દેશનાં કોઈ પણ રાજ્યનાં ગરીબો ઝેરી દારૂ પીને મરે ત્યારે વિપક્ષો માગણી કરતા હોય છે કે દારૂબંધીની નીતિને કારણે તેવું બન્યું છે. બિહારના છાપરા જિલ્લામાં તાજેતરમાં લઠ્ઠો પીવાને કારણે આશરે ૬૦ મોત થયાં તે પછી ભાજપ સહિતના વિપક્ષો મુખ્ય પ્રધાન નીતીશકુમારને તેના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. ભાજપના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીએ તો દારૂબંધીનો અંત લાવવાની માગણી પણ કરી છે. ભાજપે નીતીશકુમારને સામુહિક હત્યારા બતાવ્યા ત્યારે નીતીશકુમારે મોરબીના ઝૂલતા પુલનો કિસ્સો યાદ કરાવ્યો હતો. નીતીશકુમારે તો લઠ્ઠાકાંડનો ભોગ બનેલાં ગરીબોને કોઈ પણ જાતનું વળતર આપવાનો પણ ઇનકાર કર્યો છે. વિધાનસભામાં તેમણે નિવેદન કર્યું હતું કે ‘‘પિઓગે તો મરોગે.’’નીતીશકુમારનું કહેવું છે કે જેઓ કાયદાનો ભંગ કરીને લઠ્ઠો પીતા હોય તેમને કંઈ પણ થાય તો સરકારે તેનું વળતર ચૂકવવાની જવાબદારી શા માટે લેવી જોઈએ?
બિહારની જેમ પંજાબમાં પણ ઝેરી દારૂનો વિવાદ ચાલી રહ્યો છે. પંજાબના તરણતારણ અને બાટલા જિલ્લાઓમાં ૨૦૨૦ની સાલમાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૨૨ નાગરિકોનાં મોત થયાં તે પછી સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. તેમાં માગણી કરવામાં આવી હતી કે જે વિસ્તારમાં ઝેરી દારૂ પીવાને કારણે લોકોનાં મોત થાય તે વિસ્તારના પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. સુપ્રિમ કોર્ટની ટકોરને પગલે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે સર્ક્યુલર બહાર પાડ્યો છે, જેમાં જે વિસ્તારમાંથી ઝેરી દારૂ પકડાય તેના પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે તો ઝેરી દારૂના દૂષણથી લોકોને બચાવવા પ્લાસ્ટિકના પાઉચમાં તેમને સસ્તો દારૂ પહોંચાડવાની યોજના તૈયાર કરી છે. જો કે તેનો ઉદ્દેશ દારૂના ઠેકેદારોને કમાણી કરાવવાનો છે. હકીકતમાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે તેના માટે ભ્રષ્ટ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર જવાબદાર છે.
બિહારમાં ૨૦૧૬ની સાલમાં દારૂબંધીની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે ત્યાં જેડી (યુ) અને ભાજપના મોરચાની સરકાર હતી. દારૂબંધીનો કાયદો ઘડવામાં આવ્યો તેને વિધાનસભામાં તમામ રાજકીય પક્ષોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. તેમ છતાં પોલીસ તંત્ર અને દારૂના સોદાગરોની સાંઠગાંઠને કારણે બિહારમાં ગેરકાયદે દારૂનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. દારૂની ભઠ્ઠી ચલાવનારાઓ દારૂમાં મોંઘા ઇથાઇલ આલ્કોહોલને બદલે સસ્તા મિથાઇલ આલ્કોહોલનો વધુ માત્રામાં ઉપયોગ કરે ત્યારે દારૂ ઝેરી બની જાય છે.
બિહારમાં ઝેરી દારૂ પીવાને કારણે છેલ્લાં એક વર્ષમાં ૧૦૦ થી વધુ નાગરિકોનાં મોત થયાં છે. આ વર્ષના જાન્યુઆરીમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નાલંદા જિલ્લામાં ઝેરી દારૂ પીને ૧૩ માનવોનાં મોત થયાં હતાં. નાલંદાની પોલીસે ૩૪ ઇસમોની ધરપકડ કરી હતી. તેણે ૧૮૪ લિટર દેશી દારૂનો અને ૨૨૫ લિટર વિદેશી દારૂનો નાશ કર્યો હતો. હોળીના દિવસોમાં ઝેરી દારૂ પીવાને કારણે ત્રણ ડઝન મોત થયાં હતાં. દિવાળીના દિવસોમાં બિહારમાં ઝેરી દારૂ પીવાને કારણે ૪૦ નાગરિકોનાં મોત થયાં હતાં. લઠ્ઠાનો ભોગ બનનારા માનવોનાં સગાંઓ કહે છે કે દેશી દારૂનો કારોબાર પોલીસની સાંઠગાંઠ સાથે ચાલે છે.
બિહારમાં ૨૦૧૬માં દારૂબંધીની નીતિ લાગુ કરવામાં આવી ત્યારથી તેના હેઠળ ૪.૩૩ લાખ લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે. દારૂબંધીને કારણે બિહારની જેલો કેદીઓથી ઉભરાય છે. એક શિક્ષકના સામાનમાં દારૂની બોટલ પકડાઇ તેને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. તેને કારણે કોર્ટો પર પણ કામનો બોજો વધી ગયો છે. ૬ વર્ષમાં દારૂબંધીના કાયદા હેઠળ ૩.૮૮ લાખ કેસો નોંધવામાં આવ્યા હતા, પણ તેમાંના ૪,૦૦૦ કેસોનો જ નિકાલ થયો છે. ઘણાં ગરીબ આરોપીઓ જામીન ન લાવી શકવાને કારણે જેલમાં સબડ્યા કરે છે. જેલમાં જગ્યા ન હોવાથી બિહાર સરકારે દારૂબંધીની નીતિ હળવી કરવી પડી છે.
સરકારે જાહેર કર્યું છે કે જો કોઈ વ્યક્તિ પહેલી વખત દારૂ સાથે પકડાશે તો તેને ૩,૦૦૦થી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે, પણ તેની ધરપકડ કરવામાં નહીં આવે. જો તે દંડ ભરવાનો ઇનકાર કરે તો તેને ૩૦ દિવસની જેલની સજા કરવામાં આવશે. હવે નીતીશકુમારને બ્રહ્મજ્ઞાન થયું છે કે માત્ર કાયદો કરવાથી દારૂના દૂષણને નાથી શકાય તેમ નથી. તેના માટે કાયદાનો કડક અમલ થવો જોઈએ અને લોકોમાં જાગ્રતિ પણ આણવી જોઈએ. આજે મોટા ભાગના રાજકારણીઓ અને પોલીસ ઓફિસરો દારૂ પીતા હોય છે. તેઓ લોકોને દારૂ ન પીવાનું સમજાવી શકે તેમ ન હોવાથી તેઓ દારૂબંધીનો ઉપયોગ કમાણી માટે કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી ત્યાં દારૂબંધીનો કાયદો છે, પણ ગુજરાતમાં જેટલો દારૂ પીવાતો હશે તેટલો ભાગ્યે જ ભારતના કોઈ બીજા રાજ્યમાં પીવાતો હશે. ગુજરાતની સરહદે આવેલાં દાદરા, નગર હવેલી અને દમણમાં અનેક ડિસ્ટિલરીઓ આવેલી છે. તેમાં મોટા પાયે ભારતીય બનાવટના વિદેશી દારૂનું ઉત્પાદન થાય છે. તેમાંનો મોટા ભાગનો દારૂ સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવાં શહેરોમાં વેચાવા જાય છે. તેના નિયમિત હપ્તાઓ ગુજરાતના પોલીસ અધિકારીઓથી લઇને રાજકારણીઓ સુધી જાય છે.
તમામ રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટેનાં નાણાં દારૂનાં પીઠાંઓ ચલાવનારા માફિયાઓ જ આપતા હોય છે. તેઓ રૂપિયા ઉપરાંત વોટો પણ લાવી આપતા હોય છે. આ કારણે રાજકીય પક્ષો દ્વારા જ તેમને પોષવામાં આવે છે. જો ગુજરાતમાં દારૂબંધી દૂર કરવામાં આવે તો લોકોને કાયદેસર સસ્તો દારૂ મળતો થઈ જાય અને પોલીસ અધિકારીઓ તેમ જ રાજકારણીઓની બે નંબરની કમાણી બંધ થઈ જાય તેમ છે.
જો કોઈ માનતું હોય કે દારૂબંધી હળવી કરવાથી લઠ્ઠાકાંડ સર્જાતા બંધ થઈ જશે તો તેઓ ભીંત ભૂલે છે. મહારાષ્ટ્રમાં દારૂબંધી તદ્દન હળવી કરવામાં આવી છે. મુંબઈમાં કોઈ પણ વ્યક્તિ લાઇસન્સ લઈને બિયર બાર અને પરમિટ રૂમ ખોલી શકે છે. મહારાષ્ટ્રમાં દેશી કે વિદેશી દારૂ દુકાનોમાં વેચાય છે, તેમ છતાં મહારાષ્ટ્રમાં પણ લઠ્ઠાકાંડ બને છે. તેનું કારણ એ છે કે દેશી દારૂ સસ્તો હોય છે, જ્યારે દુકાનોમાં મળતો વિદેશી દારૂ મોંઘો હોય છે. ગરીબોને મોંઘો દારૂ પરવડતો નથી, માટે તેઓ સસ્તો દારૂ પીને દુર્ઘટનાનો શિકાર બને છે. જ્યાં સુધી દારૂના ધંધાને સંરક્ષણ આપનારા પોલીસ અધિકારીઓને જેલમાં નાખવામાં નહીં આવે ત્યાં સુધી આવી કરુણાંતિકાઓ થયા કરશે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્વતંત્રતા પછી ગાંધીવિચારોની અસર હેઠળ આખા દેશનાં તમામ રાજ્યમાં દારૂબંધીના કાયદાઓ ઘડવામાં આવ્યા હતા અને તેની હેઠળ દારૂબંધી ખાતાંઓની રચના કરવામાં આવી હતી. તે સમયે દારૂના લાઇસન્સમાંથી રાજ્યોને થતી આવક સામે વળતરના રૂપમાં સેલ્સ ટેક્સ નાખવામાં આવ્યો હતો. ગુજરાત અને બિહાર સિવાયનાં રાજ્યોમાં દારૂબંધી હળવી કરવામાં આવી છે. દારૂબંધી ખાતું જ દારૂના પીઠા માટે લાઇસન્સો આપે છે અને તેમાંથી સરકાર કમાણી કરે છે, પણ સેલ્સ ટેક્સ કે વેટ નાબૂદ કરવામાં આવ્યો નથી. ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ હોવાથી ત્યાં દારૂબંધી દૂર કરવામાં આવતી નથી; પણ પોલીસની સાંઠગાંઠથી દારૂ છૂટથી મળે છે. જ્યાં સુધી લોકોમાં જાગ્રતિ નહીં આવે ત્યાં સુધી દારૂબંધી સફળ થવાની નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.