નરેન્દ્ર મોદી સમગ્ર દેશની પ્રજાના વડા પ્રધાન છે. તેઓ એક હિંદુ તરીકે હિંદુ ધર્મના કાર્યક્રમોમાં અને દેવી દેવતાઓનાં મંદિરોમાં વ્યકિતગત રીતે જાય તે યોગ્ય છે. પરંતુ હિંદુઓના દેવ હનુમાનની મૂર્તિઓ અને મંદિરો દેશમાં ઠેરઠેર ઊભા કરવાનું આયોજન કરે એ વડા પ્રધાન તરીકેની એમની ગરિમા અને સ્થાન માટે જરાય શોભાસ્પદ નથી. વડા પ્રધાનનું દરેક કાર્ય દેશની તમામ પ્રજાને એકતા, પ્રેમ અને વિશ્વાસથી જોડવાનું હોવું જોઇએ. તેઓ તટસ્થ અને ધર્મનિરપેક્ષ હોવા જોઇએ. પક્ષપાત અને ભેદભાવ તેમના સ્થાન અને ગરિમાને હાનિ પહોંચાડે છે અને કેટલેક અંશે સમાજ અને દેશને પણ તેનાથી ભયંકર નુકસાન થાય છે. પ્રાચીનકાળમાં આપણા દેશમાં અનેક ગણતંત્રો હતાં. ગણતંત્રોમાં લોકો દ્વારા ચૂંટાયેલા રાજાને લોકસિધ્ધ રાજા કહેવામાં આવતા અને તે રાજયની સમગ્ર પ્રજાને પુત્રની જેમ પ્યાર કરતા હતા.
વડા પ્રધાન પણ દેશની તમામ પ્રજાના પ્રતિનિધિ છે એમને તમામ પ્રજાઓ એક સરખી વહાલી હોવી જોઇએ. જો તેઓ દેશની તમામ પ્રજાઓને ખરેખર એક સમાન દિલથી ચાહતા ન હોય તો તેઓ વડા પ્રધાનપદના અધિકારી નથી. નિર્દોષ લોકો દેશમાં નિર્ભય અને સલામત હોવાં જોઇએ. આપણા મહાન દેશના એક લોકપ્રિય વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આપણા પ્રાચીન મહાન ધર્મસમ્રાટ અશોકના જીવનમાંથી પ્રેરણા લઇને દેશને લડાઇ ઝઘડાથી મુકત કરવા ઉપરાંત સમગ્ર વિશ્વના દેશોને યુધ્ધથી મુકત કરી શાંતિ અને પ્રેમનો બુધ્ધનો સંદેશ પ્રસરાવી વિશ્વગુરુપદ હાંસલ કરવું જોઇએ.
કડોદ – એન. વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.