દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ થઈ આવે અને સમાજમાં આજે પણ કેટલાક લોકો તેમનેે દયાભાવે જોતાં હોય છે અને જાહેર સ્થળોએ પોતાની ઈચ્છાથી મદદ કરતા હોય છે ત્યારે આપણા દેશમાં ડાન્સર સુધા ચંદ્રન, પર્વતારોહી અરુણિમા સિંહા, હાસ્ય કલાકાર જય છનીયારા વગેરે લોકોએ એવા દાખલા બેસાડયા છે કે નોર્મલ વ્યક્તિઓ પણ મોંમાં આંગળાં નાખી દે. દર વર્ષે ૩ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ મનાવવામાં આવે છે. દિવ્યાંગોમાં જાગૃતતા લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ તો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ભારતના વડા પ્રધાન મોદીએ વર્ષ 2015 માં વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ શબ્દથી સંબોધન કરીને તેમનું સન્માન અને ગૌરવ વધાર્યું છે. તો આજે આપણે એવી કેટલીક દિવ્યાંગ વ્યક્તિઓ સાથે મુલાકાત કરીશું જેમણે પોતાની કમીઓને ખૂબીમાં બદલીને પોતાના જીવનમાં નવી આશાનો સંચાર તો કર્યો જ છે સાથે જ સામાન્ય વ્યક્તિઓ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે.
કેન્સરમાં જમણો હાથ ગુમાવ્યો: વિષ્ણુ રાણા
માત્ર 8-10 વર્ષની ઉંમરમાં જ એક હાથ કપાવવો પડે એ સાંભળીને જ ધ્રૂજી જવાય ને આમ બન્યા પછી પણ જિંદગી એક હાથ વડે જીવવી આસાન નથી હોતી. આવા સંજોગોમાં સુરતના ભાઠેના ખાતે રહેતા 18 વર્ષીય વિષ્ણુ રાણાએ હિંમત ન હારીને એવી સિધ્ધિઓ હાંસલ કરી છે કે સહેજે તેના પર ગર્વ થઈ આવે. હાલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરી રહેલો વિષ્ણુ જણાવે છે કે, ‘‘હું જ્યારે 8-10 વર્ષનો હતો ત્યારે મારા જમણા હાથમાં કેન્સરની ગાંઠનું નિદાન થયું હતું. હું મારા પરિવારનું એકમાત્ર સંતાન હોવાથી આ સાંભળીને મારાં મમ્મીપપ્પાના માથે તો જાણે આભ તૂટી પડ્યું પણ કેન્સર આગળ વધતું અટકાવવા માટે હાથ કાપવા માટે તેઓ રાજી થયા.
ઓપરેશન સફળ રહ્યું પણ મારા માટે હવે કપરી પરિસ્થિતિ એ ઊભી થઈ કે હું જમણા હાથથી લખવા તથા અન્ય કામો કરવા ટેવાયેલો હતો જેથી અન્ય કામોમાં તો પરિવારની મદદ મળી રહેતી પણ આગળ અભ્યાસ કરવા માટે મારે જાતે લખવું જરૂરી હતું જેથી મેં કોઈના પર આધાર રાખવો ન પડે એ માટે ડાબા હાથથી લખવાનું શીખી લીધું. મને સ્વિમિંગનો શોખ તો હતો જ જેથી ધીમે ધીમે મેં ટ્રેનરની મદદથી સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું. ત્રણ થી સાડા ત્રણ વર્ષની મહેનત બાદ મેં વર્ષ 2021માં સ્વિમિંગમાં નેશનલ લેવલે 2 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ મેળવ્યો હતો જયારે હાલમાં વર્ષ 2022 માં માર્ચ માસમાં 3 ગોલ્ડમેડલ મેળવી નેશનલ લેવલે ગોલ્ડમેડાલિસ્ટ બન્યો છું. આ સિવાય મેં Shot Put તથા Dises Throw ની સ્પર્ધામાં પણ ભાગ લઈને ઈનામ મેળવ્યાં છે. જો કે હાલમાં હું અભ્યાસ કરું છુ એટ્લે સ્વિમિંગ માટે વધુ સમય નથી મળતો પણ બાદમાં સ્વિમિંગ માટે કોચ તરીકેની ટ્રેનીંગ લઈને આગળ વધવાની ઈચ્છા છે.’ સાથે જ પોતાની વાત પૂરી કરતાં વિષ્ણુ અન્યોને સંદેશો આપે છે કે, કોઈ પણ પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી, માણસ ધારે તો કોઈ પણ પરિસ્થિતિ તેમને રોકી નથી શકતી.
ગાઈડન્સના અભાવે ફાઇન આર્ટસ ન કરી શક્યો: યોગેશ રાઠોડ
જન્મજાત ખામીના કારણે ડાબો હાથ ન ધરાવતા પાંડેસરાના 28 વર્ષીય યોગેશભાઈ જણાવે છે કે, ‘મારી વિકલાંગ શાળામાંથી ડ્રોઈંગ કલાસ માટે મારા સહિત 10 થી 12 જેટલા વિદ્યાર્થી સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જો કે મને તો ડ્રોઇંગનો પહેલેથી જ શોખ હતો એેટલે મેં આગળ પણ પ્રેક્ટિસ ચાલુ રાખી. મારી ઈચ્છા હતી કે હું ફાઇન આર્ટસમાં કારકિર્દી બનાવીને આગળ વધું પણ યોગ્ય ગાઈડન્સનો અભાવ અને પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે એ શક્ય બન્યું નહીં અને મેં B.Com. કરીને M.Com પણ શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા વર્ષની ATKT સોલ્વ કરી શક્યો નહીં.
આમ પણ મારું મન ડ્રોઈંગ તરફ વધુ ખેંચાઇ રહ્યું હતું. જેથી ધીરે ધીરે મેં ઘરે જ ડ્રોઈંગ ક્લાસ શરૂ કર્યા. પહેલાં તો એક- બે સ્ટુડન્ટ જ આવતા હતા પણ પછી મેં હિંમત હાર્યા વિના મારા ક્લાસ ચાલુ જ રાખ્યા અને આજે મારી પાસે 50થી વધુ સ્ટુડન્ટ્સ પેન્ટિંંગ્સ શીખવા માટે આવે છે. હું બેઝિક ડ્રોઈંગથી લઈને કેનવાસ અને ઓઇલ પેઈન્ટ પણ શીખવું છું. મારા વિદ્યાર્થીઓમાં સ્કૂલના બાળકોથી લઈને વડીલોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં એક સારા પેન્ટર તરીકે મારી નામના છે પરંતુ પાંડેસરા જેવો ગીચ વિસ્તાર હોવાથી લોકો આવતા પહેલાં વિચારે છે માટે કોઈ સારા વિસ્તારમાં ક્લાસ શરૂ કરવાનું સપનું છે જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય.’
પ્રધાનમંત્રી જાતે ઊંચકીને પોડિયમ સુધી લઈ ગયા હતા: ગૌરી શાર્દૂલ
વર્ષ 2016માં ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે નવસારીમાં દિવ્યાંગો માટે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એક 6 વર્ષીય બાળકીને પૂછવામાં આવ્યું કે, ‘બેટા તને શું આવડે છે ?’ ત્યારે પ્રજ્ઞાચક્ષુ ગૌરીએ કહ્યું કે, ‘‘કાવ્ય, ભજન અને રામાયણની ચોપાઈઓ આવડે છે.’’ ત્યારે આ સાંભળીને પ્રધાનમંત્રી જાતે આ બાળકીને ઊંચકીને પોડિયમ સુધી લઈ ગયા હતા અને તેના મુખેથી ચોપાઈ સાંભળીને ભાવવિભોર થઈ ગયા હતા. મૂળ તાપી જિલ્લાની આ બાળકી એટલે 12 વર્ષીય ગૌરી શાર્દૂલ.
વ્યારાની વતની અને હાલમાં ડાંગ ખાતે પ્રજ્ઞા મંદિર અંધજન શાળામાં અભ્યાસ કરી રહેલી ગૌરી IAS બનવાનું સપનું સેવી રહી છે. ટોકિંગ સોફટ્વેરના આધારે અભ્યાસ કરતી આ બાળકીની અભ્યાસ ઉપરાંત અન્ય કેટલીક સિધ્ધિઓ પર નજર કરીએ તો, કળા મહાકુંભમાં ઝોન કક્ષાએ દ્વિતીય નંબર, સંગીત વિશારદમાં પ્રવેશિકા પૂર્ણની પરીક્ષા પાસ, વર્ષ 2016માં ‘રુદિયાનો રાજા’ નાટકમાં અને વર્ષ 2020માં ‘ગાંધી ગોષ્ઠિ ગગનમાં’ તેમ જ વર્ષ 2022માં ‘આરોહણ’ નાટકમાં બેસ્ટ અભિનેત્રી તરીકેના એવોર્ડ પોતાને નામ કરી ચૂકી છે.’
2 હાથ વગર જાતે લખે છે: સ્નેહા રાઠવા
માત્ર બે વર્ષની નાની બાળકીને કરંટ લાગ્યો અને તેના કોણીની નીચેથી બંને હાથ કાપવા પડ્યા ત્યારે અબૂધ બાળકીને તો ખ્યાલ જ ન હતો કે તેની સામે મોટા થઈને અનેક પડકારો આવશે. જો કે આ બાળકી આજે મોટી થઈ ગઈ છે અને કોલેજમાં અભ્યાસ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવવા માટે સક્ષમ બનવા તરફ પગલાં માંડી રહી છે. સ્નેહા સાથે વાત કરી ત્યારે લાગ્યું કે જાણે એને પોતાના હાથ નહિ હોવાનો કોઈ અફસોસ જ નથી. સ્નેહા કહે છે કે, ‘‘હું જ્યારે સમજાતી થઈ ત્યારે મારા જેવડા બાળકોને મેં સ્કૂલે જતાં જોયા જેથી પપ્પાને કહ્યું કે મારે પણ સ્કૂલે જવું છે પણ પપ્પાએ મને સમજાવી કે તું લખીશ કેવી રીતે? તો મેં તેમને પાસે રહેલું લખાણ લખીને બતાવ્યું ને આમ હું સ્કૂલે જવા લાગી અને થોડો સમય સામાન્ય બાળકો સાથે અભ્યાસ કર્યા બાદ મેં વિકલાંગો માટેની શાળામાં એડમિશન લીધું જેમાં ધોરણ 12મા વિધાઉટ રાઇટર એકાઉન્ટ સબજેકટમાં 100 માંથી 100 માર્કસ તથા અન્ય સબજેક્ટ્સમાં પણ 97-98 માર્કસ મેળવીને 91% સાથે પાસ થઈને લોકોને અચરજમાં મૂકી દીધા.’ આ ઉપરાંત ખેલ મહાકુંભમાં દોડમાં બ્રોન્ઝ મેડલ, મહેંદી સ્પર્ધામાં તથા ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લઈને પણ ઘણા ઇનામો મેળવ્યા છે. જો કે સ્નેહાની ઈચ્છા તો ક્લાસ -1 ઓફિસર બનવાની છે અને આ માટે તે હાલમાં અભ્યાસમાં તનતોડ મહેનત કરી રહી છે.
જ્યારે થોડી તકલીફમાં સામાન્ય વ્યક્તિઓ હિંમત હારી જાય ત્યારે નાનાં ભૂલકાંઓથી માંડીને યુવાન વ્યક્તિઓ પણ વિકલાંગ હોવા છતાં આગળ વધ્યા છે અને વધી રહ્યા છે. વિકલાંગો પોતાનામાં રહેલી ખામીને ખૂબીમાં બદલીને પોતાના જીવન સાથે જોડાયેલ કાયમી સમસ્યાથી વિચલિત થવાને બદલે તેમની હકારાત્મકતા અને હિંમતથી જીવનના દરેક પડાવને પાર કરતા હોય છે જેના અસંખ્ય દાખલાઓ આપણી સમક્ષ મોજૂદ છે તો આજે વિશ્વ દિવ્યાંગ દિવસે વિશ્વના દરેક દિવ્યાંગ વ્યક્તિને વંદન અને આજના દિવસે સંકલ્પ કરીએ કે ક્યારેય પણ તેમને આપણાથી ઓછા ન આંકીએ.