આપણને જિંદગીમાં કાયમ સફળ થવાનું શીખવાડવામાં આવે છે અને સફળતાનો મોટા ભાગે માપદંડ આપણે શું મેળવ્યું છે તેના આધારે આપણે અને આપણી આસપાસના લોકો નક્કી કરતા હોય છે, પણ હું જિંદગીના એવા પડાવ ઉપર આવી ઊભો છું, જયાં હું હિસાબ માંડવા બેસું તો મને લાગે છે, મેળવવા કરતાં ગુમાવ્યું તે વિશેષ છે. હું મારી જિંદગીનાં પાછલાં વર્ષોમાં જાઉં તો સમજાય છે કે જયારે મારા હાથમાં ઘડિયાળ ન્હોતી ત્યારે મને કયારેય એવું લાગ્યું નહીં કે સમય ઓછો પડે છે. આમ તો જયાં સુધી મા ની બૂમ પડે નહીં અને મા શોધવા નીકળે નહીં ત્યાં સુધી ઘરે જવાનું નહીં એટલી જ સાદી સમજ હતી. ખાસ કરી ઘરે મહેમાન આવે અને મહેમાનની સામે માટીથી રગદોળાયેલા પગ જોઈ મા ને સંકોચ થતો હતો. મા વઢતી કે તું ચંપલ કેમ પહેરતો નથી? મા ભલે કહેતી કે ચંપલ પહેરતો નથી, ચંપલ કોને કહેવાય તેની ખબર ન્હોતી. મા જેને ચંપલ કહેતી તે ખરેખર સ્લીપર હતી. વર્ષમાં એક જ વખત સ્લીપર ખરીદવાની, તેમાં પણ રમતાં રમતાં તૂટી જાય એટલે સ્લીપરની પટ્ટી બદલવાને બદલે પીન લગાડી કામચલાઉ સમારકામ કરી દેવાનું.
એટલે જો જાતે જ એક નિયમ બનાવી દીધો હતો કે ઘરેથી સ્લીપર પહેરી નીકળવાનું અને મેદાનના કોઈ ખૂણામાં સ્લીપર કાઢી રમવા લાગવાનું. જો કે ત્યારે ખબર ન્હોતી કે આપણે જયાં રમીએ છીએ તેને મેદાન કહેવાય કારણ ત્યારે તો ચારે તરફ ખુલ્લી જગ્યાઓ હતી. મેદાન કોને કહેવાય તેની તો બહુ મોડે ખબર પડી, જયારે આસપાસ ઈમારતો બની અને રમવાની જગ્યાઓ સાંકડી બની. ખુલ્લા પગે સાયકલના ટાયરો લઈ દોડવાનું, સાઈકલ આવડી ગઈ પછી એક જ સાઈકલ ઉપર ચાર ચાર મિત્રો એક સાથે ચઢી બેસવાનું ખરેખર કૌતુક હતું. ઘરની પાસે રહેલાં ખુલ્લાં ખેતરોમાં રમવાનું, ઝાડી ઝાંખરા વચ્ચે સંતાઈ જવાનું, પગમાં કાંટા તો વાગે, પણ તેની છેક રાત્રે ખબર પડે, પગમાં વાગેલા કાંટા કાઢવામાં કેટલાંક મિત્રો માહિર હતા. જાણે કોઈ સર્જન હોય તેવી અદાથી સોઈથી કાંટા કાઢી આપતા. જિંદગીમાં કેટલા કાંટા વાગ્યા તેનો તો હિસાબ જ નથી, કારણ કાંટાનું તો કામ જ હતું વાગવાનું, આંબા ઉપર રહેલી કેરીઓને પથ્થર મારી તોડવાની, આંબલીના ઝાડ નીચે બેસી કેરી ખાવાની, પાણીના નળ પાસે ખોબો ધરી તરસ છીપાવવાની.
ઉનાળો ગરમ હોય છે તેની પણ બહુ મોડે ખબર પડી, ઉનાળાની રાતે ઘરની અગાસીમાં કતારબંધ મિત્રો સાથે સૂવાનું. સવાર પડે અને ઉઠાડવા દોડી આવતા સૂર્યનારાયણને છેતરવા જયાં છાંયડો હોય ત્યાં ખસી જવાનું, પડોશમાં રહેતા મિત્રો અને સ્કૂલમાં ભણતા દોસ્તાર કયા ધર્મ અને કઈ જાતિનો છે તેની તો ખબર જ ન્હોતી, કદાચ આ અજ્ઞાનને પણ સુખ કહેવાય તેની પણ ખબર ન્હોતી. મા એ આપેલા ડબ્બામાં રોટલી શાક કરતાં કંઈ ઉત્તમ હોય તેની ખબર ન્હોતી. સ્કૂલની બહાર ઊભી રહેતી લારીમાં મળતા પાંચ-દસ પૈસાની પીપરમીટ, આંબળા અને ફાલસાનો સ્વાદ આજે પણ ડાઘમાં છુપાયો છે. એકલા ખવાય નહીં તેવી સમજ કયાંથી આવી તેની ખબર નથી. એક પીપરમીટના બે ભાગ કરવા શર્ટને મોંઢા પાસે લાવી પીપરમીટને તેમાં મૂકી દાંત વડે તોડી દોસ્તારને એક ટુકડો આપવાની મીઠાશ કંઈક ઔર હતી. સ્કૂલના માસ્તર કોઈ દોસ્તને ફટકારે તો પીડા અમને થતી. માસ્તરે માર્યો છે તેવી ઘરે કહેવાની હિંમત ન્હોતી. વેકેશનમાં પણ માસ્તર નજરે પડે તો કેમ રમો છો છોકરા તેમ કહી ફટકારશે તેવો ડર હતો.
વેકેશનમાં મુકામ એટલે મામાનું ઘર હતું. મામા તો ઠીક મામીના ચહેરા ઉપર પણ ઉત્સાહ હતો. બે મા મળી એક મામા થાય એટલે પ્રેમ પણ બમણો હતો. મામાનું ઘર કેટલે, દીવો બળે તેટલે. ગીતમાં કેટલો સ્નેહ છે. બહુ મોડે ખબર પડી, હું તને પ્રેમ કરું છું તેવું ઘરમાં કોઈ એકબીજાને કહેતું નહીં, છતાં પ્રેમ સિવાય કંઈ ન્હોતું તેની ખબર આજે પડી. દાદા દાદીની વારતાઓ જિંદગીમાં રંગ ભરી દેતી, દાદીના વારતાના રાક્ષસોનો ડર લાગતો અને દાદીની પરીઓ ઉપર વ્હાલ ઉભરાતું. મા મારે તો દાદી આડી ઊભી રહી જતી, ખબર નહીં, મા મારતાં મારતાં કેમ રડી પડતી, ઝઘડો પણ થતો, અબોલા પણ થતાં, પણ કોઈને સોરી કહેવાની જરૂર ન્હોતી. રાત ગઈ બાત ગઈ તેવી રીતે રોજ નવી સવાર થતી. પથારીમાં પડેલા દાદા કંઈ કરી શકતા ન્હોતા , છતાં દાદા વઢશે તેવો ડર રહેતો. દાદા ગયા ત્યારે તેમની દોણી ઊંચકવાનો ભાર આટલો બધો હશે તેની ખબર ન્હોતી, દાદા દાદીની ગેરહાજરીમાં અકળાવનારી હતી થોડી થોડી વારે ઘરે ડોકિયું કરી તેમને જોઈ લેવાની આદત હતી.
તારા પપ્પાને આવવા દે, એટલા શબ્દો મને શાંત કરવા માટે પૂરતા હતા. પપ્પા મારે કે નહીં, પણ તેમની નજરોની બીક હતી. સવારે નોકરીએ ગયેલા પપ્પા સાંજે પાછા ફરે ત્યારે તેમના હાથમાં થેલી જોઈ આનંદ થતો. આ નાનકડી થેલીમાં આટલો આનંદ કઈ રીતે સમાતો હશે તેની ખબર ન્હોતી, ફાટી ગયેલા શર્ટ-ચડ્ડીને સોઈદોરાથી સાંધી હોય તેને થીંગડું કહેવાય તેની ખબર ન્હોતી. સમયે તેનું કામ કર્યું, બધું જતું રહ્યું અને માણસો સહિત જિંદગીમાં બધું નવું ઉમેરાતું ગયું. સુખ જોવાનો નહીં, સુખ અનુભવનો વિષય છે તે સમજવામાં મોડું કર્યું. આજે મારી પાસે જે છે તેની સરખામણી હું પાછલી જિંદગી સાથે કરું તો મને લાગે છે કે દરિદ્રતાને મેં સમૃધ્ધિ સમજવાની ભૂલ કરી છે. સંતાનોને સુખી જોવાની લ્હાયમાં મેં તેમને જીવનના ખરા સુખથી વંચિત રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.