SURAT

પુરુષોની મહિલાઓ પ્રત્યે સાચી જવાબદારી કઇ છે?

સ્ત્રી અને પુરુષ સંસારરૂપી રથનાં બે ચક્ર છે પણ આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે. આપણે 21મી સદીમાં છીએ પણ આજે પણ આપણા સમાજમાં એવા કિસ્સા જોવા મળે છે જેમાં સ્ત્રીને પોતાના જ નિર્ણય લેવાનો અધિકાર નથી. તે પુરુષોની ઓશિયાળી બનીને રહે છે. તેની ખુશી પુરુષ પર નિર્ભર છે. વૈદિક યુગની વાત કરીએ તો ત્યારે મહિલાઓની સ્થિતિ ગરિમાપૂર્ણ હતી. સામાજિક અને ધાર્મિક સ્તર ઉચ્ચ હતું. ત્યારે પુરુષોએ મહિલાઓને ગરિમાપૂર્ણ સ્થાન આપી સ્ત્રી પ્રત્યેની સાચી જવાબદારી નિભાવી હતી. મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓનું સ્તર નીચું ગયું હતું, તેણે ઘૂંઘટ તાણીને પડદા પાછળ રહેવું પડતું હતું. અત્યારના આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષ સમાન બન્યાં છે. સ્ત્રી ઘરનો ઉંબરો ઓળંગીને નોકરી કરતી થઈ છે. તે ઘર અને બહારની બેવડી જવાબદારી ઉઠાવવા લાગી છે. એવી સ્થિતિમાં પુરુષોની મહિલાઓ પ્રત્યે શું જવાબદારી છે તે આપણે આજના આધુનિક યુગના બ્રોડ માઇન્ડેડ બનેલા સુરતના પુરુષો અને સ્ત્રીઓ પાસેથી જાણીએ.

સ્ત્રીનું સમ્માન કરવું અપમાન નહીં: શિખા સુરુ
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય શિખા સુરુ પ્રી સ્કૂલમાં એડમીન છે. શિખાએ જણાવ્યું કે, ‘‘મારી સગાઈ રુચિત સલ્લા સાથે થઈ છે. એકાદ વર્ષ પછી અમારા મેરેજ થવાના છે. મારા મતે પુરુષની સ્ત્રી પ્રત્યે સાચી જવાબદારી સ્ત્રીને માન આપવું, તેના માટે ક્યારેય અપમાનજનક શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ તે છે. જો કોઈ મુદ્દાને લઈને આપસી મતભેદ થાય અને બોલાચાલી થાય ત્યારે પુરુષે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રી અપમાનિત થાય તેવા શબ્દો ભૂલથી પણ નહીં બોલવા. સ્ત્રી ઘરનું કામ કરવાની સાથે પુરુષોની જેમ ઘરની બહાર જઈને નોકરી પણ કરે છે. મારા ફિયાન્સે મને પ્રોમિસ આપેલું છે કે તે અમારી વચ્ચે રખેને કોઈ મતભેદ થશે તો બંને એકબીજાને પ્રેમથી સમજાવશે પણ અપમાન થાય તેવું કદાપિ નહીં કરે. લગ્ન પછી નોકરી કરવી કે નહીં તે નિર્ણય મારો હશે. પણ તેની પાછળન આશય મારા પતિને મદદરૂપ થવા માટેનો હશે, નહીં કે સ્વતંત્ર રહેવાનો. મને ખુશ રાખવાની જવાબદારી તે નિભાવશે એવું વચન પણ આપ્યું છે.’’

પતિએ પત્નીના કામમાં સહભાગી થવું જોઈએ: બીજલ સનીભાઈ શાહ
સની શાહનાં 35 વર્ષીય પત્ની બીજલબેનના મતે પતિની પત્ની પ્રત્યે જવાબદારી એટલે પત્નીના કામમાં સહભાગી થવું તે છે. ઘરના રોજિંદા કાર્યો જેમ કે રસોઈ છે, બજારમાંથી શાકભાજી કે જીવન જરૂરિયાતની બીજી વસ્તુઓ લઈ આવવામાં મદદરૂપ થવું જોઈએ. ‘‘મારા પતિએ મને પગભર બનાવવા માટે સપોર્ટ કર્યો તે સાથે મારા પર કામનું ભારણ વધી નહીં જાય તે માટે તેઓ બજારમાંથી શાકભાજી સહિતની વસ્તુઓ લઈ આવે છે. મને ફાઇનાન્શ્યલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવામાં મારા પતિનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે.’’

પત્નીને ફાઇનાન્શ્યલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવી : સની શાહ
શહેરના પાલ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય સનીભાઈ શાહ બેંક મેનેજર છે. તેમણે જણાવ્યું કે, ‘‘પતિ તરીકે પત્ની પ્રત્યેની સાચી જવાબદારી મારા માટે તો પત્નીને ફાઇનાન્શ્યલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવી તે છે. જો મને રખેને કાંઈક થઈ જાય એવી સ્થિતિમાં મારી પત્ની કોઈની ઓશિયાળી બની જાય એના કરતાં તે પોતે આત્મનિર્ભર બને તે બેસ્ટ છે. મારા અને બીજલના મેરેજને 14 વર્ષ થયાં છે. મારી પત્ની બીજલને કેક બનાવવાનો શોખ છે એટલે મેં તેને કેકનો બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી. આજે બહુ સારી રીતે કેક મેકિંગનો બિઝનેસ કરવાની સાથે તે બેકિંગના કલાસ પણ ચલાવે છે. મારું કર્તવ્ય અહીં અટકી ગયું છે એવું નથી. અમારે બે બાળકો છે. મારી પત્ની બંને બાળકોને સંભાળે, ઘરનું કામ કરે અને બિઝનેસ પણ સાથે સાથે રન કરે તો તે થાકી જાય એટલે હું મારી પત્નીને ઘરના કામમાં મદદ કરું છું. રસોઈમાં મદદ કરવાની સાથે સાથે હું તેણે બનાવેલી કેક ડિલીવરી કરવા પણ જાઉં છું.’’

પત્નીને ખુશ રાખવી પતિની સાચી જવાબદારી: રૂપેશભાઇ લાપસીવાળા
રેશ્માબેન લાપસીવાળાના 39 વર્ષીય હસબન્ડ રૂપેશભાઈએ જણાવ્યું કે, ‘‘પતિની જવાબદારી પત્નીને ખુશ રાખવાની છે. મારો હંમેશાં એ પ્રયત્ન રહ્યો છે કે હું બિઝનેસનું ટેન્શન ઘરે નથી લઈ જતો. ઘરે મારો સમય મારી પત્ની અને મારાં બાળકો માટે હોય છે. હું મારી પત્નીને શોપિંગ કરાવવા લઈ જાઉં છું ત્યાં તેની પસંદની સાડી ખરીદી આપું છું. હું રસોઈના કામમાં પણ તેને હેલ્પફુલ થાઉં છું. મારી પત્ની મારા માટે ઉપવાસ કરે છે ત્યારે હું પણ તેની સાથે ઉપવાસ કરું છું. વર્ષમાં બે વખત ફરવા જવાનો પ્રોગ્રામ બનાવું છું. હું શાકભાજી લેવા પણ તેની સાથે જાઉં છું.’’

નિર્ણય લેવામાં પત્નીને સહભાગી બનાવવી: રેશ્માબેન લાપસીવાળા
શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતાં અને વોર્ડ નંબક 13ના મહિલા કોર્પોરેટર રેશ્માબેન લાપસીવાળાએ જણાવ્યું કે, ‘‘ઘરના કે બહારના કોઈ પણ કામમાં પતિએ નિર્ણય લેવામાં પત્નીનું પણ મંતવ્ય લેવું જોઈએ. તેને સહભાગી બનાવવી જોઈએ. મારા હસબન્ડ રૂપેશ જરીના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમને જ્યારે કોઈ મોટો ઓર્ડર મળે છે ત્યારે તે ઓર્ડર સ્વીકારવો કે નહીં અને એ ઓર્ડર પૂરો કઈ રીતે કરવો તેનો નિર્ણય લેવામાં મારું સજેશન લે છે. અમારા મેરેજને 20 વર્ષ થયાં છે. અમારાં બાળકોના એજ્યુકેશનને લઈને પણ જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મારા પતિ મને તેમાં સહભાગી બનાવે છે.’’

પત્નીની બીમારીમાં સેવા કરવી: મુકેશભાઈ મોદી
શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મુકેશભાઈ મોદી રિટાયર્ડ લાઈફ જીવે છે. તેમના જયાબેન સાથે 1984માં મેરેજ થયા હતા. મુકેશભાઈએ જણાવ્યું કે, ‘‘પત્નીની માંદગીમાં સેવા કરવી તે પતિની સાચી ફરજ છે. મારી પત્નીને વર્ષોથી કમરના દુખાવાનો પ્રોબ્લેમ છે. હું તેને જ્યારે પણ કમરનો દુખાવો થાય ત્યારે તેલમાલિશ કરી આપું છું. જ્યારે તેનું માથું દુખતું હોય ત્યારે માથું પણ દબાવી આપું છું. દવાખાને લઈ જવું, મેડિકલ સ્ટોરમાંથી તેના માટે દવા લઈ આવવી આ બધાં કામ કરું છું કેમ કે તે પણ મારી સેવા કરતી જ હોય છે.’’


પત્નીને ખુશ રાખવી, તેને ફરવા લઈ જવી: જ્યાબેન મોદી
મુકેશભાઈ મોદીનાં 55 વર્ષીય પત્ની જ્યાબેન મોદીએ જણાવ્યું કે, ‘‘પતિની સાચી જવાબદારી પત્નીને ખુશ રાખવી તે છે. મારા પતિ નોકરી કરતા હતા ત્યારે ઓફિસનું કોઈ પણ ટેન્શન ઘરે લઈને નહીં આવતા. ઓફિસ પછીનો સમય મારા માટે આપતા. વર્ષમાં બે થી ત્રણ વખત મારી મનગમતી જગ્યા પર ફરવા લઈ જાય છે.’’

ખુશ રાખવાની ગેરન્ટી આપવી અને સેલ્ફ ડિફેન્સ શીખવાડવું: દિવ્યાંશ દેસાઈ
કતારગામ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય દિવ્યાંશ દેસાઈ મિકેનિકલ એન્જિનિયર છે. દિવ્યાંશે જણાવ્યું કે ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે. હું માનું છું કે જ્યારે કોઈ છોકરી તેનાં માતા-પિતાનું ઘર છોડીને સાસરે જાય છે ત્યારે તેના પતિની એ જવાબદારી બને છે કે તેને એ લેવલની ખુશી આપવાની ગેરંટી આપવી જોઈએ જે લેવલની ખુશી તેને તેનાં મમ્મી-પપ્પાના ઘરે મળતી હતી. તેને જોબ કરવી કે નહીં તેનો નિર્ણય લેવાનું ફ્રીડમ આપવું જોઈએ. તેની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. તેને સમય આપવો તે પતિની જવાબદારી છે. જ્યારે તે એકલી હોય કે કશે બહાર એકલી જતી હોય ત્યારે તેને કોઈ પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો પડે તો તેને માટે તેને સેલ્ફ ડિફેન્સ શીખવાડવું જોઈએ. જેથી તે પ્રતિકૂળ સ્થિતિને પોતાની જાતે હેન્ડલ કરી શકે. હું પણ મેરેજ બાદ આ તમામ જવાબદારી નિભાવીશ.’’

આજે આધુનિક યુગમાં સ્ત્રી પુરુષસમોવડી બની ગઈ છે. સ્ત્રી હવે ઘરની બહાર નીકળીને નોકરી કરતી થઈ ગઈ છે. બિઝનેસ પણ સંભાળે છે. સ્પેસમાં પણ જઈ આવી છે. જે પહેલાં માત્ર પુરુષોનાં ક્ષેત્રો ગણાતાં તે ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પ્રવેશ કરી નામના મેળવી છે. આવી સ્થતિમાં મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. પુરુષોની સ્ત્રીઓ પ્રત્યે હવે બદલાતા જમાનામાં શું જવાબદારી રહી છે તેની પર વિચાર-મંથન થવા લાગ્યું છે. પહેલાં પુરુષોની જવાબદારી સ્ત્રીને રોટી, કપડાં, મકાન આપવાં તે જ હતી પણ સમય બદલાવાની સાથે પુરુષોએ ઘરનાં, રસોઈનાં કામોની જવાબદારી ઉઠાવી ને પત્ની માંદી પડે તો તેની સેવા કરવાની જવાબદારી પણ લેવી જોઈએ તેવું ઉચ્ચ શિક્ષિત બનેલા લોકો માનવા લાગ્યા છે.

Most Popular

To Top