વડોદરા: વડોદરાના ફતેગંજ પોલીસ મથકની ટીમે નવાયાર્ડ નાળા પાસેથી મારક હથિયારો ભરેલ બે ફોર વ્હીલ કાર સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. જેઓની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.ઉત્તર પ્રદેશમાં આગામી નગરપાલિકાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ કરી રાખી હોવાનું સામે આવ્યું હતું.
ઝડપાયેલા ઈસમોના ગ્રુપ યુપીમાં ચૂંટણી લડે છે
ફતેગંજ પોલીસ મથકના પી.આઇ અને સ્ટાફના માણસોની સતર્કતાથી લોહિયાળ અથડામણ થતા અટકી છે. નાઇટ કોમ્બીંગ દરમિયાન ફતેગંજ પોલીસે નવાયાર્ડ નાળા પાસેથી વર્ના કાર અને થાર ઝીપ ગાડીમાંથી મારક હથિયારો સાથે મોહમ્મદ કાસીમ ખાન ઇરફાન પઠાણ રહે,ફાતિમા પાર્ક ગોરવા, મુહમ્મદ હુસેન અહેમદ નફિસ પઠાણ રહે, સંતોક નગર સોસાયટી જુના છાણી રોડ અને ઈકબાલ કલ્લુ ભાઈ પઠાણ રહે ચિશ્તીયાનગર,છાણી રોડને ઝડપી પાડ્યા હતા.બંને વાહનોમાંથી અણીદાર બેઝબોલ ટાઈપ પાઈપ, લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને વાંસના મજબૂત ધોકા મળી આવ્યા હતા.પોલીસે લાખો રૂપિયાના વાહનો સહિત હથિયારો કબ્જે કરી ત્રણેયની અટકાયત કરી છે.
ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણીને લઈ મારક હથિયારો રાખીને તૈયારી કરી હોય તે દિશામાં પોલીસની ઝીણવટભરી તપાસ શરૂ
ફતેગંજ પોલીસ મથકના પીઆઈ કે.પી.પરમારે જણાવ્યું હતું કે અમે સ્ટાફ સાથે નવાયાર્ડ વિસ્તારમાં કોમ્બિંગ માં હતા.તે દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે એક ગાડી જેમાં મારક હથીયારો રાખેલા છે.તપાસ કરતા વર્ના ગાડી માંથી લોખંડની પાંચ પાઇપ જે બેઝ બોલના ધોકા ટાઈપ બનાવેલ હતી.અને બીજા ખીલ્લા વાળા હથિયારો મળ્યા છે.સ્થળ પર હાજર મહમદ કાસિમ ખાન જે ગોરવા બ્રિજ પાસે રહે છે.તપાસ દરમ્યાન એની બાજુમાં જ બીજી એક થાર જીપગાડી ઉભી હતી.તેમાંથી પણ મારક દંડા મળી આવ્યા હતા અને મહંમદ અહેમદ નફિસ આ બે આરોપીની ધરપકડ કરી હતી.હથિયારો રાખવા પાછળનું કારણ પુછતા તેઓએ જણાવ્યું હતું કે અમારી સાથે એક ઈકબાલ હુસેન કરીને છે.
તેની સાથે ઘણા વર્ષોથી મનદુઃખ થતાં અદાવત હોય ગમે ત્યારે કોઈ ઝઘડો થાય તો એને સામનો કરવા માટે આ હથીયારો રાખેલા છે. જેથી તેની દુકાને પણ તપાસ કરતા ચિશ્તીયા નગરમાંથી વાસના બાર દંડા મળી આવ્યા હતા.જેથી ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.જેમાંથી બે મૂળ ઉત્તર પ્રદેશના છે અને યુપીમાં આગામી નગરપાલિકાનું ઇલેક્શન છે અને આ બંને ગ્રુપો ત્યાં ચૂંટણી લડતા હોય એ અનુસંધાને આ લોકોએ અહીંયા તૈયારી કરી રાખી હતી તેમ જાણવા મળ્યું છે.હાલ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે.અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.યુપીમાં નગરપાલિકાનું આગામી 11 માં મહિનામાં ઇલેક્શન છે તેવું જાણવા મળેલ છે અને અહીંના જે આ બે ગ્રુપો છે એ ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન લડે છે. એક ગ્રુપ અહીંયા પણ છે એટલે એના જો કોઈ પ્રત્યાઘાતો અહીં પડે તો એની તૈયારી રૂપે આ લોકોએ હથિયારો તૈયાર રાખ્યા હતા તેવી માહિતી મળેલી છે. હાલ તે દિશામાં અમારી પૂછપરછ ચાલુ છે.