Entertainment

આ એક્ટર્સનો અસલી ચહેરો કયો?

રૂપ તેરા મસ્તાના, હાલ મેરા દીવાના .. ભૂલ કોઈ હમસે…. (હો ગયી)’ મસ્તાના રૂપની પાછળ દીવાના ફેન્સ હમણાં થોડા કંફ્યુઝનમાં છે. તેઓ જે રૂપ પાછળ ઘેલા છે તે સાચું છે કે ડોક્ટરની દેન? એટલે બોલિવૂડ અને સોશિયલ મીડિયામાં અત્યારે ટૉક ઓફ ધી ટાઉન છે અભિનેત્રીઓની બદલાતી સુંદરતા પાછળ સમય છે કે સોંય?
એક વીડિયો યુટ્યુબ પર વાયરલ થયો. એમાં થયેલી ચર્ચાએ આ આખી આગ સળગાવી. ધ્રુવ રાઠી નામના એક યુટ્યૂબરે બોલિવૂડના અનેક સેલેબ્રિટીઝ અને એક્ટર્સના બદલાતા લુક પર સવાલ ઉઠાવ્યા અને દાવો કર્યો કે ઇન્ડસ્ટ્રીમાં ચહેરાની ટ્રીટમેન્ટ, સ્કિન લાઇટનિંગ અને કોસ્મેટિક પ્રોસિજર્સ નોર્મલ બની ગયા છે, પરંતુ તેને ક્યારેય ખુલ્લેઆમ સ્વીકારવામાં આવતા નથી.
આમાં મુખ્ય મુદ્દો એવો હતો કે બોલિવૂડ એક તરફ “નેચરલ બ્યુટી” અને “એક્સેપ્ટન્સ”ની વાત કરે છે, બીજી તરફ કેમેરા સામે દેખાતા ચહેરા મોટા ભાગે મેડિકલ અને કોસ્મેટિક પ્રોસેસનું પરિણામ હોય છે. તેણે જૂની અને નવી તસવીરોના પુરાવા આપીને કહ્યું કે સમય સાથે માત્ર મેકઅપ કે લાઇટિંગથી એટલો મોટો ફેરફાર શક્ય નથી. આ વાત ટૉક ઓફ ધી ટાઉન બની.
આ વીડિયોમાં તેણે દીપિકા, પ્રિયંકા, કાજોલ, શિલ્પા અને ખાસ કરીને જાહન્વી કપૂરનું નામ લીધું. જાહન્વીની તસવીર તો થમ્બનેલમાં યુઝ થતાં જ તેના ફેન્સ ભડકી ઉઠ્યા અને તે યુટ્યુબર પર પર્સનલ અટેકનો આરોપ મૂક્યો. અને આ એવા સમયતે કર્યું જયારે જાહન્વીએ બાંગ્લાદેશમાં થયેલી દીપુ દાસની હત્યા વિષે સ્ટોરી મૂકી. ફેન્સની દલીલ એમ હતી કે સમય સાથે માણસ બદલાય જ છે — એક્ટર્સની ફિટનેસ, ડાયટ, સ્કિન કેર, હાઈ-એન્ડ મેકઅપ, કેમેરા, ટેક્નોલોજી અને લાઇટિંગથી લુકમાં આવો બદલાવ શક્ય છે. આને “સર્જરી” કે “ટ્રીટમેન્ટ” સાથે જોડવું ખોટું છે. પરંતુ આ ચર્ચાની બીજી બાજુ પણ એટલી જ મજબૂત છે. તેઓ કહે છે સમસ્યા સેલિબ્રિટી ટ્રીટમેન્ટ કરે છે તે નથી; સમસ્યા છે કે તેઓ “નેચરલ બ્યુટી”નું જુઠ્ઠાણું ફેલાવે છે. આજના યુવાનો અને ખાસ કરીને યુવતીઓ, આ દેખાવને આદર્શ માનીને પોતાની જાત સાથે કોમ્પ્લેક્ષ ફીલ કરે છે. સ્કિન લાઇટનિંગ, બોટોક્સ, ડર્મલ ફિલર્સ, જૉ લાઇન કન્ટૂરિંગ, રાઇનોપ્લાસ્ટી અને લેસર ટ્રીટમેન્ટ્સ જેવી પ્રક્રિયાઓ હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગઈ છે, આજે મુંબઈમાં કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ “નોર્મ” બની ગઈ છે.
નવા કલાકારો માટે લૉન્ચ પહેલાં સ્કિન ટેક્સચર સુધારવું, જૉ-લાઇન શાર્પ કરવી કે નોઝ રિફાઇનમેન્ટ કરાવવું લગભગ રૂટિન માનવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ્સ આજકાલ સામાન્ય છે અને યોગ્ય રીતે કરવામાં આવે તો સલામત પણ હોઈ શકે છે.
પરંતુ ડોક્ટર્સ ચેતવણી આપે છે કે દરેક ચહેરા પર તેનો એકસરખી અસર નથી કરતી. જયારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી જ આવા અસામાન્ય દેખાવને પ્રેફરન્સ નથી આપતું ત્યારે એક્ટર્સ કે જેમની રોજીરોટી તેમના દેખાવ પર ટકેલી છે તેઓ કેમના આ વસ્તુઓથી દૂર રહી શકે?
આ વિવાદ જાણી પ્રશ્ન આપણને થાય કે સાચું કોણ? સેલિબ્રીટી કે આ આરોપ? હકીકત કદાચ બંને વચ્ચે છે. બોલિવૂડમાં કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ સામાન્ય છે અને ઘણા કલાકારો તેનો ઉપયોગ કરે છે. સાથે જ, એ પણ સાચું છે કે દરેક ફેરફાર સર્જરીનું પરિણામ જ હોય એવું નથી. પરંતુ આ બધાની વચ્ચે જે સૌથી મહત્વની વાત છે, તે છે ઈમાનદારી. આ ટ્રીટમેન્ટ તેમની વ્યક્તિગત ચોઈસ હોય શકે, પરંતુ અસર સામાજિક થાય છે. આ ચર્ચા બોલિવૂડને અરીસો ધર્યો છે. આજે “પરફેક્ટ લુક” માર્કેટમાં ચાલે છે, ત્યારે અસલી ચહેરા માટે લડાઈ વધુ અઘરી બની છે. આ લડાઈમાં સાચું-ખોટું નક્કી કરવાનું કામ સમય અને સમજદાર ઑડિયન્સ પર છોડવું જ યોગ્ય. •

Most Popular

To Top