન્ય દેશ પર આક્રમણ કરવું નહીં વગેરે તો એનો અમલ થતો નથી. જો યુનો કંઈ કરી શકતું ન હોય તો એની જરૂર શું છે? ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છેતેનો ઉકેલ યુનોએ લાવવો જોઈએ. આજે યુદ્ધની નહીં બુધ્ધની જરૂર છે. રાજા અશોકે કલિંગ પર ચઢાઈ કરી હતી અને તેને જીતી લીધું હતું. બીજે દિવસે તે યુદ્ધના મેદાન પર ગયા ત્યાં કોઈ જીવીત ન હતું. એ જોઈ અશોકના હૃદયનું પરિવર્તન થયું અને એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. તેણે બધુ ત્યાગી
દીધું હતું.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગરિમા
દરેક માનવીને આજીવિકા, ગુજારો કરી જીવન-નિર્વાહ માટે અનેકવિધ સાધનો પર આધાર રાખવો પડે છે. સાથે આયુષ્યની દોરને ટકાવી રાખવા અનેક પાત્રો ભજવવા પડે છે. એટલે જ જીવનને રંગમંચની ઉપમા આપવામાં આવે છે. અલબત્ત, નાટ્યશાળા, ‘થિયેટર’માં તાલીમ મળે પછી રંગમંચ-રંગમંડપ પર પોતાનું પાત્ર ભજવવા મળે છે. જીવનને રંગમંચ કહેવા પાછળનો આશય, નાટકના દરેક પાત્રો પોતાને ભાગે આવેલું પાત્ર બખૂબી ભજવે અને રંગમંચની પૂરેપૂરી ગરિમા જાળવે છે, જાળવવી જોઈએ.
એક પાત્રનો સંવાદ પૂર્ણ થયે બીજું પાત્ર પોતાનો સંવાદ બોલે છે. અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, માનવજીવનમાં આવી ગરિમા જાળવવામાં આવે છે ખરી? જરૂરી પ્રૌઢતા, ગુરુત્વ, આબરૂ-ગૌરવનું પાલન કેમ થતું નથી. આમ તો વ્યક્તિ આજીવિકા માટે જે ક્ષેત્રમાં કે હોદ્દા પર હોય ત્યાં એની ગરિમા જાળવીને કામગીરી કરવી જોઈએ. દરેક ક્ષેત્રમાં આ નિયમ જાળવવો રહ્યો. ગૃહસંસારમાં પણ ગરિમાનું પાલન કરવું રહ્યું. આજકાલ વડીલોની આમાન્યા જળવાતી નથી તે દુઃખદ છે. વડીલોને માન આપવામાં આવે તેવું વાતાવરણ ઊભું કરવું પડશે. વડીલોએ પણ સમય સાથે ચાલવું પડશે. આત્મીય, કૌટુંબિક કે અન્ય સંબંધોમાં ગરિમા જાળવવી જોઈએ. ચાલો, આપણા ભાગે આવેલું પાત્ર બખૂબી નિભાવીએ. ટૂંકમાં સંબંધોની ગરિમા જાળવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.