થોડા સમય પહેલા એક ટ્રેન્ડ ચાલ્યો Ghibliart જેમાં ફેમસ ધીબલી સ્ટાઇલની AI કોપી કરી આપતું અને લોકો પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા. ટ્રેન્ડ ફોલો કરવા ટેવાયેલા આપણે એટલી બધી ઇમેજ બનાવી કે AI અટવાઈ ગયું, તેનું સર્વર ડાઉન થવા લાગ્યું. જોકે તે સમયે સાચો આર્ટિસ્ટ કોણ? તેની ડિબેટ ચાલી પણ આપણને ટ્રેન્ડ ફૉલો કરવા સિવાય કંઈ ખાસ રસ હતો નહીં. એ ઘટના બન્યાને થોડા મહિનાઓમાં એક ફિલ્મ અમુક પ્રોમ્પ્ટ અને કમ્પ્યુટરની મદદથી ફરી તેના નવાં ‘AI વર્ઝન’ બનાવામાં આવી જે 1 ઓગસ્ટ, 2025 પર તમિલ ભાષામાં ‘અંબિકાપતિ’ ના નામે રિલીઝ થવાની છે. આ ફિલ્મ જેના પરથી બની છે તેની સાથે કેટલાયે પ્રેમીઓની, સિનેફાઈ્લની લાગણી જોડાયેલી છે, જે એક મશીન નહીં જ જાણતું હશે. એ ફિલ્મ એટલે 2013માં આવેલી રાંઝણા. કુંદન(ધનુષ) અને ઝોયાની(સોનમ કપૂર) વાર્તા, પ્રેમ તેનાં ગીતો, ડાયલોગ અને લાસ્ટ ‘સેડ એન્ડિંગ’ – આ બધુ મળીને ફિલ્મ પહેલેથી પર્ફેક્ટ બની હતી પણ કોઈકને વિચાર આવ્યો હશે AI ના વિચાર પર ફિલ્મ બનાવાય તો? અને આ રાંઝણાનું હેપ્પી એન્ડિંગ વર્ઝન AI દ્વારા બનાવાની ઘટના બની. જેને કારણે ફેન્સની સાથે ફિલ્મના ડિરેક્ટર પણ એટલા જ દુઃખી છે. અહીં મોટો મુદ્દો એ છે કે દિગ્દર્શક આનંદ.એલ.રાયને આ વિશે જાણ પણ કરવામાં આવી ન હતી. તેણે AI વર્ઝન વિશે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે ‘મને દુઃખ છે કે આ તે ભવિષ્ય છે જેના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, હું ફક્ત એટલું જ કરી શકું છું કે આવા અવિચારી પ્રયોગથી પોતાને અલગ રાખી શકું’ તો શું ફિલ્મ બનાવનારા આનંદ એલ રાય કેમ આવી ફિલ્મ બનાવાની મંજૂરી આપી રહ્યા છે? કારણ કે ફિલ્મનાં રાઇટ્સ ઇરોઝ પાસે છે. અને આ સમયે તો ઈરોઝ સાથે પહેલાથી જ ઓપરેશનલ ગેરવહીવટ અને નાણાકીય બાબતોને લઈને કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. હવે આ AI નો અવિચારી વિચાર જેમનામાં આવ્યો તે ઇરોઝ દાવો કરે છે કે તેઓ ફિલ્મના માલિક હોવાથી તેમના અધિકારોમાં છે કે તેઓ આ રીતે ફિલ્મ બનાવી શકે. અને તેમની દલીલ એવી છે કે આ નવું પગલું છે. ‘જો ટેકનોલોજી આપણને કંઈક કરવાની મંજૂરી આપે છે અને આપણે તેની સાથે કંઈક સારું કરી શકીએ છીએ, તો શા માટે નહીં?’ અહીં એક મુદ્દો એ પણ છે કે ભારતના કૉપિરાઇટ કાયદા મોટાભાગે નિર્માતાઓની તરફેણ કરે છે, ફિલ્મ મેકરની નહીં. તેમ છતાં, ડિરેક્ટર પાસે નૈતિક અધિકારો છે પરંતુ વ્યવહારમાં સ્ટુડિયો પાસે જ સાચી સત્તા છે. ફિલ્મમાં AI ઉપયોગી સાબિત થઈ શકે છે. તે મદદ કરી શકે છે, જેનું ઉદાહરણ એકેડેમી નોમિનેટેડ ફિલ્મ ધ બ્રુટાલિસ્ટમાં જોવા મળ્યું છે. તેમાં તેની હાજરી ક્રિએટિવ પ્રોસેસમાં નહોતી. પરંતુ આ કિસ્સામાં તેનો ઉપયોગ કંઈક નવું બનાવવા માટે થઈ રહ્યો નથી; તેનો ઉપયોગ વાર્તાને ફરીથી લખવા માટે, વર્ષો પછી વાર્તામાં ફેરફાર કરવા માટે થઈ રહ્યો છે. અને એ પણ મૂળ સર્જકની મંજૂરી વિના! આ વાત હજી ગંભીર બને છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે આ એક વખતનું નથી. ઇરોઝ આને ‘એક્સપરિમેન્ટ’ તરીકે જુએ છે. જો સફળ થાય તો તેઓ તેમની પાસે રહેલા બાજીરાવ મસ્તાની, બજરંગી ભાઈજાન, દિલ ધડકને દો ,શોલે, મધર ઈન્ડિયા, ઓમ શાંતિ ઓમ જેવી ક્લાસિક ફિલ્મ પર પણ આવું કરી શકે છે. અને તેનું જોઈ બીજા પ્રોડક્સન હાઉસ પણ આ રેસમાં કૂદી શકે છે. ગ્લોબલ ફિલ્મ ઉદ્યોગમાં AI સાથે વધતા પ્રયોગો વચ્ચે આ વધુ એક કિસ્સો છે. હોલિવુડમાં AI નો ઉપયોગ વૉઇસ ક્લોનિંગ, ડબિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે કરવામાં આવ્યો છે, બોલિવૂડનો આ પહેલો કિસ્સો છે જેની ફિલ્મ મેકર્સ અને ઑડિયન્સ ઘણો વિરોધ કરી રહ્યા છે. •
