Charchapatra

સિંગલ વુમનને શું કામ રંજાડો છો?

ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપમાં જ હોય છે. અપવાદરૂપ ‘પારો’ એ પ્રવાહી ધાતુ છે. પારાને વૈજ્ઞાનિકોએ ઘન સ્વરૂપમાં ફેરવવા કદી જીદ કરેલ નથી. તેને પ્રવાહી ધાતુ તરીકે સ્વીકારી તેનો ખાસ ઉપયોગ થમોમીટરમાં કર્યો હતો. સ્ત્રી જગતમાં પણ આવી અપવાદરૂપ સ્ત્રીઓ જોવા મળે છે. જેઓ લગ્ન બંધનને સ્વીકારી શકતી નથી. તેઓ સ્વતંત્ર રહી આયખુ પુરુ કરવા ઇચ્છે છે. અમુક નદીઓ પણ કદી સમુદ્રને મળતી નથી.

સિંગલ વુમનને વર્ચસ્વવાદી પુરુષ સમાજ ખુબ જ રંજાડે છે. બદનામ કરે છે. મેરેજ બ્યુરોવાળા પણ તેને યેનકેન પ્રકારે ફસાવવા પ્રયત્ન કરે છે. બદનામ કરાવે છે. બસ, રેલવે તથા વોટએપ જેવા માધ્યમોથી ટપોરી યુવકો વડે તેને અનહદ માનસિક ત્રાસ અપાય છે. પરિવાથી સ્વતંત્ર થઇ ઘર ભાડે લઇ જીવતી સિંગલ મહિલાને દંભી સમાજસેવકો યથાશકિત મદદના બદલે આર્થિક તથા માનસિક શોષણ કરી રંજાડે છે. મકાનમાલિક તથા પાડોશીઓ પણ તેને આર્થિક શોષણના નામે રંજાડી લગ્ન રૂપી બંધનમાં બાંધવા પ્રોપેગન્ડા કરે છે.

દંભી ધર્મગુરુઓ પણ એમની વાસનાપૂર્તિમાં જ રસ ધરાવી લગ્નના ફાયદાઓ વર્ણવી તેનું બ્રેઇનવોશ કરવા પ્રયાસ કરે છે. સરકાર લીવ ઇન રીલેશનશીપ પર કાયદા ઘડે છે. પરંતુ જે સ્ત્રી વૈરાગ્ય જીવન સ્વિકારી મહેનત મજૂરી કરી પેટિયું રળવા સક્ષમ હોય, નોકરી વ્યવસાયથી આજીવિકા રળી સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી હોય તેની સુરક્ષા માટે કોઇ વિશેષ કાયદો સરકારે અમલી બનાવેલ નથી. આજના જનરેશન ગેપના યુગમાં માતા પિતા વૃદ્ધાશ્રમમાં જતા હોય ત્યારે સિંગલ વુમન બહેન તરીકે ભાઇ ભાભી પર બોજ બનવાને બદલે સ્વતંત્ર રીતે ઘર ભાડે લઇને સ્વમાનપૂર્વક જીવી શકે છે.

પરંતુ સમાજમાં સિંગલ વુમનને જલદી ઘર ભાડે અપાતા નથી. સિંગલ પુરુષને સરળતાથી ઘર ભાડે મળી રહે તો મહિલાને કેમ નહીં? સ્ત્રી સશકિતકરણની સંકલ્પના લઇ ચાલતો આપણો સમાજ સ્ત્રની પ્રાકૃતિક સ્વતંત્રતા જળવાય એને સુરક્ષા તથા સન્માન મળે એ રીતે જીવન જીવવા સિંગલ વુમન કન્સેપ્ટ પર વિચારણા કરે એ ઇચ્છનીય છે. સોમાં બે પાંચ મહિલાઓ જ સિંગલ જીવન સ્વિકારે છે. એની પ્રકૃતિને માફક આવતો આ માર્ગ છીનવવા મથતા સમાજ સામે સુરક્ષા આપવા સરકારને કાયદો ઘડવા નમ્ર
અરજ છે.
સુરત- છીપકાવાલા સાજીદા એમ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top