Business

ધર્મનો રાજકીય ઉપયોગ કરવો જરૂરી હોય તો શું કરવું જોઈએ?

આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં ફણગા ફૂટે અને ફાંટા પડે. ઇસ્લામમાં મુસલમાનોને એકસૂત્રે બાંધી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાંય વરવી વાસ્તવિકતા એ છે કે આજે મુસલમાન મુસલમાનને મારી રહ્યો છે. ધર્મના નામે સૌથી વધુ હિંસા મુસલમાનોમાં અંદરોઅંદર થાય છે. તો જગતની કોઈ ધાર્મિક પ્રજા સંગઠિત નથી પણ પેલો આભાસ તો સાથે ને સાથે જ રહે છે કે, જુઓ, માત્ર આપણે સંગઠિત નથી, બીજાઓ સંગઠિત છે.  તો પછી કરવું શું? ધર્મ જો અનુયાયી પ્રજાને એકસૂત્રે ન બાંધી રાખી શકતો હોય અને ધર્મનો રાજકીય ઉપયોગ કરવો જરૂરી હોય તો શું કરવું જોઈએ?

આનો એક ઉપાય શોધવામાં આવ્યો કે ધર્મનો માત્ર ઓળખ પૂરતો ઉપયોગ કરવામાં આવે, ધાર્મિકતા અને ધર્મનિષ્ઠાની કોઈ જરૂર નથી. તમે હિંદુ પરિવારમાં જન્મેલા હિંદુ છો એટલું તમારા હિંદુ હોવા માટે પૂરતું છે; પછી તમે શૈવ છો, વૈષ્ણવ છો, રામાનુજી છો, પુષ્ટિમાર્ગીય છો, રામ, કૃષ્ણ કે શિવજીને માનો છો કે બીજા કોઈને માનો છો એનાથી કોઈ ફરક નથી પડતો. ઈશ્વરમાં નહીં માનનારા નાસ્તિક હો તો પણ તમે હિંદુ હોઈ શકો છો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો ગુજરાતી ગુજરાતી હોવાપણું નકારતો નથી એમ જ  હિંદુ પરિવારમાં જન્મેલા હિન્દુએ હિંદુ હોવાપણું નકારવું ન જોઈએ. બસ આટલી જ જરૂરિયાત છે. આટલી જ અપેક્ષા છે. ગુજરાતી વાંચતા લખતાં ન આવડે એ જેમ ગુજરાતી હોવાની ઓળખ ધરાવે છે એમ જ હિંદુ પરિવારમાં જન્મેલ કોઈ હળાહળ નાસ્તિક હિંદુ કેમ ન હોઈ શકે?

આ જે નવો ઉપાય શોધવામાં આવ્યો છે એને કોમવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. હિંદુ હિંદુ પરિવારમાં જન્મેલી એક કોમ છે, તેને ધાર્મિકતા સાથે, ધર્મશ્રદ્ધા સાથે, ધર્મનિષ્ઠા સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં હિંદુ કોમવાદી રાજકારણ દાખલ કરનારા વિનાયક દામોદર સાવરકર પોતે અંગત જીવનમાં નાસ્તિક હતા. તેમણે ગાયને નિરર્થક પશુ તરીકે ઓળખાવી હતી. તેમણે કોઈ સેક્યુલર માણસ હિંદુ ધર્મની ચિકિત્સા કરે એના કરતાં પણ વધારે આકરી ચિકિત્સા હિંદુ ધર્મની કરી છે. ઇસ્લામનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સ્થાપના કરનારા મહમ્મદ અલી ઝીણા અઘોષિત નાસ્તિક હતા. તેમને નમાજ પઢતા પણ નહોતું આવડતું. અયોધ્યામાં રામમંદિર બાંધવા માટેનાં આંદોલનનું નેતૃત્વ કરનારા લાલકૃષ્ણ અડવાણી કોઈ અર્થમાં ધાર્મિક નથી. ધર્મનું રાજકારણ કરતા હોય પણ ધાર્મિક ન હોય એવાં બીજાં સેંકડો ઉદાહરણ આપી શકાય.

જેણે ભારતનું વિભાજન નોતર્યું એ હિન્દુત્વવાદીઓ અને પાકિસ્તાનની માગણી કરનારા મુસ્લિમ લીગીઓ એમ એ બેમાંથી કોઈ રૂઢ અર્થમાં ધાર્મિક નહોતા. એ બધા જ ભણેલા ગણેલા હતા, અંગત જીવનમાં પ્રગતિશીલ અને આધુનિક હતા, સ્ત્રીઓ માટે ઘરમાં પરદા અને ઘૂંઘટનો રિવાજ નહોતો વગેરે. દરેક અર્થમાં તેઓ આધુનિક હતા. તેમનો ધર્મ સાથેનો સંબંધ માત્ર અને માત્ર કોમી હતો અર્થાત્ સંખ્યાનો હતો. હિંદુ અને મુસલમાન એ ચોક્કસ ધર્મના પરિવારમાં જન્મ લીધેલી કોમ છે અને માટે તેણે સંગઠિત થવું જોઈએ. આનાથી વધારે ધર્મનો કોઈ ખપ નથી. ડૉ. સુબ્રમણ્યમ સ્વામી જેવા અનેક નેતાઓ સંઘપરિવારમાં મળી આવશે જેમનાં સંતાનોએ (દીકરીઓએ સુદ્ધાં) મુસલમાન કે અન્ય વિધર્મી સાથે લગ્ન કર્યાં છે. 

કોમી રાજકારણ કરનારાઓએ બન્ને બાજુએથી એક સરખા પ્રશ્નનો સામનો કરવો પડે છે. સેક્યુલારિસ્ટો સવાલ કરી રહ્યા છે કે અંગત જીવનમાં તમે જરાય ધર્મનિષ્ઠ નથી, પરિવારમાં સેક્યુલર જીવનમૂલ્યો અપનાવો છો તો જાહેરજીવનમાં શા માટે ધર્મના નામે કોમી રાજકારણ કરો છો? ધર્મને સંખ્યામાં કેદ કરવો અને ધર્મને હૃદયમાંથી રસ્તા ઉપર લાવવો એ ધર્મનો દુરુપયોગ નથી? તમે ધર્મની સેવા કરો છો કે કુસેવા કરો છો? આને ધર્મદ્રોહ ન કહેવાય? જે લોકો ધર્મમાં શુદ્ધ નિષ્ઠા ધરાવે છે એવા લોકો પણ એ જ સવાલ કરી રહ્યા છે કે અંગત જીવનમાં જે લોકો સેક્યુલર હોય એ ધર્મનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? કોઈ એક જગ્યાએ રહો. ધર્મ અને શાસ્ત્રોના ઉપદેશો જો માનવી માટે સંપૂર્ણ અને અંતિમ માર્ગદર્શક હોય અને તમે જો તમારા ધર્મ માટે ગૌરવ અનુભવતા હો તો પછી તમે તમારા વહાલા ધર્મના આદેશોની અવગણના કેવી રીતે કરી શકો?

બંધનમુક્ત થયા પછી વિનાયક દામોદર સાવરકર જ્યારે ‘હિંદુ મહાસભા’માં જોડાયા અને ‘હિંદુ મહાસભા’ને તેમણે હિંદુ ધાર્મિક રાજકીય સંગઠનની જગ્યાએ હિંદુ કોમી રાજકીય સંગઠનમાં ફેરવવાનો પ્રયાસ કર્યો ત્યારે એ સમયના દિગ્ગજ હિંદુ નેતા મદનમોહન માલવિયાએ સવાલ કર્યો હતો કે ધર્મનિષ્ઠા વિનાનું ધાર્મિક રાજકારણ તત્ત્વનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? આપણો ધર્મ જે કહેતા અને કરતા રોકતો હોય એ માત્ર રાજકીય ફાયદાઓ માટે કેવી રીતે કરી શકાય? જે ધર્મને ન સાંભળે અને જે ધર્મને ન અનુસરે એ સાચો ધર્મનિષ્ઠ (અહીં સાચો હિંદુ) કેવી રીતે હોઈ શકે? માત્ર કોઈની સામે રાજકીય સરસાઈ મેળવવા માટે મર્યાદા ઓળંગવાની? કહેવાની જરૂર નથી કે મદનમોહન માલવિયા સાવરકરના પ્રવેશ પછી ‘હિંદુ મહાસભા’થી અળગા થઈ ગયા હતા.

પણ કોમવાદીઓને એનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ એમ માને છે કે ધર્મ તેના કોમી સ્વરૂપમાં જોડી રાખવામાં ઉપયોગી નીવડી શકે, પણ ધાર્મિકતા તો જરાય ઉપયોગી ન થઈ શકે. ધર્મશ્રદ્ધા, ધર્માદેશ, ધર્મમાર્ગ નામની ચીજ આવી નહીં કે ફાંટા ફૂટ્યા નહીં. તરત માળો વિખાય જાય અને હિંદુઓનો તો માળો પણ ન રચી શકાય. અહીં ત્રણ સવાલ ઉપસ્થિત થાય છે: એક, જો ધર્મ માટે સાચો પ્રેમ જ નથી તો ભારતીય તરીકેની ઓળખ વિકસાવવામાં વાંધો શું છે? દેશ માટે સાચો પ્રેમ પણ હોવાનો અને દેશ માટેની ભક્તિમાં પ્રામાણિકતા પણ હોવાની. બે, ધર્મની કોમી ઓળખ વિકસાવીને જેતે પ્રજાને જોડી તો શકાય, પણ તેને કાયમ માટે જોડી રાખી શકાશે ખરી? ત્રણ, એ માર્ગમાં ફાયદો જ ફાયદો છે કે એમાં કોઈ જોખમ પણ છે? વિચારો!

Most Popular

To Top