મહારાષ્ટ્ર: શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની રવિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયા બાદ આજે તેમને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાત્રા ચૉલ જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ઈડી દ્વારા સંજય રાઉતના 8 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે રાઉતની 4 દિવસની ઈડી કસ્ટડી મંજૂર કરી છે. હવે આગામી 4 દિવસ સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં રહેશે. આ ચાર દિવસ દરમિયાન ઈડી દ્વારા પાત્રા ચૉલ કૌભાંડમાં સંજય રાઉતની સઘન પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે સંજય રાઉત ધરપકડ વખતે જ કહી ચૂક્યા છે કે તેઓ નિર્દોષ છે. ખોટા પુરાવાના આધારે તેમની ધરપકડ કરાઈ છે, બીજી તરફ રાઉતના વકીલે ઈડીની કાર્યવાહીને રાજનીતિ પ્રેરિત ગણાવી હતી.
1039.79 કરોડનું પાત્રા ચૉલ કૌભાંડ
2007માં, સોસાયટી દ્વારા મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) અને ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે મુંબઈ પશ્ચિમી ઉપનગર, ગોરેગાંવ, સિદ્ધાર્થ નગરમાં 47 એકર જમીન પર 672 પરિવારોના મકાનોના પુનર્વિકાસ માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ કંપનીએ સાડા ત્રણ હજારથી વધુ ફ્લેટ બનાવીને મ્હાડાને આપવાના હતા. ત્યાર બાદ બાકીની જમીન ખાનગી ડેવલપર્સને વેચવાની હતી. રાકેશ વાધવાન, સારંગ વાધવાન, પ્રવીણ રાઉત અને DHILના ગુરુ આશિષ આ કંપનીના ડિરેક્ટર હતા. આરોપ છે કે કંપનીએ મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને 9 અલગ-અલગ બિલ્ડરોને પાત્રા ચાલની FSI વેચીને 901 કરોડ રૂપિયા જમા કરાવ્યા. જે બાદ મીડોઝ નામનો નવો પ્રોજેક્ટ શરૂ કરીને ફ્લેટ બુકિંગના નામે 138 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. પરંતુ 672 લોકોને તેમના ઘર આપવામાં આવ્યા નથી. આ રીતે પાત્રા ચૉલ કૌભાંડમાં રૂ. 1039.79 કરોડનું કૌભાંડ થયું હતું. જે બાદ 2018માં મ્હાડાએ ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR દાખલ કરી હતી.
પાત્રા ચાલનું સંજય રાઉત કનેક્શન
ગુરુ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના છે. ફેબ્રુઆરી 2022માં ED દ્વારા પ્રવીણની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પ્રવીણે પાત્રા ચાલ કૌભાંડમાંથી 95 કરોડ રૂપિયાની કમાણી કરી અને તે પૈસા તેના સંબંધીઓ અને મિત્રોને વહેંચી દીધા. તેમાંથી 55 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં આવ્યા હતા. આ રકમથી રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. વર્ષા રાઉતની ED પહેલા પણ પૂછપરછ કરી ચૂકી છે. વર્ષાએ જણાવ્યું હતું કે તેણે આ પૈસા પ્રવીણ રાઉતની પત્ની માધુરી પાસેથી ફ્લેટ ખરીદવા માટે લીધા હતા. EDની પૂછપરછ બાદ વર્ષાએ માધુરીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.
રાઉતે કહ્યું, ખોટા પુરાવા બનાવવામાં આવી રહ્યા છે
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મારી વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, લોકોને માર મારીને ખોટા પુરાવા બનાવવામાં આવી રહ્યા છે. આ માત્ર મહારાષ્ટ્ર અને શિવસેનાને કમજોર કરવા માટે છે પરંતુ મહારાષ્ટ્ર અને શિવસેનાને કમજોર નહીં થાય. સંજય રાઉત ઝૂકશે નહીં અને પાર્ટી પણ છોડશે નહીં. આ દરમિયાન શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યું કે અમે ઇડી કે સરકાર સામે ઝૂકીશું નહીં. અમે શિવસેના માટે લડતા રહીશું. અમને તેમના પર ગર્વ છે, તેમને મહારાષ્ટ્રના લોકોનું સંપૂર્ણ સમર્થન છે.