Columns

ભારત ઘઉંની નિકાસ બંધ નહીં કરે તો દેશનાં કરોડો ગરીબો ભૂખે મરશે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી ભારતે અનાજનો વેપાર કરતી વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓના દબાણ હેઠળ ઘઉંની નિકાસ ચાલુ કરી હતી. દેશનાં કરોડો ગરીબો જ્યારે ભૂખે મરતાં હોય ત્યારે વિદેશોમાં ઘઉંની નિકાસ કરવાનું પગલું આત્મઘાતક હતું. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવી આ નીતિ બદલવાની સરકારને ફરજ પડી છે. સરકારે અચાનક ઘઉંની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરતાં આશરે ૧૮ લાખ મેટ્રિક ટન જેટલા ઘઉં બંદરો પર સલવાઈ ગયા છે. અંદરનાં સાધનોની માહિતી મુજબ વ્યાપાર મંત્રાલય ઘઉંની નિકાસ ચાલુ રાખવા માગતું હતું; પણ કૃષિ ખાતાના આગ્રહને કારણે ઘઉંની નિકાસ પર વડા પ્રધાનના મંત્રાલયે પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

અગાઉ ભારત સરકારે ૧૧.૩૫ કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો અંદાજ રાખ્યો હતો, પણ માર્ચ મહિનાના હીટ વેવને કારણે ઉત્પાદન ઘટીને ૧૦.૫ કરોડ ટન થવાની ધારણા છે. આ કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવોમાં ૨૦ થી ૪૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. સરકાર દ્વારા જે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવે છે તેમાં પણ કિસાનો વેચવા તૈયાર નથી, કારણ કે નિકાસ કરનારા વેપારીઓ તેમની પાસેથી ઊંચા ભાવે ખરીદી કરી રહ્યા છે. ભારત સરકારે પણ આ વર્ષે રેકોર્ડ એક કરોડ ટન ઘઉંની નિકાસનો અંદાજ બાંધ્યો હતો, પણ ભારત સરકારે ઘઉંની નિકાસ પર અચાનક પ્રતિબંધ ફરમાવી દેતાં ઘઉંના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ૬ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

યુરોપની બજારમાં એક મેટ્રિક ટન ઘઉંનો ભાવ અગાઉ ૪૨૨ યુરો હતો તે વધીને ૪૩૫ યુરો પર પહોંચી ગયો છે. ભારતનાં બંદરો પર આશરે ૨૨ લાખ ટન ઘઉં નિકાસ માટે પહોંચી ગયા છે. તેમાંથી ચાર લાખ ટન ઘઉં માટે જ લેટર ઓફ ક્રેડિટ જારી કરવામાં આવ્યા છે, જેની નિકાસની છૂટ આપવામાં આવશે. બાકીના ૧૮ લાખ ટન ઘઉં વેપારીઓને ખુલ્લા બજારમાં વેચવાની ફરજ પડશે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી સરકારી યોજનાઓ માટે પણ ઘઉંનો પર્યાપ્ત જથ્થો મળી રહેશે.

યુક્રેન ભલે નાનકડો દેશ હોય, પણ ઘઉંની નિકાસ બાબતમાં તે અવ્વલ છે. વિશ્વમાં ઘઉંની કુલ નિકાસમાં યુક્રેનનો ફાળો ૧૨ ટકા જેટલો છે. રશિયાએ યુક્રેન સામે યુદ્ધ જાહેર કરતાં યુક્રેનમાંથી ઘઉંની નિકાસ બંધ થઈ ગઈ છે. આ પરિસ્થિતિનો લાભ લેવા ભારત દ્વારા ઘઉંની નિકાસ વધારી દેવામાં આવી હતી. ગયા વર્ષે ભારતમાંથી ૭૨ લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. તેની સામે સરકાર દ્વારા આ વર્ષે એક કરોડ મેટ્રિક ટન ઘઉંની નિકાસ થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. નિકાસકારો દ્વારા મંડીઓમાંથી મોટા પાયે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી.

તેને કારણે મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં તો ઘઉંના ભાવ વધીને ૨૨ રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. સરકાર દ્વારા આપવામાં આવતા ટેકાના ભાવો કરતાં પણ આ ભાવો વધુ હોવાથી કિસાનો સરકારને ઘઉં વેચવાને બદલે ખુલ્લા બજારમાં ઘઉં વેચવા લાગ્યા હતા. તેને કારણે સરકારે ઘઉંની પ્રાપ્તિનો લક્ષ્યાંક પણ ઘટાડવો પડ્યો હતો. સરકારે અગાઉ કિસાનો પાસેથી ૪.૪ કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તે ઘટાડીને ૧.૯૫ કરોડ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો.

સરકાર એક બાજુ ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપી રહી છે તો બીજી બાજુ કિસાનો સરકારને ઘઉં વેચવા તૈયાર નથી, કારણ કે ખુલ્લા બજારમાં તેમને વધુ કિંમત મળે છે. આ કારણે સરકારના અનાજના ભંડારો ખાલી થઈ રહ્યા છે. ગયા વર્ષે સરકારી ગોદામમાં ૭.૦૬ કરોડ ટન ઘઉંનો જથ્થો હતો. તેમાંથી આ વર્ષના પ્રારંભે ૧.૯ કરોડ ટન ઘઉં બચ્યા હતા. તેની સરખામણીમાં અગાઉના વર્ષના પ્રારંભે ૨.૭૩ કરોડ ટન ઘઉં વધ્યા હતા. તેમાં ૪.૪ કરોડ ટનની ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે ૧. ૯૫ કરોડ ટન ઘઉંની ખરીદી કરવામાં આવે તો પણ કુલ જથ્થો ૩.૮૫ કરોડ ટન જ થાય તેમ છે. ગયા વર્ષના ૭.૦૬ કરોડ ટનના સ્ટોક કરતાં આ જથ્થો લગભગ અડધો છે.

સરકાર પાસે જે ૩.૮૫ કરોડ મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક હશે તેમાંથી ૮૫ લાખ મેટ્રિક ટન તેણે કટોકટીની પરિસ્થિતિ માટે અનામત રાખવાના હોય છે. બાકીના ત્રણ કરોડ ટન ઘઉં જ સરકારી યોજનાઓમાં વિતરણ માટે પ્રાપ્ય બનશે. સરકારને સસ્તા અનાજની દુકાનો માટે જ ૨.૬ કરોડ મેટ્રિક ટન ઘઉંની જરૂર રહે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે તેને સપ્ટેમ્બર મહિના સુધીમાં બીજા એક કરોડ ટન ઘઉંની જરૂર પડશે. સરકારે ૨૦૨૦-૨૧ માં આ યોજના હેઠળ ૧.૦૩ કરોડ ટન અને ૨૦૨૧-૨૨ માં ૧.૯૯ કરોડ ટન ઘઉંનું મફતમાં વિતરણ કર્યું હતું. સરકાર પાસે ચાલુ વર્ષે પર્યાપ્ત માત્રામાં ઘઉંનો જથ્થો ન હોવાથી ચોખાનું વિતરણ કરવાની વિચારણા ચાલી રહી છે.

સરકાર અગાઉ ગરીબોને મફતમાં ૧.૦૯ કરોડ મેટ્રિક ટન ઘઉંનું વિતરણ સપ્ટેમ્બર મહિના સુધીમાં કરવાની હતી. હવે તેણે તે યોજના બદલી કાઢી છે. સરકાર હવે ગરીબોને ૫૪ લાખ ટન ઘઉં જ આપશે. બીજા ૫૫ લાખ ટન ચોખા આપીને તે લક્ષ્યાંક પૂરો કરશે. જો સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ ન મૂકવામાં આવ્યો હોત તો સરકાર ૧.૯૫ કરોડ ટન ઘઉંની ખરીદી પણ કરી શકી હોત કે કેમ? તે શંકાનો વિષય છે, કારણ કે કિસાનો ખુલ્લા બજારમાં ઘઉં વેચી રહ્યા છે. હવે સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોવાથી નિકાસકારોને નુકસાન થયું હોવાથી તેઓ બૂમરાણ મચાવી રહ્યા છે, પણ સરકારના નિર્ણય સામે તેમનું ચાલે તેમ નથી. સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર અચાનક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો ત્યારે દેશનાં બંદરો પર ૨૨ લાખ મેટ્રિક ટન ઘઉં તો સ્ટીમરમાં ભરાવવા માટે પહોંચી ગયા હતા. તેમાંના ૧૪ લાખ ટન ઘઉં ગુજરાતના કંડલા અને મુંદ્રા જેવાં બંદરો પર પહોંચી ગયા હતા. બાકીના ૮ લાખ ટન ઘઉં કાકિનાડા જેવા દક્ષિણ ભારતનાં બંદરો પર પહોંચી ગયા હતા. ગુજરાતમાં કંડલા અને મુંદ્રા બંદરોની બહાર તો હજારો ટ્રકો ઘઉં લઈને લાઇનમાં ઊભી છે. તેને ખાલી કરવાનું કામ રોકી દેવામાં આવ્યું છે.

ભારતે ૨૦૨૧-૨૨ માં ૭૮.૫ લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરી હતી, જે આગલા વર્ષ કરતાં ૨૭૫ ટકા જેટલી હતી. ચાલુ વર્ષે યુક્રેનમાં લડાઈ ફાટી નીકળી ત્યારે ભારતે ઘઉંની નિકાસ વધારીને એક કરોડ ટન પર લઈ જવાની ધારણા રાખી હતી. તે પૈકી ૪૫ લાખ ટનની નિકાસ માટેના સોદાઓ પણ થઈ ગયા હતા. એકલા એપ્રિલ મહિનામાં ભારતમાંથી ૧૪ લાખ ટન ઘઉંની નિકાસ પણ થઈ ગઈ હતી. હવે સરકારે નિકાસકારોને સોદા ફોક કરવાનું કહી દીધું છે. હવે જે ચાર લાખ ટન ઘઉંની નિકાસનું પેમેન્ટ બેન્કમાં જમા થઈ ગયું છે, તેટલા જ ઘઉંની નિકાસ કરવા દેવામાં આવશે. બાકીના ૧૮ લાખ ટન ઘઉં બજારમાં આવતા ઘઉંના ભાવોમાં ઘટાડો જોવા મળશે.

ગયા વર્ષે ભારત સરકાર પાસે ૨.૭૩ કરોડ મેટ્રિક ટન ઘઉં બફર સ્ટોક તરીકે હતા. તેમાંથી ગરીબોને મફત અનાજ આપવામાં આવતાં બફર સ્ટોક ઘટીને ૧.૮૯ કરોડ ટન પર આવી ગયો હતો. જો સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવામાં આવ્યો હોત તો ગરીબોને મફત અનાજ આપવાનું બંધ કરવાની નોબત આવી જાત. ભારતે ઘઉંની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો તેની જી-૭ ના અમીર દેશો દ્વારા ટીકા કરવામાં આવી છે, પણ ચીન દ્વારા તેનો બચાવ કરવામાં આવ્યો છે. હવે ભારત સરકાર કોઈ દેશની સરકારની વિનંતી હશે તો જ ઘઉંની નિકાસની છૂટ આપશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top