એક દિવસ નારદજીએ ભગવાન વિષ્ણુજીને પૂછ્યું, ‘પ્રભુ , ખે છે કે આપની નજીક પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે સત્સંગ …તો મને કહો આ સત્સંગ એટલે શું અને તેની શક્તિ કેટલી??’ ભગવાન વિષ્ણુજીએ કહ્યું, ‘જાવ પૃથ્વીલોકમાં જઈને નદી કાંઠે પીપળાના ઝાડ પર બેઠેલા કાચીંડાને જઈને આ પ્રશ્ન પૂછો ??’નારદજીએ કાચીંડા પાસે જઈને પૂછ્યું, ‘સત્સંગ એટલે શું ?’
આ સવાલ સાંભળીને કાચિંડો કઈ જવાબ આપ્યા વિના મરી ગયો…નારદજી તો તરત ભગવાન વિષ્ણુ પાસે ગયા અને બધી વાત કહી. ભગવાન વિષ્ણુજીએ કહ્યું, ‘જાવ ફરીથી પૃથ્વી લોક પર અને આંબાના ઝાડ પર બેઠેલા પોપટના બચ્ચાને જઈને સત્સંગ વિષે પૂછો.’
નારદજી આંબાના ઝાડ પર બેઠેલા પોપટના બચ્ચા પાસે જઈને તેને પૂછવા લાગ્યા, ‘સત્સંગ એટલે શું ?તેની શક્તિ કેટલી છે ?’આ સવાલ સાંભળીને કઈ પણ જવાબ આપવા પહેલા જ પોપટનું બચ્ચું મરી ગયું,નારદજી મૂંઝાયા અને ભગવાન વિષ્ણુ પાસે જઈને કહ્યું, ‘પ્રભુ આમ કેમ થાય છે મેં પ્રશ્ન પૂછ્યો અને પોપટનું બચ્ચું મરી ગયું !! આમ કેમ થયું ??’
ભગવાન વિષ્ણુજીએ કહ્યું, ‘નારદજી, એક સમૃધ્ધ નગરીના રાજા રાણીને ત્યાં એક ‘કુંવરનો જન્મ થયો છે,જાવ કુંવરને જઈને તમારો પ્રશ્ન પૂછો.’નારદજી બોલ્યા, ‘પણ પ્રભુ,પ્રશ્ન પૂછ્યા બાદ કુંવર મરી જશે તો ??’વિષ્ણુજીએ કહ્યું, ‘દેવર્ષિ જાવ હવે એવું નહિ થાય તમને જવાબ ચોક્કસ મળશે.’
નારદજી સમૃધ્ધ નગરીમાં પહોંચ્યા..રાજારાણીએ સ્વાગત કર્યું..નારદજીએ મનમાં ડર સાથે કુંવરને પોતાનો પ્રશ્ન પૂછ્યો, ‘કે સત્સંગ એટલે શું ?? અને સત્સંગમાં કેટલી શક્તિ છે ??’ કુંવરે નારદજીને કહ્યું, ‘નારદજી ,સત્સંગમાં અનન્ય શક્તિ છે.તમે કાચીંડાણે જઈને પ્રશ્ન પૂછ્યો અને તે મરી ગયો ત્યારે તેના શરીરમાં અસહય પીડા થતી હતી ..અને સત્સંગ શબ્દ જ કાને પડતાં તેની મુક્તિ થઇ ગઈ.
પછી તે પોપટના બચ્ચા રૂપે જન્મ્યો પણ તે બચ્ચાની આંખો નબળી હતી તેને બરાબર દેખાતું નહિ….તમે તેને સત્સંગ વિષે પૂછ્યું અને સત્સંગ શબ્દ કાને પડતાં જ તેની મુક્તિ થઇ ગઈ.અને આજે અહીં રાજકુંવર તરીકે મારો જન્મ થયો…સત્સંગ શબ્દ જ કાને પડવા માત્રથી કાચિંડો પીડા માંથી મુક્ત થયો …પોપટનું બચ્ચુ તકલીફમાંથી મુક્ત થયું….અને મારો કુંવર તરીકે જન્મ થયો.સત્સંગ થી કર્મના દુઃખમાંથી મુક્તિ મળે ….શાંતિ મળે …પુણ્ય મળે ..મુક્તિ મળે …મોક્ષ મળે…’નારદજી વિચારવા લાગ્યા સત્સંગ શબ્દથી જ આટલો ફાયદો…. તો રોજ સત્સંગ કરવાથી જીવન બદલાઈ જાય.