National

પશ્ચિમ બંગાળ: સંદેશખાલી બન્યું બંગાળની રાજનીતિનું કેન્દ્ર, ભાજપે વિવાદ પર ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી

સંદેશખાલી (Sandeshkhali) હાલમાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) રાજકારણનું (Politics) મોટું કેન્દ્ર બની ગયું છે. સંદેશખાલીમાં મહિલાઓ પર થતા અત્યાચારનો મુદ્દો ભાજપ છોડી રહી નથી તો બીજી તરફ મમતા બેનર્જી ભાજપને કોઈ તક આપી રહી નથી. ભાજપ મમતા પર સતત દબાણ વધારી રહ્યું છે. સંદેશખાલીમાં પહેલા SC-ST કમિશને મુલાકાત લીધી, પછી રાષ્ટ્રીય મહિલા આયોગ અને હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે સંદેશખાલી હિંસા અને મહિલાઓ પર બળાત્કારની ઘટના પર સુઓમોટો લેતા 4 અઠવાડિયામાં DGP અને મુખ્ય સચિવ પાસેથી સંદેશખાલી હિંસા અંગે રિપોર્ટ માંગ્યો છે.

બીજેપીએ ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી. આ ડોક્યુમેન્ટરી પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સામે જમીન પડાવી લેવાના અને જાતીય શોષણના કિસ્સાઓને પ્રકાશિત કરવાનો દાવો કરે છે. એક્સ હેન્ડલ પર રિલીઝ થયેલી આ 20 મિનિટની ડોક્યુમેન્ટ્રીના કેપ્શનમાં BJPએ લખ્યું, ‘એક સત્ય જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. એક સત્ય જે આપણને દુઃખ પહોંચાડે છે અને એક સત્ય જે આપણા અંતરાત્માને હચમચાવે છે. મમતા બેનર્જી સંદેશખાલીનું સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડોક્યુમેન્ટ્રીમાં સંદેશખાલીની કેટલીક મહિલાઓ તેમની સાથે થયેલા કથિત ગુનાઓ વિશે વાત કરી રહી છે. પીડિત મહિલાઓએ જણાવ્યું કે કેવી રીતે ટીએમસી નેતાઓ દ્વારા તેમની જમીન પર કબજો કરવામાં આવ્યો અને તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓએ પોલીસને તેમની સામે અત્યાચારની ફરિયાદ કરી તો પોલીસે પણ તેમને આરોપીઓ સાથે જ વાત કરીને મામલો થાળે પાડવાની સલાહ આપી હતી. સંદેશખાલી મુદ્દે ભાજપે મમતા બેનર્જી સરકારને ઘેરી છે. દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ આરોપો પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.

શું છે સંદેશખાલી વિવાદ
સંદેશખાલી કોલકાતાથી માત્ર 75 કિલોમીટર દૂર છે. સંદેશખાલી-1 અને સંદેશખાલી-2 એ ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના બસીરહાટ પેટા વિભાગના બે બ્લોક છે. સંદેશખાલી-2 કાલિંદી નદીની આ બાજુ છે અને સંદેશખાલી-1 નદીની બીજી બાજુ છે. સંદેશખાલી-1 બ્લોક એક પ્રકારનો ટાપુ છે. અહીં પહોંચવા માટે બોટ દ્વારા નદી પાર કરવી પડે છે. તાજેતરમાં સંદેશખાલીની સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની જમીન ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓએ હડપ કરી લીધી છે. તેમાંથી ઘણાનું યૌન શોષણ પણ થયું હતું. શાહજહાં શેખ પશ્ચિમ બંગાળના રાશન કૌભાંડમાં પણ આરોપી છે અને હાલમાં ફરાર છે. શાહજહાં શેખ પર ED ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે. સંદેશખાલીના લોકોનો દાવો છે કે શાહજહાં શેખ અને તેના સાથીઓએ સંદેશખાલીમાં હજારો એકર જમીન કબજે કરી છે અને ત્યાં માછલી ઉછેર કરે છે. આરોપ છે કે શાહજહાં શેખ અને તેના સાથીઓનો સંદેશખાલીમાં એટલો પ્રભાવ છે કે ફરિયાદો છતાં પોલીસ તેમની સામે પગલાં લેતી નથી.

Most Popular

To Top